ટિશ્યોં (Titiano), ટી. વી.

January, 2014

ટિશ્યોં (Titiano), ટી. વી. (જ. 1490 આશરે, ઇટાલી; અ. 1576 ઇટાલી) : ઇટાલિયન ચિત્રકાર. ચિત્રકામની તાલીમ જિયોવાની બેલિની જેવા નામી ચિત્રકારના સ્ટુડિયોમાં લીધી. તેમણે ચિત્રકાર જૉર્જોને [Georgeone] સાથે કામ કર્યું અને તેમનાં પ્રારંભિક ચિત્રોમાં ચિત્રકાર જૉર્જોને[Georgeone]ની શૈલીનો દેખીતો પ્રભાવ છે. 1510માં જૉર્જોનેના અકાળ અવસાન પછી તેમનાં ઘણાં અધૂરાં ચિત્રો તેમણે પૂરાં કર્યાં. 1516માં બેલિનીના મૃત્યુ પછી તે ઇટાલીની સરકારના સત્તાવાર ચિત્રકાર નિમાયા. ‘ધ અસમ્પશન ઑવ્ ધ વર્જિન’ (1516–18)માં જોવા મળે છે તેવી અરૂઢ અને ક્રાંતિકારક નિજી ચિત્રશૈલી 1516 પછી આવિષ્કાર પામી છે.

ફરારાના ડ્યૂક માટે તેમણે પૌરાણિક કથાપ્રસંગોનાં ત્રણ ઉત્તમ ચિત્રો કર્યાં તે ‘ધ ફીસ્ટ ઑવ્ વીનસ’ (1915–18), ‘ધ બૅકનલ’ (1518) તથા રંગસમૃદ્ધિથી આકર્ષક બની રહેલ ‘બાકુસ ઍન્ડ આરિયાને’ (1523). 1530 દરમિયાન રાજવી ચાર્લ્સ પાંચમા માટે પણ ઘણાં ચિત્રો દોર્યાં. એ રાજવીએ ‘નાઇટ’ની પદવી આપીને તેમનું બહુમાન કર્યું. ત્યારબાદ સ્પેનના ફિલિપ માટે પુરાણપ્રસંગોનાં શ્રેણીબંધ ચિત્રો તૈયાર કર્યાં. અંતિમ વર્ષોમાં ‘ધ ફૉલ ઑવ્ મૅન’ (1570) તથા ‘ક્રાઇસ્ટ ક્રાઉન્ડ વિથ થૉર્ન્સ’ (1570) જેવી ધાર્મિક-પૌરાણિક વિષયની રચનાઓ કરી. તેમની સૌથી મહાન છેલ્લી કૃતિ તે ‘પીએટા’ (1573–76). આ ચિત્ર પોતાની જ કબર માટે તૈયાર કરાયું હતું.

તેમની પછીના ચિત્રકારો પર તેમની શૈલીનો ખાસ્સો પ્રભાવ પડ્યો છે. કલાકાર તરીકે મહાન હોવા છતાં કલાકારસહજ ઉમદા ગુણો ધરાવવાને બદલે તે ધનલોભી પ્રકૃતિના હતા. યુરોપભરમાં વેનિસના મહાન ચિત્રકાર તરીકે તે ખ્યાતિ પામ્યા છે.

તેમના નામ ‘ટિશ્યોં’નો ઉલ્લેખ વાળનો રંગ દર્શાવવા થાય છે. કારણ કે આ પ્રકારનો રતાશ પડતો તેજસ્વી સોનેરી (bright golden auburn) રંગ તેમનો અતિપ્રિય રંગ હતો. વળી બહુ વ્યાપક અર્થમાં લાલ રંગ માટે પણ પ્રશંસાત્મક સંદર્ભમાં ‘ટિશ્યોં’ શબ્દ પ્રયોજાય છે.

મહેશ ચોકસી