ટિન્બર્જન, યાન (જ. 12 એપ્રિલ 1903, ધ હેગ, અ. 9 જૂન 1994) : વિખ્યાત ડચ અર્થશાસ્ત્રી અને 1969ના અર્થશાસ્ત્ર માટેના પ્રથમ નોબેલ પુરસ્કારના સહવિજેતા તથા નિકોલાસ ટિન્બર્જનના ભાઈ. 1929માં લંડન યુનિવર્સિટીમાંથી ‘મિનિમમ પ્રૉબ્લેમ્સ ઇન ફિઝિક્સ ઍન્ડ  ઇકૉનૉમિક્સ’ વિષય પર લખેલા મહાનિબંધ પર પીએચ.ડી. પ્રાપ્ત કરી. 1929–45 દરમિયાન નેધરલૅન્ડ્ઝમાં સેન્ટ્રલ બ્યૂરો ઑવ્ સ્ટૅટિસ્ટિક્સના બિઝનેસ સાઇકલ રિસર્ચ સેન્ટરના નિયામક તરીકે સેવાઓ આપી. દરમિયાન 1933માં નેધરલૅન્ડ્ઝ સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર નિમાયા. 1936–38 દરમિયાન જિનીવા ખાતેની લીગ ઑવ્ નેશન્સની મુખ્ય વહીવટી કચેરીમાં સેવાઓ આપી. 1949–55 દરમિયાન ધ હેગ ખાતેના શાસકીય સેન્ટ્રલ પ્લાનિંગ બ્યૂરોના નિયામક તરીકે કાર્ય કર્યું. 1956–73 દરમિયાન રોટરડૅમ ખાતેની ઇરાસ્મસ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસરના પદ પર કામ કર્યું. સંયુક્ત રાષ્ટ્રસંઘની ડેવલપમેન્ટ પ્લાનિંગ કમિટીના ચૅરમૅન તરીકે પણ તેમણે સેવાઓ આપી. તેઓ ઘણાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના સલાહકાર હતા.

ધ હેગ ખાતેના સેન્ટ્રલ પ્લાનિંગ બ્યૂરોના વડા તરીકેની તેમની કારકિર્દી દરમિયાન તેમણે નેધરલૅન્ડ્ઝના અર્થતંત્રના સંદર્ભમાં આગાહી તથા આયોજનની પ્રક્રિયા માટે અર્થમિતિશાસ્ત્ર-(econometrics)ની તકનીકનો બહોળો ઉપયોગ કર્યો હતો. વળી જે વસ્તુઓનું મૂલ્ય બજારનાં પરિબળો દ્વારા નિર્ધારિત થઈ શકે તેમ ન હોય તેવી વસ્તુઓનું મૂલ્ય નિર્ધારિત કરવા માટે ‘આભાસી મૂલ્યો’(shadow prices)ના નવતર ખ્યાલને વિકસાવવામાં તેમનું પ્રદાન મહત્ત્વનું ગણાય છે. આર્થિક પ્રક્રિયાઓના વિશ્લેષણ માટે ગતિશીલ ‘મૉડલો’ વિકસાવવામાં તથા તેના પ્રયોગમાં તેમણે કરેલા સિદ્ધાંત અને પ્રયોગલક્ષી પ્રદાન માટે તેમને નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. વિકાસલક્ષી આયોજનના સિદ્ધાંતો અને આર્થિક નીતિ પર તેમણે વિપુલ લખાણ કર્યું છે.

યાન ટિન્બર્જન

વિશ્વશાંતિના તેઓ હિમાયતી હતા અને ભવિષ્યની દુનિયા માટે તેમણે ‘રીસેટિંગ ઇન્ટરનેશનલ ઑર્ડર’ (RIO) નામનો ગ્રંથ લખ્યો છે.

ઑસ્લો યુનિવર્સિટીના રૅગ્નર ફ્રિશ નોબેલ પુરસ્કારમાં તેમના સહવિજેતા હતા.

અર્થશાસ્ત્ર પર તેમણે લખેલા ગ્રંથોમાં ‘સ્ટૅટિસ્ટિકલ ટેસ્ટિંગ ઑવ્ બિઝનેસ સાઇકલ્સ’ (1938), ‘ઇકૉનૉમિટ્રિક્સ’ (1942), ‘બિઝનેસ સાઇકલ્સ ઇન ધ યુ.એસ. 1919–39’ (1939), ‘થિયરી ઑવ્ ઇકૉનૉમિક પૉલિસી’ (1952), ‘ઇકૉનોમિક પૉલિસી : પ્રિન્સિપલ્સ ઍન્ડ ડિઝાઇન’ (1956), ‘શેપિંગ ધ વર્લ્ડ ઇકૉનૉમી’ (1962), ‘ડેવલપમેન્ટ પ્લાનિંગ’ (1968) તથા ‘ઇન્કમ ડિસ્ટ્રિબ્યૂશન : ઍનૅલિસિસ ઍન્ડ પૉલિસીઝ’ (1975) વિશેષ ઉલ્લેખનીય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે