ટેસ્લા, નિકોલા (જ. 10 જુલાઈ 1856, સ્મીલ જાન લીકા (હાલ યુગોસ્લાવિયા), ઑસ્ટ્રિયા-હંગેરી સરહદ નજીક; અ. 7 જાન્યુઆરી 1943) : ક્રોશિયન-અમેરિકન વિદ્યુતશાસ્ત્રી અને પ્રસારણ, રેડિયો અને વિદ્યુત-ઊર્જામાં પાયાનું કાર્ય કરનાર વૈજ્ઞાનિક. 1880માં યુનિવર્સિટી ઑવ્  પ્રાગમાં અભ્યાસ કરી સ્નાતક થયા. 1884માં વતન છોડીને ન્યૂયૉર્ક ગયા. 1889માં અમેરિકન નાગરિકત્વ પ્રાપ્ત કર્યું. યુ.એસ.માં તે સમયે ઔદ્યોગિક ક્ષેત્રે ડી.સી. પ્રવાહ આધારિત મોટરનો ઉપયોગ થતો હતો. 1888માં ટેસ્લા નિકોલાએ ચલિત ચુંબકીય ક્ષેત્રના સિદ્ધાંતનો ઉપયોગ કરીને સૌપ્રથમ એ.સી. મોટર બનાવી. આ મોટરના સિદ્ધાંતમાં તેમણે દર્શાવ્યું કે જો બે ગૂંચળાંમાં પરસ્પર ફેઝનો 90° જેટલો તફાવત ધરાવતો A.C. પ્રવાહ આપવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રને પરિભ્રમિત કરી શકાય છે. ટેસ્લાએ તેમની A.C. મોટરની આ શોધનો પેટન્ટ કરાવ્યો અને જ્યૉર્જ વેસ્ટિંગહાઉસને તે વેચ્યો. વેસ્ટિંગહાઉસ પાવર સિસ્ટમમાં નિકોલાની આ રચનાને મૂળભૂત આધાર બનાવવામાં આવી. આ શોધને આધારે 1895 સુધીમાં નાયગ્રા ધોધમાંથી 15,000 હૉર્સપાવર જેટલી વિદ્યુતશક્તિ ઉત્પન્ન કરી શકાતી હતી.

નિકોલા ટેસ્લા

1891થી 1893 દરમિયાન યુ.એસ. અને યુરોપમાં સતત પ્રવાસ કર્યા અને ઉચ્ચ-વોલ્ટેજ તથા ઉચ્ચ-આવૃત્તિ ધરાવતા વિદ્યુતપ્રવાહ ક્ષેત્રે તેમણે કરેલાં સંશોધનો વિશે સંખ્યાબંધ પ્રવચનો આપ્યાં. ટેસ્લાએ મંદ યુગ્મિત (loosely coupled) ટ્રાન્સફૉર્મરનો ઉપયોગ કરી ઉચ્ચ-આવૃત્તિ તેમ જ ઉચ્ચ-વોલ્ટેજ ધરાવતો વિદ્યુતપ્રવાહ મેળવવામાં સફળતા મેળવી હતી. આ ટ્રાન્સફૉર્મર ‘ટેસ્લા કૉઇલ’ તરીકે ઓળખાય છે. વિદ્યુતશક્તિની સાથે પ્રતિદીપ્તિશીલ દીવો (fluorescent bulb), A.C. પ્રવાહની અસરો અને ગૂંચળાની ઉષ્મા વિશે પણ નિદર્શન કર્યાં.

