ટિળક, બાળ ગંગાધર

January, 2014

ટિળક, બાળ ગંગાધર (જ. 23 જુલાઈ 1856, રત્નાગિરિ; અ. 1 ઑગસ્ટ 1920, મુંબઈ) : જહાલ રાષ્ટ્રવાદી નેતા અને પ્રાચ્યવિદ્યાના વિદ્વાન. મધ્યમવર્ગના રૂઢિપૂજક ચિત્પાવન બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. મૂળ નામ કેશવ, પરંતુ ‘બાળ’ નામથી તેઓ વધારે જાણીતા થયા. વડવા નાના જાગીરદાર હતા. અંગ્રેજ સરકાર આવતાં જ ટિળકના પરદાદા કેશવરાવે  પેશ્વા સરકારના ઉચ્ચ હોદ્દાનો ત્યાગ કરેલો. દાદા રામચંદ્ર પંત તેજસ્વી બુદ્ધિના હતા અને સંન્યાસી તરીકે બનારસમાં અવસાન પામેલા. પિતા ગંગાધર શાસ્ત્રી સંસ્કૃતના વિદ્વાન અને રામકૃષ્ણ ભાંડારકરના મિત્ર હતા. તે વ્યવસાયે શિક્ષક હતા.

બાળ ગંગાધર ટિળક

ટિળકે ઘરમાં જ પારંપરિક પદ્ધતિ દ્વારા સંસ્કૃતનો અભ્યાસ કર્યો. તેઓ બાળપણથી જ સ્વમાની, સત્યના આગ્રહી અને અન્યાયનો પ્રતિકાર કરનારા હતા. પિતાની બદલી 1866માં પુણે પ્રાથમિક શાળાના ડેપ્યુટી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે થતાં ટિળક  પુણે આવ્યા. 1871માં તેમનું  લગ્ન તાપીબાઈ (સત્યભામા) સાથે થયું. 1872માં મૅટ્રિક થયા. 1876માં સંસ્કૃત અને ગણિત વિષયો સાથે બી.એ.માં પ્રથમ વર્ગમાં આવ્યા અને ત્યારબાદ 1879માં એલએલ.બી. થયા. ડેક્કન કૉલેજના અભ્યાસકાળ દરમિયાન વર્ડ્ઝવર્થ અને સૂટ જેવા પ્રોફેસરો ઉપરાંત પાશ્ચાત્ય ચિંતકોનો તેમના પર પ્રભાવ પડ્યો હતો. તેમણે શિક્ષણ સહિત રાષ્ટ્રીય જાગૃતિના વ્યાપક પ્રશ્નો પર ધ્યાન આપ્યું.

1880ના અરસામાં તેઓ સમાજસુધારાના અગ્રણી પુરસ્કર્તા ગોપાળ ગણેશ આગરકર તથા આધુનિક મરાઠી ગદ્યના જનક ગણાતા વિષ્ણુશાસ્ત્રી ચિપળૂણકરના સંપર્કમાં આવ્યા. તેમની સાથે 1880માં પુણે ખાતે ન્યૂ ઇંગ્લિશ સ્કૂલની સ્થાપના કરી અને સરકારી હોદ્દાના પ્રલોભનને છોડી અવેતન સેવાના આદર્શ સાથે તેમાં શિક્ષક તરીકે જોડાયા. 1881માં શરૂ કરેલ બે વૃત્તપત્રો – ‘કેસરી’ મરાઠીમાં અને ‘મરાઠા’ અંગ્રેજીમાં તેમણે રાજકીય અને સામાજિક વિષયો પર લેખો લખ્યા. કોલ્હાપુર રિયાસતના તે વખતના દીવાનના વહીવટ અંગે લખેલા લેખો દીવાનની બદનક્ષી કરનારા હોવાના આરોપસર તેમના પર ખટલો ચલાવવામાં આવ્યો અને 1882માં પ્રથમ વાર ટિળકે ચાર મહિનાનો કારાવાસ ભોગવ્યો. આગરકર, ચિપળૂણકર અને નામજોશી સાથે તેમણે 1884માં પુણેમાં ડેક્કન એજ્યુકેશન સોસાયટી અને તેના હસ્તક 1885માં ફર્ગ્યુસન કૉલેજની સ્થાપના કરી. મૂળભૂત હેતુઓ વિશે મતભેદ પડતાં 1890માં સોસાયટીથી ફારેગ થયા. તે સમયથી ‘કેસરી’ અને ‘મરાઠા’નો સંપૂર્ણ વહીવટ તેમના હાથમાં આવ્યો. આ વૃત્તપત્રો દ્વારા ટિળકને પોતાના ઉદ્દામવાદી રાજકીય વિચારો પ્રગટ કરવાની તક મળી.

