ટાર્ક્વિન (ટાર્ક્વિનિયસ) : એટ્રુસ્કન રાજવંશના સાતમા અને પ્રાચીન રોમના છેલ્લા રાજા. તે છઠ્ઠા રાજા સર્વિયસ ટુલિયસના જમાઈ અને અનુગામી હતા. તેમના સસરાનું ખૂન કરીને તેઓ ગાદીએ આવ્યા હતા એમ કહેવાય છે. તેમના દાદા ટાર્ક્વિનિયસ લુસિયસ (ઈ. સ. પૂ. 616થી 578) હતા.
પ્રિસ્કસનો પુત્ર ટાર્ક્વિનિયસ સુપરબસ લુસિયસ (શાસનકાળ ઈ. સ. પૂ. 534–510) આપખુદ અને જુલમી રાજા હતો, જોકે તેણે રોમની સત્તા અને સમૃદ્ધિમાં ઘણો વધારો કર્યો હતો. તેનું નામ ‘સુપરબસ’ તેનો મગરૂર અને અભિમાની સ્વભાવ સૂચવે છે. તેણે કેટલાયે વિરોધી સેનેટરોને મોતને ઘાટ ઉતાર્યા હતા તથા નીચલા વર્ગના લોકોના અધિકારો પર તરાપ મારી હતી.
સુપરબસના પુત્ર સેક્સ્ટસે લુક્રેશિયા નામની ઉમદા સ્ત્રી ઉપર બળાત્કાર કરતાં કેટલાક અગ્રણી સેનેટરોએ તેની સામે બળવો કર્યો હતો અને ટાર્ક્વિનને હરાવીને તેને અને તેના પુત્રને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. ત્યારપછી જ લોકોએ રોમ પ્રજાસત્તાકની સ્થાપના કરી હતી. ટાર્ક્વિનિયા અને વેઈના લોકોએ સેક્સ્ટસનો પક્ષ લઈને તેને ફરી ગાદી પર બેસાડવાના ઇરાદાથી રોમ તરફ કૂચ કરી હતી જેમાં તેઓ નિષ્ફળ ગયા હતા. ત્યારબાદ ટાર્ક્વિને ક્લુઝિયમના રાજા બાર્સ પોરસેનાની સહાય લઈને રોમ ઉપર પુન: આક્રમણ કર્યું હતું; પણ તેમને રોમ સાથે સંધિ કરવાની ફરજ પડી હતી. તેથી ટાર્ક્વિનને તેમના જમાઈ ઑક્ટેવિયસ મમીલિવસનો આશ્રય લેવાની ફરજ પડી હતી. તેમણે લૅટિનભાષી રાજ્યોને રોમ સામે યુદ્ધ જાહેર કરવા ઉશ્કેરણી કરી હતી, પણ લેઇક રેજીલસના યુદ્ધમાં તેમની હાર થઈ હતી. ટાર્ક્વિનને નાસીને ક્યુમેમાં આવેલા ઑરિસ્ટો બુલુસમાં આશ્રય લેવાની ફરજ પડી અને તેમનું ત્યાં ઈ. સ. પૂ. 510માં મરણ થયું.
શેક્સપિયરે ‘લુક્રેશિયા ઉપર બળાત્કાર’ (‘Rape of Lucretia’) નામનું કાવ્ય લખ્યું છે. રોમથી 19.2 કિમી. દૂર આવેલ ગબ્બી શહેરમાં આવેલ સેમો સેનકસના મંદિરમાં ટાર્ક્વિન સુપરબસ અને ગબ્બી શહેર વચ્ચે થયેલ સંધિનો લેખ ઈ. સ.ની પહેલી સદી સુધી જળવાઈ રહ્યો હતો. આ વંશના કુલ સાત રાજાઓ હતા.
શિવપ્રસાદ રાજગોર