ટાગોર, દેવેન્દ્રનાથ

January, 2014

ટાગોર, દેવેન્દ્રનાથ (જ. 15 મે, 1817, કૉલકાતા; અ. 19 જાન્યુઆરી 1905, કૉલકાતા) : તત્ત્વચિંતક અને ધર્મસુધારક. કૉલકાતાના અતિ શ્રીમંત જમીનદાર ‘પ્રિન્સ’ દ્વારકાનાથ ટાગોરના સૌથી મોટા પુત્ર. 9 વર્ષની વયે શિક્ષણનો પ્રારંભ કર્યો. 1831માં હિંદુ કૉલેજમાં જોડાયા અને ત્યાં ચાર વર્ષ અભ્યાસ કર્યો. એ દરમિયાન તેમનામાં ઉદ્દામવાદના વિચારો પાંગર્યા. 14 વર્ષની વયે શારદાદેવી સાથે તેમનું લગ્ન થયું. તેમના પુત્રોએ વિવિધ પ્રવૃત્તિક્ષેત્રોમાં નામના કાઢી; તેમાંના એક તે કવિ રવીન્દ્રનાથ.

દેવેન્દ્રનાથ અઢળક સમૃદ્ધિમાં ઊછર્યા હતા, પરંતુ એક બનાવથી તેમના જીવનમાં પલટો આવ્યો. 18 વર્ષની વયે, એક વાર મૃત્યુના બિછાને પડેલાં દાદીમા પાસે બેઠા હતા ત્યારે તેમણે રહસ્યપૂર્ણ ધ્રુજારી અનુભવી; એ તેમની આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ હતો. ત્યારથી તેમણે તમામ વૈભવનો ત્યાગ કર્યો.

દેવેન્દ્રનાથ ટાગોર

નાનપણથી જ તેમને આધુનિક ભારતના ઘડવૈયા રાજા રામમોહન રાયનો પરિચય થયો હતો. તેમના પ્રભાવના કારણે જ તે મૂર્તિપૂજાના વિરોધી બન્યા. તેમનાથી નાની ઉંમરના બીજા સુધારક કેશવચન્દ્ર સેનના તે નિકટના મિત્ર બન્યા અને બંનેએ સતીપ્રથા સામે ઝુંબેશ ઉપાડી. લોકોમાં કેળવણીનો પ્રસાર કરવા પણ બંનેએ ભારે પ્રયાસ કર્યા. જોકે સેન ખ્રિસ્તી ધર્મ તરફ વળવા લાગ્યા હતા પરંતુ ટાગોર ચુસ્ત હિંદુધર્મી બની રહ્યા.

બંગાળી ભાષાના પ્રસાર માટે તેમણે ‘સર્વ તત્વદીપિકા સભા’ની સ્થાપના કરી (1832). તેના આધારે 1839માં પોતાના ઘરમાં જ તેમણે ‘તત્વબોધિની સભા’ની સ્થાપના કરી. તેનો ઉદ્દેશ બંગાળી ભાષામાં વેદ-સાહિત્ય ઉતારીને શુદ્ધ ધર્મનો પ્રસાર કરવો. ધર્મની રૂઢિચુસ્ત પ્રણાલીની ગ્લાનિ દૂર કરી, દેશની સંસ્કૃતિનાં સનાતન મૂલ્યો પ્રત્યે આદર પ્રગટાવવામાં તેમણે આ સંસ્થા મારફત નિર્ણાયક ફાળો આપ્યો. આ હેતુ સાંગોપાંગ સિદ્ધ કરવા તેમણે પાઠશાળા નામની શિક્ષણસંસ્થા સ્થાપી (1840), પણ આર્થિક વિટંબણાના કારણે તે 1848માં બંધ કરવી પડી; પરંતુ ‘તત્વબોધિની પત્રિકા’ મારફત અડધી સદી સુધી એ કાર્ય સુપુરે પાર પડ્યું. એ ‘પત્રિકા’ના ઉદારમતવાદી અભિગમથી બંગાળી યુવાવર્ગ ખૂબ પ્રભાવિત થયો. 1859માં ‘તત્વબોધિની સભા’ સમેટી લઈ તે ખ્રિસ્તી મિશનરીની ધર્માંતર પ્રવૃત્તિ રોકવાના વિશેષ મહત્વના કામમાં પરોવાયા. રાષ્ટ્રવિરોધી તથા હિંદુવિરોધી શિક્ષણપ્રથાનો પ્રભાવ ખાળવા તેમણે ‘હિંદુ હિતાર્થી વિદ્યાલય’ની સ્થાપના કરી (1846). ‘ધ બ્રિટિશ ઇન્ડિયન ઍસોસિયેશન’ની સ્થાપના (1851) કરી તેમણે ભારતમાંની બ્રિટિશ સરકારની કાર્યપદ્ધતિ સુધારવા પ્રયત્ન કરીને રાજકીય જાગૃતિ લાવવામાં પણ ગણનાપાત્ર ભાગ ભજવ્યો.

1843માં મૂર્તિપૂજાનો ત્યાગ કરી, પોતે પ્રયોજેલી વિધિ પ્રમાણે બ્રાહ્મોધર્મની દીક્ષા લીધી. કેટલીક ઘટનાઓને કારણે વેદો વિશેની તેમની અવિચળ શ્રદ્ધા પણ ઉત્તરોત્તર જાગવા લાગી.

‘તત્વબોધિની સભા’ના ઉપક્રમે વેદોનો સાંગોપાંગ અભ્યાસ કરવા કેટલાક પંડિતોને બનારસ મોકલ્યા. આ પંડિતોની સહાયથી તથા પોતાની આંતરિક ચેતનાને અનુસરીને તેમણે ‘બ્રાહ્મોધર્મ’ (1849) પુસ્તક તૈયાર કર્યું. એકેશ્વરવાદમાં પાકી શ્રદ્ધા બંધાવાથી તે ‘હિંદુ થિયૉફિલૅન્થ્રૉપિક સોસાયટી’માં જોડાયા (1843). એ સંસ્થા હિંદુ ધર્મની મૂર્તિપૂજાની નાબૂદી માટે કાર્યરત હતી. તે ‘સોસાયટી ફૉર ધ ઍક્વિઝિશન ઑવ્ જનરલ નૉલેજ’માં જોડાયા અને અનેક ઉદારમતવાદી વિચારકોના પરિચયમાં આવ્યા અને સ્વતંત્ર રીતે તત્વચિંતન કરવા પ્રેરાયા. છેવટે અદ્વૈતવાદી વિચારસરણીનો પણ તેમણે ત્યાગ કર્યો. પરંતુ ઉદ્દામવાદી પ્રામાણ્યવાદ અને ઝનૂની બ્રાહ્મણ રૂઢિચુસ્તતા વચ્ચે કોઈ મધ્યમમાર્ગ તે શોધી શક્યા નહિ અને અંતે જાહેરજીવનમાંથી તેઓ નિવૃત્ત થઈ ગયા. એકાંતમાં પરમેશ્વરનું ધ્યાન ધરવા તેમણે 1856માં હિમાલયનો પ્રવાસ કર્યો. બોલપુરમાં જમીન ખરીદી ‘બ્રહ્મચર્યાશ્રમ’ની સ્થાપના કરી. આ જ સ્થળે પાછળથી રવીન્દ્રનાથે આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીની નામના મેળવનાર ‘શાંતિ નિકેતન’ની સ્થાપના કરી. તે ટેકીલા રાષ્ટ્રવાદી હતા અને યુરોપિયનોની મૈત્રીનો તેમને ભારે અણગમો હતો. તેમને કોઈ વિધિસર ખિતાબ અપાયો ન હતો પરંતુ તેમના અનુયાયીઓ તથા મિત્રો તેમને આદરભાવે ‘મહર્ષિ’ તરીકે ઓળખતા.

તેમનું થોકબંધ લખાણ બંગાળીમાં જ લખાયેલું છે. તેમના એક પુસ્તકનું ‘વેદાન્તિક જૉક્ટ્રિન્સ વિન્ડિકેટેડ’ (1845) નામે અંગ્રેજીમાં ભાષાંતર થયું છે. સંસ્કૃત ધર્મગ્રંથો વિશે બંગાળીમાં લખાયેલું ભાષ્ય ‘બ્રાહ્મોધર્મ’ તેમની શ્રેષ્ઠ કૃતિ મનાય છે.

મહેશ ચોકસી