ટેસ્ટ મૅચ : બે દેશો વચ્ચે ખેલાતી સત્તાવાર ક્રિકેટ મૅચ. ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મેલબૉર્નના મેદાન પર સૌપ્રથમ ટેસ્ટ મૅચ 1887ની 15થી 17 માર્ચ દરમિયાન ખેલાઈ. એ અગાઉ 1862, 1864 અને 1873માં ઇંગ્લૅન્ડની ટીમે ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો. 1877માં ઇંગ્લૅન્ડની ઑલ પ્રોફેશનલ ટીમના સુકાની જેમ્સ લીલીવ્હાઇટે ઑસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરતી અગિયાર ખેલાડીઓની ટીમ સામે મૅચ રમવાનું નક્કી કર્યું અને આ પ્રવાસની  બે દેશના પ્રતિનિધિરૂપ અગિયાર ખેલાડીઓની ટીમો વચ્ચેની સ્પર્ધાને સમય જતાં ટેસ્ટ મૅચ ગણવામાં આવી. આ બંને મૅચો ઑસ્ટ્રેલિયાના મેલબૉર્નના મેદાન પર ખેલાઈ હતી. એની સફળતાને પરિણામે ટેસ્ટ મૅચનો પ્રારંભ થયો. જોકે ઇંગ્લૅન્ડમાં  એનો આરંભ છેક 1880થી થયો હતો. ભારત એની પ્રથમ ટેસ્ટ મૅચ 1932માં લૉર્ડ્ઝના મેદાન પર રમ્યું. 1930 સુધી ઇંગ્લૅન્ડમાં ત્રણ દિવસની ટેસ્ટ મૅચ યોજાતી હતી. જોકે અન્યત્ર વધુ દિવસની ટેસ્ટ મૅચ રખાતી હતી. 1930 પછી ઇંગ્લૅન્ડમાં ચાર દિવસની અને 1948 પછી પાંચ  દિવસની ટેસ્ટ મૅચ ખેલાવા લાગી. 1960માં ઑસ્ટ્રેલિયાના બ્રિસબેનના મેદાનમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં અત્યંત રસાકસી બાદ બંને ટીમના સરખા રન થતાં એ ટેસ્ટને ‘ટાઇ’ ટેસ્ટ મૅચ જાહેર કરવામાં આવી. 1977ની બારમી માર્ચે મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે દસ દિવસના સમારંભ સાથે ટેસ્ટ શતાબ્દીની ઉજવણી થઈ. આ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડ પર 45 રને વિજય મેળવ્યો. ટેસ્ટ મૅચમાં ઘટતી દર્શકસંખ્યા જોઈને મર્યાદિત ઓવરવાળી એકદિવસીય મૅચનો પ્રારંભ થયો. હવે એકદિવસીય મૅચ વધુ ખેલાય છે અને ટેસ્ટ મૅચનું પ્રમાણ ક્રમશ: ઘટતું જાય છે.

કુમારપાળ દેસાઈ