ટિન્ડલ અસર (Tyndall effect) : 1859માં ટિન્ડલ દ્વારા શોધાયેલ  અસાતત્ય (discontinuities) ધરાવતી પ્રણાલીમાંથી પ્રકાશપુંજ પસાર થાય ત્યારે પ્રકાશનું ર્દશ્યમાન  વિખેરણ (visible scattering) થવાની ઘટના. પ્રકાશપુંજના તેજસ્વી ભાગને ટિન્ડલ શંકુ કહે છે. એક બંધ, અંધારા ઓરડામાં પ્રકાશનો લિસોટો દાખલ થાય ત્યારે તેનો માર્ગ જોઈ શકાય છે. કારણ કે ઓરડાની હવામાં તરતા ધૂળના રજકણો  દ્વારા પ્રકાશ-કિરણોનું  વિખેરણ થાય છે. દ્રવવિરોધી (lyophobic) કલિલો (colloids) વિષમાંગ (heterogeneous) પ્રણાલી ધરાવતા હોઈ તે પણ આવી જ ઘટના દર્શાવે છે; દા.ત., સામાન્ય સૂક્ષ્મદર્શક વડે કલિલીય દ્રાવણમાં રહેલા 0.2 mથી નાના કણો પારખી શકાતા નથી. પરંતુ જો આ જ દ્રાવણોને અંધારી પાર્શ્વભૂમાં સૂક્ષ્મદર્શક નીચે મૂકી તેના ઉપર ર્દષ્ટિરેખાને કાટખૂણેથી પ્રબળપુંજ ફેંકવામાં આવે તો કલિલીય કણો વડે થતા પ્રકાશના વિખેરણને કારણે ર્દશ્ય-ક્ષેત્ર તરત જ પ્રકાશનાં રંગીન બિંદુઓ વડે ભરાઈ જાય છે. આમ, જે કણો પહેલાં દેખાતા ન હતા તે હવે ર્દશ્યમાન બને છે. આ સિદ્ધાંતનો ઉપયોગ કરી ઝિગ્મૉંડીએ 1903માં કલિલ કણોને જોવા માટે અલ્ટ્રામાઇક્રોસ્કોપની રચના કરી હતી.

કલિલીય પ્રણાલીઓમાં ટિન્ડલ શંકુની તેજસ્વિતા વિખેરક કણ અને માધ્યમના વક્રીભવનાંકના તફાવતની માત્રાના સમપ્રમાણમાં હોય છે. સોનાના જલીય વિલય(sol)માં વક્રીભવનાંકનો તફાવત વધુ હોય છે. તેમાં ટિન્ડલ શંકુ જોવા મળે છે.

પ્રકાશની તરંગલંબાઈના વીસમા ભાગ કરતાં ઓછા વ્યાસના કણો ધરાવતી પ્રણાલી દ્વારા બહુરંગી (polychromatic) પ્રકાશપુંજમાંથી વિખેરિત થતો પ્રકાશ મુખ્યત્વે વાદળી રંગનો અને ધ્રુવીભૂત થયેલો હોય છે. ધ્રુવીભવનનું પ્રમાણ અવલોકનકાર અને આપાત પ્રકાશ વચ્ચેના કોણ ઉપર આધાર રાખે છે. સિગારેટનો વાદળી ધુમાડો એ ટિન્ડલ નીલનો દાખલો છે. વિખેરક કણો જેમ જેમ મોટા થતા જાય તેમ તેમ વિખેરિત પ્રકાશનો ભૂરો રંગ અર્દશ્ય થતો જાય છે અને તે સફેદ લાગે છે. જો આ વિખેરિત પ્રકાશને નિકૉલ ત્રિપાર્શ્વમાંથી એવી રીતે પસાર કરવામાં આવે કે જેથી ઊર્ધ્વ રીતે ધ્રુવીભૂત થયેલો પ્રકાશ અટકી જાય તો ભૂરો રંગ પાછો વધુ તેજસ્વી બનીને દેખાય છે. આને અવશિષ્ટ નીલ કહે છે અને તેની તીવ્રતા એ તરંગલંબાઈના પ્રતિલોમ ઘાત (inverse power) પ્રમાણે બદલાય છે.

પ્રકાશના વિખેરણને કારણે જ ધૂમસ, દૂધ અથવા કચરાવાળું પાણી આવિલ (turbid) લાગે છે. આકાશ ભૂરું  દેખાય છે કારણ કે હવામાંના ધૂળના રજકણો ઓછી તરંગલંબાઈવાળા ભૂરા ઘટકનું વધુ તરંગ-લંબાઈવાળા લાલ પ્રકાશ કરતાં વધુ માત્રામાં વિખેરણ કરતા હોય છે.

એ નોંધપાત્ર છે કે ફક્ત દ્રવવિરોધી વિલય ટિન્ડલ અસર બતાવે છે, જ્યારે જળરાગી (hydrophilic) કલિલો તે નોંધપાત્ર પ્રમાણમાં દર્શાવતા નથી. આનું કારણ એ છે કે જળરાગી જળયોજિત કલિલીય એકમો અને પાણીના વક્રીભવનાંક (refractive index) લગભગ સરખા હોય છે. બીજી રીતે કહીએ તો આંતરપૃષ્ઠ (interface) આગળ કોઈ નોંધપાત્ર પ્રકાશીય અસાતત્ય નહિ હોવાથી જળરાગી કલિલો દ્વારા બહુ વિખેરણ થતું નથી.

જ. દા. તલાટી