વિદ્યુત ઉપરાંત રેડિયોક્ષેત્રે પણ નોંધપાત્ર કાર્ય કર્યું. રેડિયો-સંચારણનાં જરૂરી ઉપકરણો ઍન્ટેના અને સમાન  ટ્યૂનિંગ ધરાવતા ટ્રાન્સમિશન તેમજ રિસીવરપરિપથ વિશે પ્રયોગો કરનાર અને તેની વિસ્તૃત સમજ આપનાર તે પ્રથમ વૈજ્ઞાનિક હતા. 1892માં રૉયલ સોસાયટી, લંડન અને તે પછીના વર્ષે તે જ સંસ્થામાં તેમ જ યુરોપમાં આપેલાં પ્રવચનોમાં તેમણે આ અંગે સમજૂતી આપી હતી. જોકે 1915માં માર્કોનીએ રેડિયોનો પેટન્ટ નોંધાવ્યો તેની સામે મનાઈહુકમ આપવાનો યુ.એસ.ની સર્વોચ્ચ અદાલતે ઇન્કાર કર્યો હતો અને તેને માટે એવું કારણ દર્શાવ્યું હતું કે ટેસ્લાની શોધનો ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ થયો ન હોવાથી, તેની તરફેણમાં મનાઈહુકમ ન આપી શકાય. 1943માં આ નિર્ણયની પુન:સમીક્ષામાં યુ.એસ.ની સર્વોચ્ચ અદાલતે માર્કોનીના આ પેટન્ટો પરના અધિકારને અયોગ્ય ઠરાવ્યો હતો; કેમ કે, માર્કોનીની આ શોધ પૂર્વે થયેલાં સંશોધનો પર જ આધારિત હતી. ટેસ્લાએ યુ.એસ.માં ઘણાં વર્ષો સુધી ટૉમસ આલ્વા એડિસન સાથે પણ વિદ્યુત ઉપર કામ કર્યું હતું.

1903 પછી તેમણે સંશોધનક્ષેત્ર બદલ્યું. ઉચ્ચ-વોલ્ટેજ વિદ્યુત અને ટ્રાન્સફૉર્મર ઉપરાંત ટેલિફોન અને ટેલિગ્રાફ-પદ્ધતિમાં નોંધપાત્ર સંશોધન કર્યાં; તાર વિના પણ ઊર્જાનું પ્રસારણ કરવા અંગેનાં સંશોધન પણ કર્યાં.

ટેસ્લાને તેમની શોધો માટે ઘણાં પારિતોષિકો મળ્યાં. તેમાં એલિયટ ક્રેશન ચંદ્રક, જ્હૉન સ્કૉટ ચંદ્રક અને એડિસન ચંદ્રક મુખ્ય છે. ટેસ્લાનું પ્રદાન તેમની શોધોએ ઔદ્યોગિક ક્ષેત્રે કરેલાં પરિવર્તનોમાં છે. તેમના નામે યુ.એસ.માં 112 પેટન્ટ નોંધાયેલા હતા.

ટેસ્લા જિંદગી પર્યંત કુંવારા રહી એકાંતવાસમાં રહ્યા હતા. મૃત્યુ પણ એકાંતવાસમાં જ થયું. મૃત્યુ પછી તેમની સંપત્તિ માટે યુગોસ્લાવ સરકાર તથા યુગોસ્લાવમાંના તેમના વારસદારોએ દાવો કર્યો. તેમની સંપત્તિમાં કેટલાક અપ્રકાશિત સંશોધન અંગેના કાગળો અને વૈજ્ઞાનિક ઉપકરણોનો પણ સમાવેશ થતો હતો. યુગોસ્લાવિયા સરકારના સહયોગથી તેમની સ્મૃતિ જાળવી રાખવા બેલગ્રેડમાં ટેસ્લા સંગ્રહસ્થાન ઊભું કરવામાં આવ્યું, જેમાં ટેસ્લાની શોધો અને તેમના પ્રદાન વિશે અદભુત માહિતીઓ હતી. 1956માં ટેસ્લા શતાબ્દી વર્ષમાં આંતરરાષ્ટ્રીય ઇલેક્ટ્રૉનિકલ કમિશને તેમની સ્મૃતિ જાળવી રાખવા ચુંબકીય ફ્લક્સ ઘનતાના MKS પદ્ધતિના એકમને ‘ટેસ્લા’ નામ આપ્યું. આંતરરાષ્ટ્રીય એકમ સંસ્થાએ પણ આ નામનો સ્વીકાર કર્યો.

રાજેશ શર્મા