ટેરી, એલન (જ. 27 ફેબ્રુઆરી 1847, કૉવેન્ટ્રી, ઇંગ્લૅન્ડ; અ. 21 જુલાઈ 1928, સ્મૉલ હીથે, કેન્ટ) : વિખ્યાત અંગ્રેજ નટી અને નિર્માત્રી. તેમણે અભિનયનો આરંભ નવ વર્ષની વયે પ્રિન્સેસ થિયેટરમાં શેક્સપિયરના ‘ધ વિન્ટર્સ ટેઇલ’માં કર્યો ત્યારથી પાંચ દાયકાની સમૃદ્ધ કારકિર્દીમાં ક્ધિસ, હેમાર્કેટ, કૉર્ટ, ડ્રુરી, બેઇન,

એલન ટેરી

લિસ્યેમ જેવાં બ્રિટનનાં અનેક થિયેટરો(એટલે કે નાટક કંપનીઓ)માં અસંખ્ય નાટકોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી, ‘શેક્સપિરિયન નટી’ તરીકે નામના મેળવી હતી; એટલું જ નહિ, અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં  શેક્સપિયર વિશેનાં પ્રવચનો અને પોતાની આત્મકથાથી સાહિત્યિક વિવેચકોનેય પ્રભાવિત કર્યા હતા. લિસ્યેમ થિયેટર કંપનીમાં પ્રખ્યાત નટ હેન્રી ઇરવિંગ સાથે તેમણે વર્ષો સુધી અનેક પાત્રો સજીવન કર્યાં હતાં: લેડી મૅકબેથ, ડેસ્ડેમોના, કૉર્ડેલિયા, રોઝાલિન્ડ વગેરે ચરિત્રો તો એલન ટેરી માટે જ નિરૂપાયાં છે, એવી એ વખતે હવા બંધાઈ હતી. શેક્સપિયર ઉપરાંત અન્ય કેટલાય નવતર નાટ્યકારોનાં નાટકોમાં તેમણે યાદગાર પાઠ ભજવ્યા. ઇબ્સનના ‘ધ વાઇકિંગ્ઝ’, શેરીડનના ‘ધ સ્કૂલ ફૉર ધ સ્કૅન્ડલ’, ટેનિસનના ‘બૅકેટ’ અને ‘ધ કપ’ વગેરે. ગોલ્ડસ્મિથની નવલકથા ‘ધ વિકાર ઑવ્ વેકફીલ્ડ’ના નાટ્ય-રૂપાંતરમાં તેમણે ભજવેલી ઑલિવિયાની ભૂમિકા પણ પ્રશંસાપાત્ર બની હતી. નાટ્યકાર બર્નાર્ડ શૉ સાથેનો પત્રવ્યવહાર 1931માં પ્રસિદ્ધ થતાં ફરીથી સાહિત્યજગતનું ધ્યાન એલન ટેરી તરફ ખેંચાયું હતું. એમના ત્રણ પતિઓમાં ચિત્રકાર જ્યૉર્જ ફેડરિક વૉટસ, ચાર્લ્સ કેલી તરીકે પ્રસિદ્ધ નટ ચાર્લ્સ ક્લેવેરાઇન વૉર્ડેલ અને અમેરિકન નટ જેમ્સ કૅરુ હતા. તેમના બે પુત્રોમાં સાહિત્યકાર એડિથ ક્રેગ અને એડવર્ડ ગૉર્ડન ક્રેગ હતા. એલન ટેરીએ પુત્ર ગૉર્ડન ક્રેગને નાનપણથી જ રંગભૂમિની એવી તાલીમ આપી હતી કે પ્રયોગખોર સન્નિવેશકાર અને ‘ધ આર્ટ ઑવ્ થિયેટર’ના ક્રાંતિકારી વિચારક તરીકે એ નાટ્યજગતમાં સ્વીકારાયેલ છે. માત્ર નટી અને નિર્માત્રી જ નહિ પણ નાટ્યતત્વચિંતન કરનારી ખૂબ ઓછી નટીઓમાં એલન ટેરી મોખરે છે. ઇંગ્લૅન્ડે તેમની સુવર્ણજયંતી 1906માં ઊજવેલી. 1925માં જ્યૉર્જ પાંચમાએ બ્રિટિશ સામ્રાજ્યનો ‘દામ ગ્રાન્ડ ક્રૉસ’નો ખિતાબ તેમને બક્ષેલો.

હસમુખ બારાડી