ટર્મન, લ્યૂઇસ એમ. (જ. 15 જાન્યુઆરી 1877; અ. 21 ડિસેમ્બર 1956) : અમેરિકન મનોવિજ્ઞાની. ઇન્ડિયાના યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી લૉસ એન્જિલીઝ સ્ટેટ નૉર્મલ સ્કૂલમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર તરીકે સેવાઓ આપી હતી. ચાર વર્ષ પછી તેઓ સ્ટૅનફર્ડ યુનિવર્સિટીમાં જોડાયા હતા. ત્યાં માનસિક કસોટીઓ અને બક્ષિસવાળાં કે પ્રતિભાવાળાં બાળકો અંગેનાં સંશોધનો તેમણે કર્યાં હતાં. ટર્મને પોતે 1930માં લખ્યું છે કે તેમના મૃત્યુ પછી પણ જો લાંબા સમય સુધી કોઈ તેમને યાદ કરશે તો તેનું કારણ એટલું જ હશે કે તેમણે પ્રતિભાશાળી બાળકોની માનસિક કસોટીઓના અને લૈંગિક તફાવતોના મનોવિજ્ઞાનમાં  યોગદાન કર્યું હતું. અપવાદરૂપ બાળકોની માનસિક શક્તિઓ વિશેનું જ્ઞાન ટર્મને પ્રયોજેલી કસોટીઓને લીધે શક્ય બન્યું છે.

તેમના જમાનામાં પ્રવર્તતું માનસિક કસોટીકરણ અને માનસિક માપન બાલ્યાવસ્થામાં હતું. તેમાં વધુ ને વધુ સુધારાને અવકાશ છે. આ અંગે વધુ આગાહી કરતાં ટર્મને જણાવ્યું છે કે ભવિષ્યમાં કિંડરગાર્ટનના તબક્કાથી યુનિવર્સિટીના શિક્ષણના તબક્કા સુધી ઘણી-બધી રીતે ઘણાબધા સમય સુધી કસોટીઓ દ્વારા વધુ ને વધુ બાળકોની અને યુવાનોની વિવિધ શક્તિઓનું વ્યાપક માપન થશે. શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શનમાં માનસિક કસોટીઓનો વ્યાપક ઉપયોગ થશે. અપરાધી અને વિકૃત થયા પૂર્વે જ વ્યક્તિઓની તે અંગેની પૂર્વવૃત્તિનું પણ માપન શક્ય બનશે તેવું ટર્મને દર્શાવ્યું છે; એટલું જ નહિ, પણ ટર્મન મુજબ અર્થશાસ્ત્રના સિદ્ધાંતોના તેમજ ઔદ્યોગિક પદ્ધતિઓના, રાજકારણના, વહીવટી તંત્રના અને કાનૂનના ક્ષેત્રમાં પણ મનોવૈજ્ઞાનિક કસોટીકરણનો ખૂબ વ્યાપક અને  ઊંડો પ્રભાવ પડશે. શિક્ષણસંચાલન અને શિક્ષણની નીતિઓનો આધાર જ મનોવૈજ્ઞાનિક કસોટીકરણમાં રહેલો છે એમ તેમણે સ્પષ્ટ કહ્યું છે. વીસમી સદીના મનોવિજ્ઞાનમાં એક માનસિક કસોટીકરણ અને બીજું ફ્રૉઇડવાદી મનોવિશ્લેષણ એ બે અભિગમોનો ખૂબ ઊંડો પ્રભાવ પડશે તેમ ટર્મને સ્વીકાર્યું છે.

‘ધ મેઝરમેન્ટ ઑવ્ ઇન્ટેલિજન્સ’ (1916), મેરિલ સાથે લખેલું ‘મેઝરિંગ ઇન્ટેલિજન્સ’ (1937) તેમજ ઑડન સાથે લખેલું ‘ધ ગિફ્ટેડ ચાઇલ્ડ’ (1947) ટર્મનનાં મહત્વનાં પુસ્તકો છે.

