ટાઇપરાઇટર : કળ દબાવવાથી બીબાની છાપ પાડીને સુઘડ લખાણ છપાય તેવી વ્યવસ્થાવાળું યંત્ર. વિશ્વના બધા દેશોનાં કાર્યાલયોમાં આ ઉપકરણનો ઉપયોગ થાય છે. પશ્ચિમના દેશોમાં તો ઘણાં ઘરોમાં પણ ટાઇપરાઇટર વપરાય છે. લેખકો તેમની હસ્તપ્રત ટાઇપ કરીને તૈયાર કરે છે. ટાઇપરાઇટર વેપારધંધામાં સૌથી વધારે વપરાતું યંત્ર છે.

અઢારમી અને ઓગણીસમી સદીમાં યુરોપ-અમેરિકાના કેટલાક શોધકોએ લખવા માટેના યંત્રની શોધ કરવા પ્રયત્નો કર્યા. અમેરિકાના મિલવૉકી નગરના ક્રિસ્ટોફર શોલ્સે 1867માં પહેલું વ્યવહારુ યંત્ર બનાવ્યું. રેમિંગ્ટન નામના એક કારખાનાવાળાને શોલ્સની શોધમાં રસ જાગ્યો. તેણે ઉત્પાદન શરૂ કરી 1874થી ટાઇપરાઇટર બજારમાં મૂક્યાં. વીસમી સદીના પહેલા દાયકામાં સાથે લઈને ફરી શકાય તેવાં નાનાં અને વીસીના દાયકામાં વીજળીચાલિત ટાઇપરાઇટરો આવ્યાં. વર્તમાન સમયમાં તેનો વિકાસ લેખનપ્રક્રિયા માટેના કમ્પ્યૂટર સુધી પહોંચ્યો છે.

પ્રારંભિક યંત્રો મોટેભાગે  અગવડભર્યાં હતાં. પેટી જેવા  આ યંત્રમાં નીચેના તળ ઉપર કાગળ મુકાતો. તેની ઉપર બીબાંનું માળખું આવતું. બહારના પડખે કી-બોર્ડ રખાયેલું હતું. બીબાની છાપ સ્પષ્ટ પડે તે માટે ઉચ્ચાલન પટ્ટી સામે ઓળંબા જેવું વજન લટકાવાતું. ટાઇપરાઇટરની શોધ તો ક્રાંતિકારી હતી જ. તેણે બીજી મોટી ક્રાંતિ એ કરી કે રસોડામાં પુરાયેલી લાખો ગૃહિણીઓ માટે કાર્યાલયોનાં દ્વાર ઉઘાડી નાખ્યાં.

શોલ્સનું પ્રથમ ટાઇપરાઇટર

ટાઇપરાઇટરના ચાર પ્રકાર છે : (1) હાથે ચાલતું, (2) વીજળીથી ચાલતું, (3) ઇલેક્ટ્રૉનિક તથા (4) લેખનપ્રક્રિયા માટેનું કમ્પ્યૂટર. પહેલા પ્રકારના યંત્રનું સંપૂર્ણ સંચાલન હાથ વડે વિવિધ ઉચ્ચાલનો તથા બીબાંની કળો દબાવીને કરવામાં આવે છે. બીજા પ્રકારમાં વીજળીમોટર વડે યંત્રના ભાગો ગતિ કરે છે. તેમાં કળો પર ભાર આપવો પડતો નથી તેથી કામમાં વેગ આવે છે, દાબ સરખો રહે છે અને થાક્યા વિના વધારે કામ મેળવી શકાય છે. ઇલેક્ટ્રૉનિક ટાઇપરાઇટર વીજળી ટાઇપરાઇટરને મળતાં આવે છે. તેમાં કમ્પ્યૂટરની સગવડનો ઉપયોગ થાય છે. લીટીની લંબાઈ, શબ્દો વચ્ચેની જગ્યા, નીચે લીટી દોરવી, જોડણી તપાસવી, ભૂલો સુધારવી, લખાણને નવેસરથી જુદી રીતે ગોઠવવું, વચ્ચે ઉમેરો કરવો, વચ્ચેથી લખાણ કાઢી નાખવું, અમુક શબ્દ કે વાક્યમાં ફેરફાર કરવો વગેરે સગવડો તેમાં હોય છે. યંત્રની ક્ષમતા અનુસાર એક પાનાથી અનેક પાનાં જેટલું લખાણ તેની વીજાણુસ્મૃતિ(memory)માં જાળવી શકાય છે. ફરી ઇચ્છા થાય ત્યારે એક જ કળ દાબીને આ લખાણની પ્રતિલિપિઓ મેળવી શકાય છે. ટાઇપરાઇટરના આગળના નાના પડદા ઉપર લખાણ છપાય તે પહેલાં પ્રદર્શિત થયેલું જોઈ શકાય છે.

કમ્પ્યૂટરયુક્ત લેખનપ્રક્રિયક(word processor)માં ઉપરની બધી સગવડો વિશેષ પ્રમાણમાં મળે છે; જેમ કે, તેમાં ડિસ્ક નામના સંગ્રહસાધનમાં આખા પુસ્તકનું લખાણ જાળવી શકાય છે. તેનું મુદ્રણયંત્ર અક્ષરોમાં વૈવિધ્ય આપી શકે છે; જેમ કે, પ્રચલિત શૈલીમાં સાંકડા, પહોળા, જાડા, લીટી દોરેલા, ત્રાંસા (italics), બેવડા કદના, કાળી ભૂમિકા પર સફેદ એમ વિવિધ પ્રકારના વર્ણ ઉપસાવી શકાય છે.

ટાઇપરાઇટરની સામાન્ય રચના દર્શાવતું ચિત્ર

સામાન્ય ટાઇપરાઇટરમાં સન્મુખમાં કી-બોર્ડ હોય છે. તેમાં છાપવાના અક્ષરોનાં બીબાંની તથા સૂચનાની એમ બે પ્રકારની કળો હોય છે. કળ જે તે બીબા સાથે ઉચ્ચાલનપટી(lever)થી જોડાયેલી હોય છે. તે દબાવવાથી તેના અક્ષરવાળું બીબું ઊંચે આવી સામેના કઠણ રબરના નળાકાર (cylinder) ઉપર રાખેલા કાગળ ઉપર દબાય છે. વચ્ચેની શાહીવાળી રિબનથી કાગળ ઉપર બીબાની છાપ પડે છે. જેમ જેમ અક્ષરો છપાય તેમ તેમ રબરનો નળાકાર એકેક અક્ષરની ગતિથી ડાબી બાજુ સરકે છે. લીટી પૂરી થાય એટલે હાથો હલાવવાથી નળાકાર પાછો ખસી જાય છે અને સાથે એક લીટી ફરી જઈ નવી લીટી માટે તૈયાર થાય છે. કેટલાંક ટાઇપરાઇટરમાં ઉચ્ચાલન પટીવાળાં બીબાંને બદલે ચક્રાકાર બીબાંની રચના હોય છે. આ ચક્રને ‘ડેઝી વ્હીલ’ કહે છે. તેના આરા (spoke) પર છેડે બીબાં હોય છે. ઇલેક્ટ્રૉનિક યંત્રમાં આવી વ્યવસ્થા હોય છે. કમ્પ્યૂટરવાળા લેખનપ્રક્રિયકમાં ટપકાં દ્વારા અક્ષરની રચના થાય છે. ટપકાંની ગોઠવણી કમ્પ્યૂટરની સૂચના અનુસાર થાય છે. આથી તેમાં લિપિ પરત્વે વૈવિધ્યનો લાભ મળે છે; એટલું જ નહિ, ભાષાનો બાધ પણ નિવારી શકાય છે. પુણેની સી ડેક સંસ્થાએ તૈયાર કરેલા એપેક્સ સૉફ્ટવેરમાં લખાણ ભારતની બધી ભાષાની લિપિઓ ઉપરાંત રોમન લિપિમાં એકસાથે છાપી શકાય છે તથા તેનું લિપ્યંતર પણ કરી શકાય છે. એટલે કે નાગરી લિપિના લખાણને ગુજરાતી, તમિળ કે રોમન જેવી અન્ય લિપિમાં ફેરવી શકાય છે. ચાલુ ટાઇપરાઇટરો જુદી જુદી 100 શૈલીનાં 5000 જાતનાં કી-બોર્ડ ધરાવે છે. વૈજ્ઞાનિક કાર્ય માટે, સંગીતની નોંધ માટે, અંધજનો માટે ઉપસાવેલી બ્રેઇલ લિપિમાં એમ વિશિષ્ટ હેતુનાં ટાઇપરાઇટરો બને છે. દરેક અક્ષરને તેની માત્રા પ્રમાણે પહોળાઈ મળે તેવી કૂંચીવાળાં યંત્રો પણ બને છે. ભારતમાં સામાન્ય દેવનાગરી લિપિ ઉપરાંત હિંદી માટે શાસને માન્ય કરેલી લિપિ પ્રમાણેનાં ટાઇપરાઇટર બને છે.

બંસીધર શુક્લ