ટમેટાં : દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી (કંટકાર્યાદિ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lycopersicon, lycopersicum (L) Karst ex Farewell syn. L. esculentum mill.; solanum lycopersicum L. (સં રક્તવૃન્તાક; હિ. બં ટમાટર, વિલાયતી બૈંગન; ગુ. ટમેટાં, મ. વેલવાંગી; અં. ટમાટો, લવઍપલ) છે. ટમેટાંનું ઉદભવસ્થાન પેરૂ અને મૅક્સિકો છે. તે યુરોપ થઈને ભારતમાં આવ્યાં છે. તેનાં ખાદ્ય ફળો માટે સમગ્ર વિશ્વમાં તેને ઉછેરવામાં આવે છે.
તે બહુશાખિત, ફેલાતો, રોમિલ (pubescent) અને 30 સેમી.થી 150 સેમી. ઊંચો છોડ છે. તેનાં પર્ણો ઉગ્ર લાક્ષણિક ગંધવાળાં, ભૂખરાં, લીલાં, વાંકડિયાં અસમ પક્ષવત્ નિદર (pinnatisect), દંતુર (dentate) અને એકાંતરિત હોય છે. પુષ્પો ચક્રાકાર અને પીળા રંગનાં તથા બહુપુષ્પી પરિમિત સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ અનષ્ઠિલ (berry) પ્રકારનાં સરેરાશ 50 ગ્રામ–125 ગ્રામ વજનનાં, કાચાં હોય ત્યારે લીલા રંગનાં અને દીર્ઘરોમી (villose), પરંતુ પાકે ત્યારે ચમકદાર લાલ રંગનાં, ઉપર પાતળી ચમકતી છાલવાળાં, અંદર અસંખ્ય બીજ ધરાવતાં, લાલ ગર્ભ-યુક્ત અને સ્વાદે મધુર-ખાટાં હોય છે. બીજ ચપટાં, મૂત્રપિંડ આકારનાં અને રોમિલ હોય છે. ફળની રસાળતા ટમેટાની જાત પર આધાર રાખે છે.
ટમેટાં પ્રાકૃતિક જાતિ કરતાં વધારે કૃષિજ (cultigen) છે. કૃષિ દ્વારા થયેલી પસંદગી અને સંકરણને પરિણામે તેનાં લક્ષણોમાં એટલો બધો ફેરફાર થયો છે કે તેની પ્રાકૃતિક જાતને ઓળખવી મુશ્કેલ છે. કેટલાંક વાનસ્પતિક લક્ષણોને આધારે તેને ચાર ઉપજાતિઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે : ટિપિક્સ, ગૅલેની, હમ્બોલ્ડ્ટી અને ઇન્ટરમિડિયમ. કૃષિમાં વવાતી ઉપજાતિ ટિપિકસ છે, જે પાંચ પ્રકાર (variety) ધરાવે છે. કૉમ્યુન (સામાન્ય ટમેટાં), સિરેસિફૉર્મી (ચેરી ટમેટાં), ગ્રાન્ડીફોલિયમ (મોટાં પર્ણોવાળાં ટમેટાં), પાયરિફૉર્મી (નાસપાતી ટમેટાં) અને વૅલિડમ (ઊભાં ટમેટાં). અન્ય સંવર્ધિત પ્રકારો ‘સિરેસિફૉર્મી’ પ્રકાર અને બીજી જાતિ સાથે સંકરણ થતાં ઉદભવી હોવાનું મનાય છે. સિરેસિફૉર્મીનાં પુષ્પો પંચાવયવી (pentamerous) અને ફળ નાનાં, લીસાં, ગોળ તથા દ્વિકોટરીય (bilocular) હોય છે; જ્યારે કોમ્યુનનાં પુષ્પો ષટ્-અવયવી (hexamerous) અને ફળ બહુકોટરીય હોય છે.
વિવિધ દેશોમાં તેની અસંખ્ય જાતો વાવવામાં આવે છે. તેઓ મોટેભાગે શુદ્ધ-વંશક્રમ (pure-line) પસંદગી અને સંકરણ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. તેઓ સ્થાનિક પર્યાવરણમાં ઊગી શકે છે અને અનુકૂલનશીલતા (adaptability) ધરાવે છે. ટમેટાંનું આરોપણ બટાટા, તમાકુ, Solanum spp અને વૃક્ષ ટમેટાં (Cyphomandra betacea) પર કરવામાં આવે છે. સાઇફોમેન્ડ્રા પરના આરોપણથી વાઇરસરોધી અને ત્રણ વર્ષ સુધી ફળો આપતી જાત ઉત્પન્ન થાય છે. તે વધારે શર્કરા ધરાવતાં અને વધારે સમય ગુણવત્તા ટકાવતાં મોટાં ફળો ધારણ કરે છે. S. stramonifolium પર આરોપણ કરતાં સુકારા-રોધી (wilt-resistant) જાત પેદા થાય છે.
