ટેસ્ટૉસ્ટરોન : શુક્રજનન (spermatogenesis) માટે આવશ્યક સ્ટીરૉઇડ પ્રકારનો અંત:સ્રાવ (hormone). રાસાયણિક નામ, 17 b – હાઇડ્રૉક્સી-4-એન્ડ્રોસ્ટન 3. ઓન; અણુસૂત્ર, C19H28O2; બંધારણીય સૂત્ર :

ગ. બિં. : 154° સે., રંગ સફેદ અથવા આછો પીળાશ પડતો સફેદ (cream white). તે પાણીમાં અદ્રાવ્ય પણ ક્લૉરોફૉર્મ, આલ્કોહૉલ વગેરેમાં દ્રાવ્ય, ગંધવિહીન સ્ફટિકીય પદાર્થ છે. ટેસ્ટૉસ્ટરોનનું બંધારણ 1935માં બુટનાન્ટ અને હેનિશે નક્કી કર્યું હતું. તેનું નવું સુધારેલું સંશ્લેષણ 1960માં જૉનસને રજૂ કર્યું. ઔદ્યોગિક રીતે તે ડિહાઇડ્રોએપી-ઍન્ડ્રોસ્ટરોનમાંથી બનાવી શકાય છે. આ પુંજનીય (androgenic) અંત:સ્રાવ વૃષણમાં પેદા થાય છે અને તે નર લૈંગિક અવયવો (sex organs) તેમજ ગૌણ જાતીય લક્ષણોના પોષણ તથા વિકાસનું નિયંત્રણ કરે છે. પુખ્ત પુરુષની ગ્રંથિમાંથી રોજના 3થી 10 મિગ્રા. ટેસ્ટૉસ્ટરોન સ્રાવે છે. અન્ય સંશ્લેષિત અંત:સ્રાવો સાથે તે કુદરતી અંત:સ્રાવના સ્રવણમાં પેદા થતી અવ્યવસ્થાના ઉપચાર માટે વપરાય છે.

કુદરતી પુંજન(androgen)માં 19 કાર્બન હોય છે. પૌરુષીય લક્ષણો માટે તે કારણભૂત છે. વૃષણના અંતરાલ કોષોમાં ટેસ્ટૉસ્ટરોન પેદા થાય છે. પુંજન માત્ર વૃષણમાં જ નહિ, પરંતુ અધિવૃક્ક બહિતર(adrenal cortex)માં પણ બને છે. ખસી કરેલા જાનવરના મૂત્રમાં તેમજ માદા જાનવરો અને સ્ત્રીઓના મૂત્રમાં પણ પુંજન જોવા મળે છે.

વૈદકીય ઉપયોગમાં ટેસ્ટૉસ્ટરોન અવિકસિત લૈંગિક અવયવો (hypogonadism), નપુંસકતા તથા પ્રૉસ્ટેટ ગ્રંથિની અતિવૃદ્ધિ(hypertrophy)ના ઉપચારમાં વપરાય છે. સ્ત્રીઓમાં ટેસ્ટૉસ્ટરોન થૅરપીમાં સાવચેતી જરૂરી છે, નહિ તો પૌરુષીય લક્ષણો  દેખાવા માંડે છે. સ્ત્રીઓની માસિકની અનિયમિતતા, મેનપૉઝ તથા ઉરપ્રદેશમાં શોથ (cystic mastitis; breast inflammation) મટાડવા પણ તે ઉપયોગમાં લેવાય છે.

જ. પો. ત્રિવેદી