તેમના કાર્યક્રમમાં સામાજિક સુધારાનું ગૌણ અને રાજકીય સ્વાતંત્ર્યનું પ્રધાન સ્થાન હતું. તેમણે સંમતિવયના ખરડાનો વિરોધ કર્યો હતો. 1890–97 દરમિયાન જાહેર જીવન સાથે સંલગ્ન પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રહ્યા હતા, જેમાં દુષ્કાળ રાહત-કાર્યનો પણ સમાવેશ થતો હતો. ભારતનાં ઇતિહાસ, સંસ્કૃતિ તથા ધર્મ પ્રત્યે સભાનતા અને જાગૃતિ લાવવાના હેતુથી  1893માં તેમણે ગણેશોત્સવ તથા 1895માં છત્રપતિ શિવાજી જયંતી જાહેર રીતે પ્રતિ વર્ષ ઊજવાય તે માટે પહેલ કરી. જોતજોતાંમાં સમગ્ર મહારાષ્ટ્ર અને દેશના અન્ય પ્રાંતોમાં આ બંને મહોત્સવો લોકજાગૃતિ તથા રાષ્ટ્રચેતનાનાં સબળ માધ્યમ બન્યા. 1896માં મુંબઈ પ્રાંતમાં દુષ્કાળ અને પ્લેગના સંદર્ભમાં વિદેશી શાસન સામે તેમણે પ્રતિકારની હવા ઊભી કરી. લોકોને તેમની શક્તિ વિશે સભાન બનાવ્યા. 1897ના જૂનની 22મીએ પુણેમાં રૅન્ડના ખૂન અંગે સરકારે ટિળક પર આરોપ મૂકીને તેમને 18 માસની જેલની સજા કરી. પરિણામે સમગ્ર દેશમાં તેમણે  લોકચાહના મેળવી અને ભારતીય પ્રજામાં ‘લોકમાન્ય’ તરીકે જાણીતા થયા. લોકહિતને વરેલા ટિળકે 1904માં પુણેમાં ગાયકવાડવાડા ખરીદ્યું. તેના એક ભાગમાં રહેઠાણ અને બાકીના ભાગમાં મુદ્રણાલય  હતાં. તેમનાં  લખાણો, જાહેરમાં ભાષણો તથા લોકસેવાનાં કાર્યોને લીધે ભારતીય પ્રજામાં આવેલી જાગૃતિએ ભારતની ભાવિ સ્વતંત્રતા માટે ભૂમિકા રચી આપી.

ટિળક ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસના અંતરંગ મંડળની મવાળ નીતિને લીધે ઘણો સમય તેનાથી દૂર રહ્યા. તેમની રાજકીય વિચારણા ઉદ્દામવાદી હતી. 1905માં બંગાળ પ્રાંતના ભાગલાની સરકારની યોજનાનો ટિળકે જોરદાર વિરોધ કર્યો. સાથોસાથ વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાની પણ તેમણે હાકલ કરી. 1906માં કૉંગ્રેસના કૉલકાતા અધિવેશનમાં તેમણે પોતાના વિચારો દર્શાવ્યા. જાન્યુઆરી, 1907માં કૉલકાતાની જાહેર સભામાં તેમણે રાષ્ટ્રીય શિક્ષણ, સ્વદેશી અને વિદેશી વસ્તુઓના બહિષ્કારના સિદ્ધાન્તો વડે સ્વરાજ્ય માટે હાકલ કરી. 1907માં ‘કૉંગ્રેસના સૂરત અધિવેશનમાં વૈચારિક મતભેદો પરાકાષ્ઠાએ પહોંચતાં જહાલ અને મવાળ પક્ષ વચ્ચે ખુલ્લી ફાટ પડી. તેને પરિણામે ટિળકે પક્ષમાંથી રાજીનામું આપ્યું. ટિળક કકડે કકડે સુધારાના નહિ, પરંતુ પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા. ‘કેસરી’માં તેમણે ‘ધ કન્ટ્રીઝ મિસફૉર્ચ્યૂન’ અને ‘ધીઝ રેમેડિઝ આર નૉટ લાસ્ટિંગ’ – એ બે લેખો પ્રકટ કર્યા. 1908ના જુલાઈની 22મીએ તેમના પર તાજ અને કાયદેસરની સરકારના દ્રોહનો આરોપ મુકાયો. બ્રહ્મદેશ(મ્યાનમાર)ની  માંડલેની જેલમાં તેમણે છ વર્ષની સજા ભોગવી. કારાવાસનાં આ છ વર્ષ દરમિયાન (1908–14) તેમણે તેમના જીવનના મોટા પ્રદાનરૂપ, ‘ગીતારહસ્ય’ લખ્યું, જે 1915માં પ્રગટ થયું. તે પહેલાં તેમણે વૈદિક સંશોધનમાં ઊંડા રસને લીધે 1893માં વેદોની પ્રાચીનતા પર નક્કર દલીલો સાથે પ્રકાશ પાડતો ‘ઓરાયન’ ગ્રંથ લખ્યો. ઉપરાંત 1903માં લખેલા ‘ધ આર્ક્ટિક હોમ ઇન ધ વેદાઝ’ ગ્રંથમાં તેમણે હિંદુઓના પ્રાગૈતિહાસિક પૂર્વજો પર પ્રકાશ પાડેલો તથા આર્યોનું મૂળસ્થાન ઉત્તર ધ્રુવના વિસ્તારમાં હતું એવું પ્રતિપાદન કર્યું હતું.

