ટિન્ટરેટો, જેકોપો

January, 2014

ટિન્ટરેટો, જેકોપો (જ. 1518, વેનિસ, ઇટાલી; અ. 1594, વેનિસ) : ઇટાલિયન ચિત્રકાર. પિતા રંગરેજ હોવાથી ઇટાલિયન ભાષામાં રંગારો અર્થ ધરાવતું ટિન્ટરેટો નામ ધારણ કર્યું. લગભગ 1537માં ટિશિયન જેવા નામી ચિત્રકારના સ્ટુડિયોમાં તેમની કારકિર્દીનો પ્રારંભ થયો. કલાકાર તરીકે વ્યવસાયી આચારનિષ્ઠા ન હોવાથી વ્યક્તિ તરીકે તે પ્રજામાં ખૂબ અપ્રિય હતા. અલબત્ત, ચર્ચ તથા રાજદરબાર તરફથી તેમને બાઇબલ વિશેનાં ચિત્રો તથા વ્યક્તિચિત્રો દોરવાનું કામ પુષ્કળ મળ્યા કરતું. એ ચિત્રોમાં તે માઇકલઍંજેલોનું ડ્રૉઇંગ-સામર્થ્ય તથા ટિશિયનની તેજસ્વી રંગછટાનું સુંદર મિશ્રણ કરવા મથ્યા છે. તેમની શૈલીમાં 1550થી વેરોનેઝી તથા ટિશિયન જેવા કલાકારોનો પ્રભાવ જોવા મળે છે અને તેમનાં ચિત્રોમાં ધર્મપરાયણ ઉત્કટતા ઊભરી આવે છે.

ચિત્રવિષય પરત્વેનો અનન્ય ર્દષ્ટિકોણ, ગાઢ અને તેજસ્વી રંગછટા, વેધક અને પ્રસંગોપાત્ત, ત્વરિત બનતું પીંછીકામ તેમજ શૈલીમિશ્રણની ચિત્રવિચિત્રતા તથા તેજછાયાની ઉઠાવદાર અસરકારકતા જેવી લાક્ષણિકતાઓથી તેમની કૃતિઓ આપોઆપ જુદી તરી આવે છે.

તેમની સૌથી અદભુત કૃતિ તે ધાર્મિક વૃંદોની કામગીરી માટે એસ રૉકોના નામના ચર્ચમાં દોરેલાં પવિત્ર ભીંતચિત્રો. તેમની અન્ય મહત્વની કૃતિઓમાં ‘ધ લાસ્ટ સપર’ (1547), ‘ધ લાસ્ટ જજમેન્ટ’ (1560) અને કદની વિશાળતા માટે પંકાયેલ ‘પૅરેડિસો’ (1588) ઉલ્લેખનીય છે. તેમના સાત પૈકી ત્રણ પુત્રો પણ ચિત્રકાર બન્યા હતા.

મહેશ ચોકસી