ટર્બિયમ : આવર્તક કોષ્ટકના 3જા સમૂહમાં આવેલ લૅન્થનાઇડ શ્રેણીનું અતિ વિરલ તત્વ. દેખાવમાં તે ચાંદી જેવું હોય છે. તેની સંજ્ઞા Tb; પરમાણુઆંક 65; પરમાણુભાર 158.93; ગ. બિંદુ 1365° સે.; ઉ. બિંદુ 3230° સે. તથા વિ. ઘનતા 8.31 છે. કુદરતી રીતે મળતા આ તત્વનો સ્થાયી સમસ્થાનિક 159Tb લગભગ 100 % હોય છે. આ ધાતુ નરમ, સુતન્ય છે. તે ગૅડલિનાઇટ, સિરાઇટ તથા અન્ય વિરલ ખનિજોમાંથી તથા યુક્સેનાઇટ, મૉનઝાઇટ, ઝિનોટાઇનમાંથી મેળવી શકાય છે.

સી. જી. મોસાન્ડરે 1843માં તેની શોધ કરી. 1877થી આ તત્વ ટર્બિયમ તરીકે ઓળખાય છે. શુદ્ધ સ્વરૂપમાં સૌપ્રથમ અરબેઇને તે 1905માં મેળવ્યું. બીજી વિરલ ધાતુઓથી તેને અલગ પાડવું અઘરું છે અને તે માટે અનેક રીતો જાણીતી છે. શુદ્ધ ધાતુ તેના હૅલાઇડનું કૅલ્શિયમ દ્વારા અપચયન કરીને મેળવાય છે. તેનો પ્રાપ્ય સામાન્ય ઑક્સાઇડ Tb4O7 તપખીરિયા (brown) રંગનો હોય છે. તેને H2ના પ્રવાહમાં ગરમ કરતાં Tb2O3 બને છે. ટર્બિયમનાં લવણ સફેદ તથા ત્રિસંયોજકતા દર્શાવે છે તેમજ રંગવિહીન દ્રાવણો બનાવે છે. ટર્બિયમની ચતુ:સંયોજકતા એકમાત્ર TbO2માં જોવા મળે છે, જે Tb4O7ને ઑક્સિજન સાથે દબાણથી ગરમ કરતાં મળે છે. ઉચ્ચ ઑક્સાઇડ મંદ ઍસિડ સાથે ધીરે ધીરે વિઘટન પામે છે તથા દ્રાવણમાં ત્રિસંયોજક આયન આપે છે. આ ધાતુ ઉપર ઊંચા તાપમાને હવાની અસર થાય છે પણ સામાન્ય તાપમાને કોઈ અસર થતી નથી. બીજાં વિરલ તત્વોમાંથી તેને આયન-વિનિમયપદ્ધતિ અથવા દ્રાવક-નિષ્કર્ષણપદ્ધતિથી મેળવવામાં આવે છે.

આ તત્વ તથા તેનાં સંયોજનોનો ઔદ્યોગિક ઉપયોગ મર્યાદિત છે. લેસર, અર્ધવાહક સાધનો તથા કલર-ટેલિવિઝનની પિક્ચર-ટ્યૂબમાં સંદીપક તરીકે તે વપરાય છે.

જગદીશ જ. ત્રિવેદી