1914ના જૂનની 17મીએ માંડલે જેલમાંથી મુક્ત થયા પછી ટિળકે 1916માં ‘ઇન્ડિયન હોમરૂલ લીગ’ની સ્થાપના કરી. એની બેસન્ટ સાથે સમજૂતી કરીને નિશ્ચિત પ્રદેશોમાં પ્રચાર કર્યો. ‘‘સ્વરાજ મારો જ્ન્મસિદ્ધ અધિકાર છે, અને હું તે મેળવીશ’ – એ સૂત્ર તેમણે પ્રચલિત કર્યું. 1916માં કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે થયેલી સમજૂતીના પરિણામરૂપ ‘લખનૌ કરાર’ને તેમણે ટેકો આપ્યો. 1918માં સર વૅલેન્ટાઇન શિરોલના પુસ્તક ‘ઇન્ડિયન અનરેસ્ટ’ સામે તેમણે બદનક્ષીનો કેસ કર્યો અને તે માટે સપ્ટેમ્બર, 1918માં તેઓ ઇંગ્લૅન્ડ ગયા, પરંતુ કેસમાં હારી ગયા. ઇંગ્લૅન્ડના થોડા સમયના નિવાસ દરમિયાન ટિળક સમાજવાદી નેતા જ્યૉર્જ લૅન્સબરી, પ્રખ્યાત પત્રકાર એડગર વાલેસ અને મૅક્ડોનલ્ડ જેવા મજૂર પક્ષના નેતાઓ સાથે ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા.

વધુ પડતા ઉદ્યમી જીવન અને લાંબા સમયના કારાવાસને લીધે તેમનું શારીરિક સ્વાસ્થ્ય કથળતું ગયું.

ટિળકનું જીવન એટલે મૂર્તિમંત કર્મયોગ. તેમનું ‘ગીતારહસ્ય’ ઊંડા ચિંતન અને સમર્થ તર્કશક્તિનો પુરાવો છે. તેમની ર્દષ્ટિએ નિ:સ્વાર્થ માનવસેવા એ જ ગીતાકારનો સંદેશ છે.

પાશ્ચાત્ય અભિગમવાળા અલ્પસંખ્ય શિક્ષિતોના બનેલા શિષ્ટ મંચને લોક-આંદોલનમાં પરિવર્તિત કરીને ટિળકે અકિંચન અને શોષિતોને નૈતિક બળ પૂરું પાડેલું. ગાંધીજીના જણાવ્યા મુજબ, ટિળક માટે રાષ્ટ્રપ્રેમ એ જ ધર્મ હતો. હિંદુ-મુસ્લિમ ઐક્યના પુરસ્કર્તા અને જનસામાન્યના ઉત્કર્ષના પ્રહરી ટિળકને મિત્રો અને અનુયાયીઓેએ ‘લોકમાન્ય’ બનાવ્યા. એમણે તૈયાર કરેલી ભૂમિકા પર ગાંધીજીએ રાષ્ટ્રીય આંદોલન રચ્યું. આ ર્દષ્ટિએ ભારતીય ઇતિહાસમાં ટિળક યુગ ખાસ મહત્વનો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે