ટિન્બર્જન, નિકોલાસ (જ. 15 એપ્રિલ 1907, ધ હેગ; અ. 21 ડિસેમ્બર 1988 ઑક્સડૂ ડૅ) : 1973ના નોબેલ પુરસ્કારના ડચ વિજેતા. કાર્લ રિટર ફૉન ફ્રિશ અને કૉનરેડ ઝેચારિઆઝ લૉરેન્ઝ તેમના સહવિજેતા હતા. તેમને વ્યક્તિગત અને સામાજિક વર્તનપ્રણાલીઓના બંધારણ અને નિર્દેશન અંગેના સંશોધન માટે આ પુરસ્કાર મળેલો, 1930માં લૉરેન્ઝ અને ટિન્બર્જને વિવિધ લેખો લખીને આધુનિક વર્તનવિદ્યા(ethology)નો પાયો નાખ્યો. પ્રયોગશાળામાં જોવા મળતા વર્તનલક્ષી પ્રતિભાવને વર્તનતા (behaviorism) કહે છે જ્યારે કુદરતી વાતાવરણમાં થતા વર્તનલક્ષી પ્રતિભાવના અભ્યાસને વર્તનવિદ્યા કહે છે. ઈંડાને સેવતી હંસલી તેના માળામાંથી બહાર ગગડી ગયેલા ઈંડાને કેવી રીતે પાછું માળામાં લાવે છે તેનો અભ્યાસ કર્યો. તેને નિશ્ચિત ક્રિયાપ્રણાલી(fixed action pattern)નું નામ આપ્યું. તેમણે પ્રસ્થાપ્યું કે આંતરિક વિમોચક પ્રવિધિ (innate releasing mechanism) દ્વારા આ પ્રકારના વર્તનને ઉત્તેજન મળે છે. તેમણે આ ઉત્તેજના(stimulus)ને ચિહન-ઉત્તેજનાના નામે ઓળખાવી. આ શોધો પરથી પાછળથી લૉરેન્ઝે શીખવાના પ્રનિશ્ચિત ક્રમ (programmed) અંગે સંશોધન કર્યું. ટિન્બર્જન અને લૉરેન્ઝે સીગલના રહેઠાણ અને સંવનન વિશે પણ સંશોધન કર્યું. તેમણે બાળકોમાં થતા સ્વાભિમુખતા (autism) નામના વર્તનવિકાર સાથે પણ પોતાની નિરીક્ષણ પદ્ધતિને જોડી હતી.
શિલીન નં. શુક્લ