ટેન, ઈપોલિટ ઍડૉલ્ફ (જ. 21 એપ્રિલ 1828, વૂઝિયર, આર્દેન, ફ્રાંસ; અ. 5 માર્ચ 1893, પૅરિસ) : ફ્રેંચ ઇતિહાસકાર, વિવેચક અને ફિલસૂફ. પ્રત્યક્ષજ્ઞાનવાદ (positivism) અને ટેન એકમેકના પર્યાય બની ગયા છે. કૉલેજ બોર્બોન અને પૅરિસના ઇકોલ નૉર્મલમાં શિક્ષણ. સોર્બોન યુનિવર્સિટીમાં તેમનો  ડૉક્ટરેટ માટેનો મહાનિબંધ લે સેન્સેશન્સ (ધ સેન્સેશન્સ) (1856) તેમાંના ભૌતિકવાદી સિદ્ધાંતને લીધે સ્વીકારવા યોગ્ય લાગેલો નહિ. તેની અવેજીમાં તેમણે નવો શોધનિબંધ ‘લા ફૉન્તેઇન એત્ સે ફેબલ’ (ધ ફાઉન્ટન ઑવ્ ધ ફેબલ) (1860) રજૂ કર્યો, જે બોધકથા ઉપરનો આજદિન સુધીનો ઉત્તમ અભ્યાસ ગણાય છે. સાહિત્ય-વિવેચન, ઇતિહાસ અને ધર્મ જેવા ચિંતનલક્ષી વિષયોને અનુલક્ષીને તેમણે તત્વજ્ઞાન  પ્રયોજ્યું છે. તેમણે સાહિત્યિક વિવેચનના પાયામાં રહેલ કેટલાક મૂળભૂત સિદ્ધાંતોનું પૃથક્કરણ કર્યું. 1864માં પ્રસિદ્ધ થયેલ તેમના ‘આઇડિયાલિઝમ એન્ગ્લે ઇ’ (ઇંગ્લિશ આઇડિયાલિઝમ) અને ‘પૉઝિટિવિઝમ એન્ગ્લે ઇ’ (ઇંગ્લિશ પૉઝિટિવિઝમ) અનુક્રમે અંગ્રેજ વિચારકો ટૉમસ કાર્લાઇલ અને જે. એસ. મિલ ઉપરના શ્રદ્ધેય અભ્યાસગ્રંથો છે. તેમનો સૌથી વિશેષ નોંધપાત્ર વિવેચનગ્રંથ ‘હિસ્તોઇર દ લા લિતરેચર એન્ગ્લે ઇ’ (અ હિસ્ટરી ઑવ્ ધ ઇંગ્લિશ લિટરેચર) (1863) છે. તે ગ્રંથના ઉપોદઘાતમાં વિવેચન વિશેની સંપૂર્ણ વિભાવનાની રજૂઆત કરી છે, જ્યારે સમગ્ર ગ્રંથમાં તેમણે સાહિત્ય વિશેની પોતાની ઊંડી સમજની  સર્દષ્ટાંત છણાવટ કરેલી છે. ટેન માને છે કે સાહિત્ય-પદાર્થ વંશ, તત્કાલીન સામાજિક પરિસ્થિતિ અને મહત્વની ક્ષણ પર આધાર રાખે છે. તેમની માન્યતા મુજબ મનુષ્યપ્રવૃત્તિના બીજા બધા આવિષ્કારોની જેમ સાહિત્ય પણ એક નીપજ છે. આમાં વધારાનું તત્વ તે પ્રત્યેક સર્જકની પોતાની રુચિ અને તેનું કાર્યકૌશલ છે. તેમણે આ સિદ્ધાંત કલાના ઇતિહાસને પણ લાગુ પાડ્યો. આ માટે તેમણે ‘ફિલૉસૉફી દ લા આર્ત’ (ફિલૉસૉફી ઑવ્ ધ આર્ટ) (1865–67) લખ્યું. ઓગણીસમી સદીના આધ્યાત્મિક ફિલસૂફો વિરુદ્ધ તેમણે બળવો પોકાર્યો. આ સંદર્ભમાં તેમણે ‘લે ફિલૉસૉફી ક્લાસિક ઑ સિકલ’ (ધ ક્લાસિક ફિલૉસૉફી ઑવ્ સિકલ) (1857) અને ‘દ લા ઇન્તેલિજન્સ’ (ધ ઇન્ટેલિજન્સ) (1870) ગ્રંથોમાં પોતાની ફિલસૂફી વિશે અભિપ્રાય વ્યક્ત કરતું જાહેર નિવેદન કર્યું, જેમાં દુનિયાની ભૌતિકતા અને નિયતિવાદ પરત્વેની તેમની વિધાયક કેફિયત છે. ટેનના મત મુજબ જ્ઞાનમાત્ર સંવેદના કે લાગણી અથવા ક્ષોભમાંથી પ્રગટ થાય છે. તેમના કથન મુજબ બધી જ માનસશાસ્ત્રીય અને અસાધારણ ઘટનાઓ સાચા અર્થમાં તો દેહધર્મ-વિદ્યાને લગતા બનાવો છે. આ ગ્રંથોમાંનો બીજો ગ્રંથ નિસર્ગવાદનું બાઇબલ ગણાય છે અને તેમાં રજૂ થયેલ વિચારસરણીની ગણનાપાત્ર અસર પછીના ફ્રેંચ ચિંતન ઉપર થઈ છે.

ફ્રાન્કો-પ્રશિયન વૉર(1870–71)માં ફ્રાંસનો પરાજય થતાં ટેનની ઐતિહાસિક વિભાવનાનો જબરદસ્ત રકાસ થયો અને તેમને પોતાના દેશના ઇતિહાસનું પુનર્મૂલ્યાંકન કરી જવાની ફરજ પડી. પ્રસ્તુત ચિંતનની  રજૂઆત તેમણે ‘ધ ઓરિજિન્સ ઑવ્ ધ કન્ટેમ્પોરરી ફ્રાંસ’ (1876–93)ના છ ખંડમાં કરી. ફ્રેંચ ક્રાંતિ સામે તેમનો પ્રચંડ વિરોધ હતો. ફ્રેંચ રાજાશાહીની પુન:પ્રતિષ્ઠા માટે તેમણે જોરદાર રજૂઆત કરેલી; પરંતુ આ માટે તેમને વ્યાપક વિરોધ, નારાજગી અને અત્યાચારનો સામનો કરવો પડેલો. ટેનની અસર એમિલ ઝોલા અને મોપાસાં જેવા મૂર્ધન્ય સાહિત્યકારો ઉપર થઈ છે. તેમણે લખેલ અનેક પ્રવાસવર્ણનોમાં ‘નોત્સ સર લા એન્ગ્લીતેર’ (નોટ્સ ઑન ઇંગ્લૅન્ડ) (1872) નોંધપાત્ર છે.

પોતાની પદ્ધતિ પ્રત્યેની, તેમની પોતાની નિષ્ઠા અને સત્ય તરફના અનન્ય ભાવ માટે ટેનને ઑક્સફર્ડમાં 1871માં ડી.સી.એલ.ની માનાર્હ પદવી એનાયત કરવામાં આવી હતી અને 1878માં અકાદમી ફ્રાંસ્વામાં ચૂંટી કાઢીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.

વિ. પ્ર. ત્રિવેદી