ટર્બિડીમિતિ : પારગત (transmitted) પ્રકાશના માપન દ્વારા દ્રાવણમાં અવલંબન (suspension) રૂપે રહેલા કણોની સાંદ્રતા માપવાની વૈશ્લેષિક રસાયણની એક પદ્ધતિ. આ માટે વપરાતા સાધનને આવિલતામાપક (turbiditymeter) કહે છે. જો નિલંબિત કણો દ્વારા થતા પ્રકાશના વિખેરણ(scattering)ને માપવામાં આવે તો તેને નેફેલોમિતિ કહે છે.

જો કોઈ અલ્પદ્રાવ્ય (કે અદ્રાવ્ય) પદાર્થ મોટા કણ રૂપે હોય તો તે દ્રાવણમાં નીચે બેસી જાય છે, પણ જો તે બારીક હોય તો અવલંબનમાં રહે છે અને તેથી આવું દ્રાવણ ડહોળું અથવા દૂધિયું લાગે છે. આને દ્રાવણની આવિલતા કહે છે. આવા દ્રાવણમાંથી પ્રકાશનું પારગમન થવાને બદલે વિખેરણ અને અવશોષણ (absorption) થાય છે અને તેને કારણે પારગત પ્રકાશની તીવ્રતામાં ઘટાડો થાય છે. 1860માં સર જૉન ટિન્ડલે જોયું કે દ્રાવણમાંના સામાન્યપણે ર્દશ્યમાન ન હોય તેવા નિલંબિત કણો ઉપર પ્રકાશની તીવ્ર કિરણાવલી ફેંકવામાં આવે અને બાજુએથી જોવામાં આવે તો એ કણો આપાત પ્રકાશના અમુક ભાગનું પરાવર્તન કે વિખેરણ કરે છે અને એ રીતે તેમની હાજરી પારખી શકાય છે. આ રીતે પ્રકાશનાં કિરણોનું વિખેરણ કણોની સાંદ્રતા અને કણમાપાનુસાર વિતરણ પર તેમજ નમૂનામાંની પ્રકાશની પથલંબાઈ ઉપર આધાર રાખે છે.

આવિલતામાપકની રચના આકૃતિમાં દર્શાવી છે :

ટર્બિડીમિતિ

ઘણી વાર અવક્ષેપિત પદાર્થનું સ્થાયી અને પુન:પ્રાપ્ય અવલંબન બનાવી શકાતું ન હોવાથી આવિલતામિતિ અતિ ચોક્કસ પદ્ધતિ નથી. તેની ચોકસાઈ (accuracy) અને પરિશુદ્ધિ (precision) લગભગ ± 5 %થી 10 % જેટલી હોય છે; પણ તે કેટલાંક તત્વો અથવા સમૂહોના નિર્ધારણ માટેની એક સંવેદનશીલ પદ્ધતિ બની રહે છે; જેમ કે, બેરિયમ અથવા સલ્ફેટના બેરિયમ-સલ્ફેટ તરીકે, સિલ્વર અથવા ક્લોરાઇડના સિલ્વર ક્લોરાઇડ તરીકે કે ફૉસ્ફેટના સ્ટ્રિક્નિન ફૉસ્ફોમોલિબ્ડેટ તરીકેના નિર્ધારણમાં આ પદ્ધતિ દસ લાખે અમુક ભાગ (part per million) જેટલા અલ્પ જથ્થાનું નિર્ધારણ કરી શકે છે.

આ માટે જાણીતાં માનકો સાથે સીધી સરખામણી કરીને અથવા ફોટોઇલેક્ટ્રિક સાધનો વડે આવિલ દ્રાવણો દ્વારા પારગત પ્રકાશ માપીને અંકિત આલેખ પરથી અજ્ઞાતની સાંદ્રતા જાણી શકાય છે. પાણીની આવિલતા માપવા માટેનાં જૅક્સન કૅન્ડલ આવિલતામાપકમાં અને ચાક્ષુષ (visual) – ‘પાર’ (parr)-સલ્ફર આવિલતામાપકમાં, આવિલ પ્રવાહી દ્વારા પ્રકાશને અટકાવતા દ્રાવણના સ્તરની ઊંચાઈ માપી તેને પ્રમાણભૂત અવલંબન ધરાવતા દ્રાવણની ઊંચાઈ સાથે સરખાવીને સાંદ્રતા નક્કી કરવામાં આવે છે.

આ પદ્ધતિનો ઉપયોગ કુદરતી પાણી તેમજ પ્રક્રમણ પ્રવાહો(processing streams)માં રહેલા અવલંબિત પદાર્થોના નિર્ધારણમાં, પીણાંની નિર્મળતા નિયંત્રિત કરવામાં, પ્રદૂષણનિયંત્રણ-પ્રણાલીમાં, ચામડાં કમાવવાની વિધિમાં, બૉઇલર માટેના પાણી તેમજ નકામા પાણીની માવજતમાં અને જીવાણુઓનો વૃદ્ધિદર માપવામાં થાય છે. કોલસો, તેલ અને અન્ય કાર્બનિક પદાર્થોમાં રહેલા સલ્ફરનું બેરિયમ-સલ્ફેટ તરીકે પ્રમાણ નક્કી કરવામાં પણ આ પ્રવિધિ વપરાય છે.

જ. દા. તલાટી