ટારઝન : અંગ્રેજી જંગલકથાસાહિત્યનું તથા ચલચિત્રનું એક જાણીતું અને લોકપ્રિય પાત્ર. સર્જક એડગર રાઇસ બરોઝ (1875–1950). 1912માં તેણે ‘અંડર ધ મૂન્સ ઑવ્ માર્સ’ શ્રેણીની વિજ્ઞાનકથા સામયિકમાં હપતાવાર લખી. એ જ વર્ષે તે ‘પ્રિન્સેસ ઑવ્ માર્સ’ નામે પુસ્તકાકારે પ્રસિદ્ધ થઈ. આ શ્રેણીમાં મંગળલોકની પંદરેક કથાઓ આવી. તેમાં જ્હૉન કાર્ટરનું પાત્ર લોકપ્રિય થયું. આ જ વર્ષોમાં બરોઝનો ટારઝન જન્મ્યો. હેન્રી રાઇડર હેગાર્ડની બરોઝ પર અસર છે; પણ, બરોઝનાં આફ્રિકી જંગલો અદભુત છે. પ્રથમ કથા ‘ટારઝન ઑવ્ ધ એપ્સ’ 1912માં આવી. અંગ્રેજ ઉમરાવ ગ્રેસ્ટૉકના શિશુનું નૌકાભંગમાં ખોવાવું, આફ્રિકી જંગલમાં કલા નામની ગોરીલા વાનરી દ્વારા ઉછેર પામીને વધતી વયે ‘ટારઝન’ નામ ધારણ કરી પરાક્રમો કરવાં – આ છે કથાનકનો સાર. એવી જ રીતે જંગલમાં ભૂલા પડેલા જૂથમાંથી તેને જીવનસંગિની જેન પાર્કર મળે છે. કથાનકો આગળ ચાલે છે અને 25નો આંક વટાવી જાય છે. ટારઝનનું પુનરાગમન, ટારઝનનો પુત્ર, ખોવાયેલું જગત, વિચિત્ર માનવો, પેટાળગમન આદિ કથાઓ અદભુત વાર્તારસમાં વાચકને જકડી રાખે છે. 1964 અને 1965માં ટારઝન-શ્રેણીમાં છેલ્લાં 2 પુસ્તકો બરોઝના અવસાન પછી પ્રકાશન પામ્યાં. અન્ય 30 ભાષાઓની જેમ ગુજરાતી ભાષામાં પણ પ્રારંભે આ પુસ્તકો ભાષાંતર પામ્યાં. પાછળથી ટારઝન પાત્રની આસપાસ ગુજરાતી લેખકોએ સ્વતંત્ર રીતે કથાઓ ગૂંથી છે. જોકે આ પ્રયાસો વાચકોને વધુ આકર્ષી શક્યા નથી. ચિત્રવાર્તા રૂપે પણ ટારઝને વર્તમાનપત્રો –સામયિકોમાં તથા સ્વતંત્ર કૉમિક સામયિકોમાં અવતાર લીધો છે. રેડિયો, ટેલિવિઝન પર તેની શ્રેણીઓ પ્રસારિત થઈ છે.

જ્હૉની વિઝમુલર

ટારઝનને વધારે સફળતા ચલચિત્રના માધ્યમે આપી. તે રૂપે તે અંગ્રેજી સાહિત્યના સીમાડા ઓળંગીને વિશ્વસમસ્તમાં પરિચિત થયો. ચિત્રનિર્માતાઓએ મૂળ કથાના ર્દશ્યાંકનને અનુરૂપ ઘાટ આપવા ઇષ્ટ વળાંકો આપ્યા. 1932માં ટારઝનના પાત્રમાં ઑલિમ્પિક તરણવીર જ્હૉની વિઝમુલરને લઈને પહેલું ચિત્ર ‘ટારઝન, ધ એપમૅન’ આવ્યું અને તત્કાળ ભારે લોકપ્રિય થયું. 1948માં ટારઝનશ્રેણીમાં વિઝમુલરની ભૂમિકાવાળું છેલ્લું ચલચિત્ર ‘ટારઝન ઍન્ડ ધ મરમેઇડ્ઝ’ આવ્યું. વિઝમુલરનું આ બારમું ચિત્ર હતું. ટારઝનની પહેલી નાયિકા (જેન પાર્કર) મોરીન ઓ’ સલિવાન હતી. પછી બ્રૅન્ડા જૉઇસ આવી. ટારઝનના પાત્રમાં પણ અન્ય નામો (હરમન બ્રિક્સ, લેક્સ બાર્કર, રાલ્ફ રિચર્ડસન આદિ) ઝળક્યાં. પણ, કોઈ વિઝમુલરની બરાબરી કરી શક્યું નહિ. બો ડેરેકના પતિએ ‘ટારઝન ધ એપમૅન’ ફરી ઉતારી, તેમાં બો ડેરેકને જેન તરીકે અત્યંત માદક રૂપે બતાવી. ટારઝનની પ્રેરણાથી અન્ય દેશોમાં પણ એ પ્રકારનાં ચિત્રો બન્યાં. જેમ કે ભારતમાં ‘ઝિમ્બો’ નામે સુંદર ચિત્ર નિર્માણ પામ્યું. 1984ના પૂર્વાર્ધમાં મૂળ કથાનક તથા ટારઝન તેના અંગ્રેજ કુટુંબમાં ઉમરાવ ગ્રેસ્ટૉક તરીકે પુનર્મિલન પામે છે એવા અંત સાથે હ્યૂ હડસને ‘ગ્રેસ્ટૉક : ધ લિજેન્ડ ઑવ્ ટારઝન, લૉર્ડ ઑવ્ ધ એપ્સ’ નામથી અંતિમ ટારઝન-ચિત્ર ઉતાર્યું.

બંસીધર શુક્લ