ટિસેલિયસ, આર્ને વિલ્હેલ્મ કાઉરિન

January, 2014

ટિસેલિયસ, આર્ને વિલ્હેલ્મ કાઉરિન (જ. 10 ઑગસ્ટ 1902,  સ્ટૉકહોમ; અ. 29 ઑક્ટોબર 1971, ઉપ્સાલા, સ્વીડન) : સ્વીડિશ જૈવ રસાયણવિદ અને 1948ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા.

ટિસેલિયસ ઉપ્સાલા યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનો અભ્યાસ કરી સ્નાતક બન્યા. 1925થી 1932 દરમિયાન તેમણે શરૂઆતમાં તે જ યુનિવર્સિટીમાં થિયૉડૉર સ્વેડબર્ગના સહાયક તરીકે દ્રુતઅપકેન્દ્રણ (ultra-centrifugation) પર કાર્ય કર્યું પણ પછી તેમણે પ્રોટીનના વિદ્યુત-નિસ્સરણ (electrophoresis) પર સંશોધન શરૂ કર્યું. સંશોધનના ફળસ્વરૂપે  તેમણે રજૂ કરેલ મહાનિબંધ (thesis) ‘‘The Moving Boundary Method of Studying Elctrophoresis of Proteins’’ બદલ તેમને 1930માં ઉપ્સાલા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પદવી પ્રાપ્ત થઈ. વિદ્યુતનિસ્સરણ માટે ખાસ પ્રકારની U નળી તેમણે શોધી હતી જે શરૂઆતમાં વર્તુળાકાર આડછેદવાળી હતી પણ તે પછી પ્રકાશીય પરખ-સંવેદનશીલતા વધારવા લંબચોરસ આડછેદવાળી  બનાવાઈ હતી. આ પ્રયોગો 0 થી 4° સે. તાપમાને એટલે કે દ્રાવણ તેની મહત્તમ ઘનતા બતાવતું હોય ત્યારે કરવામાં આવ્યા હતા.

1930–37 દરમિયાન ટિસેલિયસ ભૌતિક રસાયણના સહાયક પ્રાધ્યાપક રહ્યા હતા. 1934–35 દરમિયાન તેમણે પ્રિન્સ્ટનની ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઍડવાન્સ્ડ સ્ટડીઝ ખાતે પણ સંશોધનકાર્ય કર્યું હતું. 1937માં તેઓ ઉપ્સાલા ખાતે રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા હતા. (1937–1967).

આર્ને વિલ્હેલ્મ કાઉરિન ટિસેલિયસ

1940માં ટિસેલિયસે ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ દ્વારા પ્રોટીન અને અન્ય પદાર્થોના અલગીકરણ અંગે સંશોધન શરૂ કર્યું. પ્રોટીન ક્રોમેટોગ્રાફી માટે અવિકૃતિકારી (nondenaturing) અધિશોષક તરીકે કૅલ્શિયમ ફૉસ્ફેટનો ઉપયોગ તેમણે શરૂ કર્યો અને સંશોધનના ફળસ્વરૂપે તેમણે દર્શાવ્યું કે રુધિર સીરમ ચાર પ્રકારના પ્રોટીન સમૂહો ધરાવે છે : ઍલ્બ્યૂમિન અને α-, β- અને γ- ગ્લૉબ્યૂલિન.

 વિદ્યુતનિસ્સરણ અને અધિશોષણ વિશ્લેષણ, ખાસ કરીને સીરમ પ્રોટીનોની સંકીર્ણ પ્રકૃતિ વિશેના કાર્ય માટે ટિસેલિયસને 1948ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

ટિસેલિયસે સ્વીડિશ નૅશનલ સાયન્સ રિસર્ચ કાઉન્સિલની સ્થાપના કરી અને 1946થી 1950 દરમિયાન તેના ચૅરમૅન રહ્યા. 1947થી 1960 દરમિયાન તેઓ નોબેલ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ અને 1960થી 1964 દરમિયાન પ્રમુખ રહ્યા. તેઓ યુરોપિયન મોલેક્યુલર બાયૉલૉજી ઑર્ગનાઇઝેશનના એક સ્થાપક હતા. 1951–55નાં વર્ષોમાં તેઓ ઇન્ટરનેશનલ યુનિયન ઑવ્ પ્યૉર ઍન્ડ ઍપ્લાઇડ કેમિસ્ટ્રી-(IUPAC)ના પ્રમુખ રહ્યા. 1957માં તેઓ રૉયલ સોસાયટીના વિદેશી ફેલો તરીકે ચૂંટાયા હતા.

નિ:શસ્ત્રીકરણ અંગેની પગવૉશ ચળવળમાં પણ તેમણે ભાગ લીધો હતો.

જ. દા. તલાટી