માનસિક કસોટીકરણના ઇતિહાસમાં 1880થી 1890 ફ્રાંસિસ ગાલ્ટનનો દાયકો ગણાય છે. 1890થી 1900 સુધીનો દાયકો જે. એમ. કેટલનો ગણાય છે અને 1900થી શરૂ થતો દાયકો ફ્રેન્ચ મનોવિજ્ઞાની બીનેનો ગણાય છે. આલ્ફ્રેડ બીને અને થિયૉફિલ સાઇમને બાળકો માટેની કસોટીઓ બનાવી. જોકે ‘માનસિક કસોટી’ શબ્દનો પ્રથમ ઉપયોગ કેટલે કર્યો હતો. 1916માં ટર્મને બીને-સાઇમન કસોટીને અમેરિકામાં પ્રમાણિત કરી, જેને બીને-સાઇમન કસોટીનું સુધારેલું સ્વરૂપ ગણવામાં આવે છે. ટર્મન અને ટર્મન તેમજ મેરિલ દ્વારા બીને-સાઇમન બુદ્ધિકસોટીઓને 1916, 1937 અને 1960 – એમ ત્રણ વાર સુધારવામાં આવી છે. તેમનો ખૂબ વ્યાપક ઉપયોગ થયો છે.

બીને, સાઇમન, ગોડાર્ડ, ટર્મન, ગેલ્ટન અને ગેસેલે બુદ્ધિનું એક જ પરિમાણ (dimension) સ્વીકાર્યું હતું. સ્પિયરમૅને બુદ્ધિના બે ઘટક – સામાન્ય ઘટક અને વિશિષ્ટ ઘટક–નો સિદ્ધાંત રજૂ કર્યો. થર્સ્ટને અનેક-ઘટકવાદી સિદ્ધાંત રજૂ કર્યો.

ટર્મનની 1937ની સુધારેલી આવૃત્તિમાં બિનગોરા અને અમેરિકામાં વસતા વિદેશીઓનો સમાવેશ ન હતો. તેને લીધે સરેરાશ ગોરા મધ્યમવર્ગીય અમેરિકનો ઉપર જ આ કસોટીઓનો પ્રયોગ કરવામાં આવ્યો તે સ્પષ્ટ છે. 1960માં પણ આ જ પદ્ધતિ પ્રયોજાઈ હતી. જોકે તેમાં ગ્રામવિસ્તાર, શહેરી વિસ્તાર અને મેટ્રોપૉલિટન વિસ્તારનાં બાળકોનો સમાવેશ થયો હતો. એટલે બિનગોરા અને વિદેશીઓને બાદ કર્યા પછી ટર્મન-મેરિલનો નિદર્શ (sample) સમરૂપ તો હતો જ નહિ. બીને-સાઇમન કસોટીને પ્રમાણિત કરવાનો પ્રયત્ન કરતી વખતે ટર્મનનો બુદ્ધિ  અંગેનો ખ્યાલ એવો હતો કે સમસ્યા-ઉકેલમાં અમૂર્ત પ્રતીકોનો વિનિયોગ કરવાની શક્તિ એટલે બુદ્ધિ. બુદ્ધિકસોટીને પ્રમાણિત કરવાની પદ્ધતિમાં ટર્મનનું યોગદાન ઘણું મહત્વનું છે.

બુદ્ધિકસોટીના પાંચ ઉપયોગો જણાવી શકાય : (1) શૈક્ષણિક સિદ્ધિની આગાહી કરવી, (2) સિદ્ધિમાં વિસંગતિઓ તારવવી, (3) વિશિષ્ટ ક્ષતિઓ કે નબળાઈઓ  ઓળખવી, (4) શાળાનાં બાળકોનું વર્ગીકરણ કરી તેમનું સ્થાન નિશ્ચિત કરવું, (5) અસાધારણ પ્રતિભાને ઓળખવી.

બુદ્ધિકસોટીઓ ઊંચી વિશ્વસનીયતા અને યથાર્થતા ધરાવતી હોવી જોઈએ તે સ્પષ્ટ છે અને પસંદ કરેલા નિદર્શો પ્રતિનિધિરૂપ હોવા જોઈએ. મનોમાપન ક્ષેત્રે બીને-સાઇમન, ગેલ્ટન, હૉલ, સ્પિયરમૅન, થર્સ્ટન વેકશલર વગેરેની જેમ ટર્મને બુદ્ધિકસોટીઓના ક્ષેત્રે મહત્વનું યોગદાન કર્યું છે.

મધુસૂદન બક્ષી