ટીમરુ : સં. तिन्दुक, હિં. तेंदु, ગુ. ટીંબરવો, ટીમરુ, મ. टेंभुरणी. વનસ્પતિના દ્વિદળી વર્ગના એબેનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Diospyros melanoxylon Roxb. છે. ઉષ્ણકટિબંધનાં શુષ્ક તેમજ ભેજયુક્ત પર્ણપાતી જંગલોમાં સાગ, હળદરવો, સાદડ અને આમળાંની સાથે  ઊગતું મધ્યમ કદથી માંડીને વિશાળ કદના વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે. તેની ઊંચાઈ 18.0થી 24.0 મી.ની  અને પરિઘ લગભગ 2.1 મી. જેટલો હોય છે. તેનાં પર્ણો 4 – 20 x 3 – 10 સેમી. લાંબાં અંડાકાર કે દીર્ઘવૃત્તીય (elliptic) કે લાંબા ભાલાકાર (lanceolate), પ્રતિઅંડકાર (obovate) હોય છે. ઓછા વરસાદવાળા પ્રદેશમાં પર્ણો ટૂંકાં અને પાતળાં હોય છે. જ્યારે વધારે વરસાદવાળી ફળદ્રૂપ ભૂમિમાં થતાં ટીમરુનાં પર્ણો કદમાં મોટાં હોય છે. જો મૂળ વિકસતાં પર્ણો કાપી નાખવામાં આવે તો તેમની જગ્યાએ આવતાં નવાં પર્ણોની લંબાઈપહોળાઈ બેથી ત્રણગણી થાય છે અને તેવાં નવી ફૂટનાં પર્ણો વિશેષ મુલાયમ અને ઓછાં બરડ હોય છે. આ પર્ણો બીડી-ઉદ્યોગમાં બહુ ઉપયોગી છે. તેમની સુગંધ, સ્થિતિસ્થાપકતા અને કોહવાટ સામેની પ્રતિકારશક્તિ આ ઉપયોગ માટેના ખાસ ગુણધર્મો  છે. નાનામોટા ટુકડાને ખાસ આકાર આપી વચ્ચે કમાવેલી યા દેશી તમાકુ ભરી બનાવવામાં આવતી બીડીની ભારતમાં તેમજ આસપાસના દેશો, પશ્ચિમ એશિયા તથા આફ્રિકા ખંડમાં ઘણી માગ રહે છે. ભારતમાં ઓરિસા, મધ્યપ્રદેશ, આંધપ્રદેશ, મહારાષ્ટ્ર તથા ગુજરાતનાં વનોમાં ટીમરુ તેમ જ તેના જેવી જાતોનાં પર્ણો દર વર્ષે  બહોળા પ્રમાણમાં એકત્રિત કરી તેમને સૂકવી દબાણ હેઠળ સરખી રીતે સંઘરી તેવા જથ્થા  બીડીનાં કારખાનાંઓમાં  પહોંચાડાય છે, જ્યાં વિવિધ માર્કાની બીડીઓ તૈયાર કરવામાં તેમનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉદ્યોગ આદિવાસીઓને સારી એવી રોજી પૂરી પાડનારો બન્યો છે. ટીમરુ ફળ ગરીબ લોકો પ્રેમથી ખાય છે. તેનો સ્વાદ કંઈક અંશે ચીકુને મળતો હોય છે. ફળની ચટણી માછલીને હંગામી રીતે સંમોહિત કરવામાં વપરાય છે, જેથી માછીમારી સરળતાથી થઈ શકે.

ટીમરુનું રસકાષ્ઠ (sapwood) આછા ગુલાબી-ભૂખરાથી આછા ગુલાબી-બદામી રંગનું હોય છે. તેનું અંત:કાષ્ઠ (heartwood) કાળા રંગનું હોય છે અને તેમાં ઘણી વાર જાંબલી અથવા બદામી  લિસોટાઓ જોવા મળે છે. તે વજનદાર  હોય છે. (વિશિષ્ટ ઘનત્વ 0.79થી 0.87) વૃદ્ધિ વલયો અસ્પષ્ટ હોય છે અથવા હોતાં નથી. તે સાગ કરતાં વધારે વજનદાર અને સખત હોય છે. બળતણ માટે સારું કાષ્ઠ છે. તેનું કૅલરી મૂલ્ય રસકાષ્ઠ 4957 કૅલરી અને અંત:કાષ્ઠ 5030 કૅલરી છે.

તેનો રમકડાં, શોભાયુક્ત વસ્તુઓ તેમ જ અંદરની ગૃહસજાવટ માટે ખૂબ ઉપયોગ થાય છે. કાષ્ઠ ટકાઉ હોવાથી હળ, કૃષિઓજારો, બળદગાડાં વગેરે માટે પણ વપરાય છે.

ટીમરુ તૂરો, કડવો, ઉષ્ણ, મધુર અને વાયુ તથા વ્રણનો નાશકર્તા. રેચક, કફપિત્તશામક, મૂત્રલ, સ્તંભક, શોથહર, રક્તશુદ્ધિકર, વીર્યપુષ્ટિકર અને જ્વરરોધી છે. તે શીળસ, તાવ, શીઘ્રપતન, પ્રદર તથા ત્વચાવિકારો મટાડે છે. તેનાં પાકાં ફળ મધુર, સ્નિગ્ધ, કફકર  તથા વાયુ, પ્રમેહ, પિત્ત, રક્તરોગ, શ્વેતપ્રદર, ઝાડા તથા શ્વાસ મટાડનારાં છે. તે મૂળ લકવો, જીભની જકડાટ, અગ્નિદગ્ધ વાળની જૂ તથા વિસ્ફોટ મટાડે છે. છાલ સંકોચક હોય છે. છાલનો ઉકાળો અતિસાર અને અર્જીણમાં ઉપયોગી છે. સૂકાં પુષ્પો મૂત્ર, ત્વચા અને રુધિરના રોગોમાં ઉપયોગી છે.

મૃગેન્દ્ર વૈષ્ણવ

બળદેવપ્રસાદ પનારા