ટિનોસ્પોરા : વનસ્પતિના દ્વિદળી વર્ગની મેનીસ્પર્મેસી કુળની પ્રજાતિ.  વિશ્વમાં તેની 8 જેટલી જાતિઓ થાય છે. Tinospora cordifolia (Willd) Miers. ex Hook. F. & Thoms. હિં. अमृता, ગુ. ગળો અને મ. गुळवेल,  અં. ગુલાંચા ટિનોસ્પોરા. તે એશિયા, આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાના ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વિતરણ પામેલી વેલ છે.

ગળો વિશાળ, સુંવાળી અને પર્ણપાતી વળવેલ હોય છે. તેનું પ્રકાંડ રસાળ હોય છે અને શાખાઓ પરથી અસ્થાનિક લાંબા સૂત્રિલ પરિપાચી (assimilatory) મૂળ ઉત્પન્ન થાય છે. તેની છાલ રાખોડી બદામી અથવા પીળાશ પડતી સફેદ અને મસાયુક્ત (warty) હોય છે. પર્ણો હૃદયાકાર, ઝિલ્લીમય (membranous) અને પહોળાં હોય છે. જ્યારે છોડ પર્ણવિહીન હોય ત્યારે કક્ષીય અને અગ્રિમ કલગી અથવા અપરિમિત પ્રકારના પુષ્પવિન્યાસ પર પીળાં અથવા લીલાશ પડતાં પીળાં નાનાં પુષ્પો ઉદભવે છે. નરપુષ્પો ગુચ્છિત (clustered) અને માદાપુષ્પો મોટેભાગે એકાકી હોય છે. તે વનસ્પતિ લાલ રંગનાં, સુંવાળાં, રસદાર અને વટાણા જેવડાં અષ્ઠીલ (drupes) ફળ તથા વક્ર બીજ ધરાવે છે.

પ્રકાંડમાંના જુદા જુદા ઘટકોમાં ગ્લુકોસાઇડ, આલ્કેલૉઇડલ ઘટકો, ત્રણ સ્ફટિકમય પદાર્થો, બે કડવા ઘટકો, તટસ્થ મેદીય આલ્કોહૉલ, બાષ્પશીલ તેલ અને મેદીય અમ્લના મિશ્રણનો સમાવેશ થાય છે.

આધુનિક સંશોધનો મુજબ કડવા ઘટકો કોલમ્બિન, ચેસમેન્થિન અને પામેરીન છે. ટિનોસ્પોરોન, ટિનોસ્પેરિક ઍસિડ અને ટિનોસ્પોરોલ નામના કડવા ઘટકો તેના પ્રકાંડમાં હોવાનું માલૂમ પડ્યું છે.

આયુર્વેદમાં ગળોના ઘણા ઔષધીય ગુણધર્મો દર્શાવાયા છે. તે અશક્તિ, અજીર્ણ, તાવ અને મૂત્રરોગમાં ઉપયોગી છે. તે વાઇરસરોધક ગુણધર્મ ધરાવે છે અને મરઘાંના ‘રાનીકેટ’ રોગમાં ઉપયોગી છે.

તે ઔષધ તરીકે કાલિક જ્વરવિરોધી (antiperiodic), દર્દશામક (antispasmodic), દાહશામક (antiinflammatory) અને જ્વરવિરોધી (antipyretic) ગુણધર્મો ધરાવે છે. માયકોબૅક્ટેરિયમ ટ્યૂબરક્યુલેસિસ નામના બૅક્ટેરિયાની વૃદ્ધિને પણ તે અવરોધે છે.

આકૃતિ : ગળોની ફળ ધરાવતી વેલ

તેના પ્રકાંડનો જલીય અને આલ્કોહૉલીય નિષ્કર્ષ જમ્યા પહેલાંના રુધિરમાં શર્કરાના પ્રમાણ(fasting blood sugar)ને ઘટાડે છે. અંતર્જાત (endogenous) ઇન્સ્યુલિનનો સ્રાવ, ગ્લુકોઝનું શોષણ અને પરિઘીય ગ્લુકોઝ મુક્તિ(peripheral glucose release)ના અવરોધ પર આ ઔષધની અનુકૂળ અસર હોય છે.

શુષ્ક પ્રકાંડ કે ફળનો ભૂકો ઉત્તમ શક્તિવર્ધક છે. પર્ણોનો ઉકાળો ગાંઠિયા વા(gout)ની સારવારમાં, મધ સાથેનો લેપ ચાંદા પર અને મૂળનો જલીય નિષ્કર્ષ રક્તપિત્તમાં વપરાય છે. પર્ણો પુષ્કળ પ્રમાણમાં પ્રોટીનો, કૅલ્શિયમ અને ફૉસ્ફરસ ધરાવતાં હોવાથી પશુ-આહાર તરીકે ઉત્તમ છે.

કેટલીક વાર ટિનોસ્પોરા શોભાની વનસ્પતિ તરીકે કટકા-રોપણ (cuttings) દ્વારા ઉગાડાય છે.

ભારતમાં થતી અન્ય જાતિઓમાં T. crispa (Linn.) Miers ex Hook અને T. sinensis (Lour.) Merrillનો સમાવેશ થાય છે.

મનીષા દેસાઈ