ટિંગ લિંગ : ચીનના રાજવી વાન લીની 1584માં બંધાયેલી સમાધિ. ચીનના સ્થાપત્યના ઇતિહાસના સોળમી સદીના તબક્કામાં લોકોપયોગી ઇમારતોનું બાંધકામ મહદંશે કાષ્ઠપ્રણાલીને આધારે થતું. મિંગ વંશના રાજવીઓનો સમાધિસમૂહ બેજિંગની વાયવ્યમાં આવેલ છે, તેમાંની રાજા વાન લીની સમાધિ ઉલ્લેખનીય છે. આ સમાધિનું ઉત્ખનન 1956–58 દરમિયાન કરવામાં આવેલ. ભૂગર્ભમાં રચાયેલી આ સમાધિ બેજિંગની ‘ફરબિડન સિટી’ની શૈલીમાં છે. તેના ચાર વિશાળ ભાગ સમાધિને લગતા જુદા જુદા ઉપયોગ માટે રખાયેલા છે.
રવીન્દ્ર વસાવડા