ટીપુ સુલતાન (જ. 20 નવેમ્બર 1750; અ. 4 મે 1799, શ્રીરંગપટ્ટમ્) : મૈસૂરના રાજવી. મૂળ નામ શાહ બહાદુર ફતેહઅલીખાન. તેમના પરાક્રમને લીધે તે કન્નડ ભાષામાં ‘ટીપુ’ (વાઘ) તરીકે પ્રખ્યાત થયા હતા. પિતા હૈદરઅલીએ નીમેલા ફ્રેન્ચ અધિકારી પાસેથી ટીપુએ લશ્કરી તાલીમ લીધી હતી. ઈ. સ. 1767માં કર્ણાટક પરના આક્રમણ વખતે તેમણે એક ઘોડેસવાર ટુકડીનું સેનાપતિપદ પણ સંભાળ્યું હતું. ઈ. સ. 1775થી 1779 દરમિયાન થયેલા મરાઠા વિગ્રહમાં તેઓ બહાદુરીપૂર્વક લડ્યા હતા. ઈ. સ. 1781થી 1782માં દ્વિતીય મૈસૂર વિગ્રહ દરમિયાન તેમણે બ્રેથવેટના સૈન્યને હાર આપી હતી. આ વિગ્રહ દરમિયાન હૈદરઅલીનું કૅન્સરથી મૃત્યુ થયું તેથી ડિસેમ્બર, 1782માં ટીપુએ મૈસૂરનો વહીવટ પોતાના હાથમાં લીધો. મે, 1783માં ટીપુએ બેદનોર કબજે કર્યું. આખરે 1784માં ટીપુએ અંગ્રેજો સાથે મૅંગલોર મુકામે સંધિ કરીને યુદ્ધનો અંત આણ્યો. આ સંધિ અનુસાર ઉભય પક્ષે જીતેલા પ્રદેશો તથા યુદ્ધકેદીઓ પરસ્પર પરત કર્યા. 1786માં ટીપુએ મૈસૂરના હિંદુ રાજવીને પદભ્રષ્ટ કરીને સુલતાનપદ ધારણ કર્યું. અંગ્રેજો સાથે થયેલી સંધિથી કામચલાઉ શાંતિ સ્થપાઈ. 1786માં કૉર્નવૉલિસ ગવર્નર-જનરલ તરીકે ભારતમાં આવ્યા. તેમણે ટીપુ વિરુદ્ધ મરાઠા અને નિઝામને અંગ્રેજોને પક્ષે લીધા. 1787-88માં ટીપુ સુલતાને મલબારના નાયરોને અંકુશમાં લીધા અને ત્યારબાદ ડિસેમ્બર, 1789માં અંગ્રેજોના મિત્ર ત્રાવણકોર રાજ્ય પર આક્રમણ કરીને અંગ્રેજોને પોતાની વિરુદ્ધ ઉશ્કેર્યા, પરિણામે ઈ. સ. 1790માં ત્રીજો મૈસૂર વિગ્રહ શરૂ થયો. ટીપુએ ફ્રેન્ચ મદદ મેળવવા પ્રયાસ કર્યા, પરંતુ ફ્રાંસમાં ક્રાંતિની શરૂઆત થઈ હોવાથી તે શક્ય ન બન્યું. ટીપુને આ વિગ્રહથી ખૂબ સહન કરવું પડ્યું. 1792માં શ્રીરંગપટ્ટમ્ની સંધિ કરવામાં આવી, જે મુજબ ટીપુએ પોતાના અર્ધા જેટલા પ્રદેશો ગુમાવ્યા અને સાડાત્રણ કરોડ રૂપિયાનો યુદ્ધદંડ આપ્યો.
ત્રીજા મૈસૂર વિગ્રહ પછી ટીપુએ પોતાના આંતરિક વહીવટી તંત્રમાં ઘણા સુધારા દાખલ કર્યા, વેપારઉદ્યોગ અને ખેતીને ઉત્તેજન આપ્યું અને નૌકાદળને મજબૂત બનાવ્યું. 1798માં ભારતમાં લૉર્ડ વેલેસ્લી ગવર્નર-જનરલ તરીકે આવતાં અંગ્રેજો સાથે ફરી ઘર્ષણ શરૂ થયું. વેલેસ્લી તેની સહાયકારી જોડાણ યોજનામાં નિઝામ ઉપરાંત ટીપુને પણ સામેલ કરવા માગતો હતો, પરંતુ ટીપુએ તેનો અસ્વીકાર કર્યો. ટીપુએ કાબુલ, અરબસ્તાન, કૉન્સ્ટન્ટિનોપલ તથા મોરિશિયસમાં પોતાના પ્રતિનિધિઓ મોકલીને અંગ્રેજો વિરુદ્ધ મદદ મેળવવા પ્રયાસ કર્યા હતા. તેમણે શ્રીરંગપટ્ટમ્માં ‘સ્વતંત્રતાનું વૃક્ષ’ વાવ્યું. તેઓ ફ્રાંસની જેકોબિન ક્લબના સભ્ય તરીકે ચૂંટાયેલ. નેપોલિયને ઇજિપ્ત પર આક્રમણ કર્યું તે વખતે તેની મદદ મેળવવાનો પણ ટીપુએ પ્રયાસ કર્યો. આવા સંજોગોમાં અંગ્રેજો સાથે યુદ્ધ અનિવાર્ય બન્યું. મે, 1799માં ચોથો મૈસૂર વિગ્રહ થયો. અંગ્રેજ સેના ટીપુના પાટનગર શ્રીરંગપટ્ટમ્ સુધી પહોંચી. આ ટૂંકા પરંતુ ખૂનખાર યુદ્ધમાં ટીપુની હાર થઈ અને તેઓ આ યુદ્ધમાં લડતાં લડતાં મૃત્યુ પામ્યા. ટીપુના અર્ધા પ્રદેશો અંગ્રેજો અને નિઝામ વચ્ચે વિભાજિત કરવામાં આવ્યા અને મૈસૂરની ગાદી વૂડિયાર રાજવી કુટુંબને પાછી આપવામાં આવી.
અંગ્રેજોએ ટીપુને ધર્માંધ અને ક્રૂર રાજવી તરીકે રજૂ કર્યા છે, પરંતુ વાસ્તવમાં તે ધર્મસહિષ્ણુ રાજવી હતા. 1793માં શૃંગેરી મઠના શંકરાચાર્ય પર લખાયેલા તેમના પત્રમાં તેમણે શંકરાચાર્યને જગદગુરુ તરીકે સંબોધ્યા હતા. 1791માં મરાઠાઓના આક્રમણ વખતે શૃંગેરી મઠને થયેલું નુકસાન ભરપાઈ કરવા તેમણે નાણાકીય મદદ પણ કરી હતી. તેઓ વિદ્યાવ્યાસંગી હતા. તેમના પુસ્તકાલયમાં અમૂલ્ય હસ્તલિખિત પુસ્તકોનો સમાવેશ થતો હતો. તેમણે ચિત્રકળા, સંગીત તથા સ્થાપત્યને ઉત્તેજન આપ્યું હતું. તેમને અંગ્રેજો સાથે કટ્ટર દુશ્મનાવટ હતી, પરંતુ અંગ્રેજો વિરુદ્ધ તેઓ મરાઠા અને નિઝામનો સાથ મેળવી શકેલ નહિ.
જયકુમાર ર. શુક્લ