ટેરી, એડવર્ડ (જ. 1590, કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 8 ઑક્ટોબર 1660, ગ્રીનફર્ડ) : અંગ્રેજ પ્રવાસી. 1614માં વિદેશનો પ્રવાસ શરૂ કર્યો. લંડનની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનાં લશ્કરી વહાણોના કાફલાના વડા તરીકે 1615–1616માં ભારત આવેલો. મુઘલ વંશની પાદશાહતના દરબારમાંના એલચી સર ટૉમસ રોની ભલામણથી તે લશ્કરી પલટણનો વડો નિમાયો. તેણે ભારત-ભ્રમણ કરેલું. માંડવામાં પડાવ નાખી રહેલા જહાંગીર સાથે 1617માં સાતેક માસ રહેલો. ત્યાંથી જહાંગીર સાથે અમદાવાદ આવેલો અને સપ્ટેમ્બર, 1618 સુધી રોકાયેલો. અહીં તે પ્લેગમાં સપડાયો એમ જહાંગીરના જીવનવૃત્તાંતથી જણાય છે. 1619માં ઇંગ્લૅન્ડ પાછો ગયો. 1622માં તેણે પ્રિન્સ ચાર્લ્સને પોતાના ભારતવર્ણનની હસ્તપ્રત ભેટ આપી. 1629માં ગ્રીનફર્ડ મિડલસેક્સના પાદરી તરીકે તેણે કાર્યભાર સંભાળ્યો જ્યાં તે મૃત્યુ પર્યન્ત કાર્યરત રહ્યો. પ્રામાણિક, હોશિયાર, વિચારશીલ, નમ્ર, અને તેથી લોકોમાં સન્માનિત ટેરીએ 1646 અને 1649માં બે ધર્મોપદેશનાં પુસ્તકો પ્રકાશિત કર્યાં. 1655માં ‘એ વૉયેજ ટુ ઈસ્ટ ઇન્ડિયા’ પ્રકાશિત થયું. તેનું પુનર્મુદ્રણ 1777માં બહાર પડ્યું. તેનું રેખાચિત્ર વોઘને તૈયાર કરેલું. તે આ ગ્રંથમાં આમેજ છે. 1660માં ‘કૅરેક્ટર ઑવ્ કિંગ ચાર્લ્સ II’ પ્રકાશિત થયું.
રસેશ જમીનદાર