સારણી – 1 : ભારતમાં ઉગાડવામાં આવતાં ટમેટાંની કેટલીક મહત્વની જાતોની લાક્ષણિકતાઓ | |||
ક્રમ | પ્રકાર | ફળની લાક્ષણિકતાઓ | કૃષિવિદ્યાકીય લાક્ષણિકતાઓ |
1 | સૂ (sioux) | ફળ મોટાં (સરેરાશ વજન 125 ગ્રામ) ગોળ, એકસરખાં ચળકતાં લાલ, ઓછાં ખાટાં, કેન્દ્રસ્થ રસાળ ભાગ મોટો. | છોડ મધ્યમ કદનો, ખુલ્લા પ્રકાશમાં થાય, વહેલી પાકતી જાત, પાનખર પાક, 100 દિવસમાં અને વસંત પાક 160 દિવસમાં પાકે, ઉત્પાદન વધારે (મહત્તમ 24,650 કિગ્રા/હે.). |
2. | સુધારેલી મીરુતી | ફળ મધ્યમ કદનાં (સરેરાશ વજન 62.5 ગ્રા.) ચપટાં, સ્હેજ ખાંચવાળાં, ચળકતાં લાલ, બાફવા માટે યોગ્ય, જાળવણીની ગુણવત્તા સારી. | અર્ધવામન, તરુણ હોય ત્યારે ટટ્ટાર, બહુશાખિત, પાનખર અને વસંત પાક તરીકે યોગ્ય, સહિષ્ણુ (hardy), સ્થાનિક જાત કરતાં વાઇરસના રોગો સામેની સહિષ્ણુતા ઓછી. |
3. | પુસા રૂબી (સાઈઔક્સ X) સુધારેલી મીરુતી | ફળ મધ્યમ કદનાં, એકસરખાં લાલ, ખાટી સુવાસ, જાળવણીની ગુણવત્તા સારી. | વહેલી પાકતી જાત, પાનખર પાક 60 દિવસમાં અને વસંત પાક 120 દિવસમાં પાકે, વધારે ઉત્પાદન (21,825 કિગ્રા/હે) આપતી જાત, સ્થાનિક જાતો કરતાં ઓછી વાઇરસ-સંવેદી, પ્રતિકૂળ આબોહવા સામે સહિષ્ણુ. |
4. | મુસા રેડ પ્લસ (હાઈબ્રીડ – 6) (L. escule\nfumax L. pimpinelilfolium) | ફળ નાનાં (12.5 ગ્રા.) અત્યંત લાલ, મીઠાં (5 % જેટલી શર્કરા), વિટામિન ‘સી’ પુષ્કળ પ્રમાણમાં (50-60 મિગ્રા., 100 ગ્રા.). | અર્ધારોહી (semi-climbing), પાનખર પાક માટે અનુકૂળ, વાઇરસ-રોધી, ઉત્પાદન 6720 કિગ્રા/હે, મધ્યમ ફળદ્રૂપ જમીન અનુકૂળ, સ્ટેકિંગ (ખૂંટા મારી આધાર આપવો) જરૂરી. |
5. | લાર્જ રેડ (T-13) | ફળ મધ્યમ કદનાં, લહરદાર (corrugated), ચપટાં, લાલ, ખટાશવિહીન | મધ્યમ-ઋતુુનિષ્ઠ, 128 દિવસમાં પાકે, ઊંચાઈ મધ્યમ, વિપુલ વૃદ્ધિ અને ઉત્પાદન, સારા પ્રમાણમાં હિમરોધી, પાનખર અને વસંત પાક માટે યોગ્ય. |
6. | પૉન્ડરોઝા | ફળ મોટાં, જાંબલી-ગુલાબી રંગનાં, બહુ ઓછાં બીજયુક્ત, રસાળ. | |
7. | ઑક્સહાર્ટ | ફળ મોટાં, હૃદયાકારનાં ગુલાબી-લાલ, રસાળ, બીજ ઓછાં, આનંદદાયી સુવાસ. | |
8. | કિંગ હમ્બર્ટ | ફળ નાસપાતી આકારનાં, સિંદૂરી લાલ, રસાળ. | ગરમ ઋતુ સૌથી અનુકૂળ. |
9. | પ્રિચાર્ડ | ફળ ગોળ, મધ્યમ કદનાં, ચળકતાં લાલ. | ફ્યુઝેરિયમના સુકારા સામે કેટલેક અંશે રોધી. |
10. | માર્ગ્લોબ | ફળ મધ્યમથી મોટા કદનાં, ગોળ ચળકતાં લાલ, અમેરિકામાં ડબ્બાબંધી (canning) માટે સારી જાત ગણાય છે. | અર્ધ-ઉન્નત, સ્વ-કૃંતન (self-pruning) ઉત્પાદન વધારે, ફ્યુઝેરિયમ-રોધી. |
ટમેટાંના છોડ, ફળના કદ, આકાર, રંગ અને ઉપયોગ પ્રમાણે વિવિધ જાતો જોવા મળે છે. પુસારૂબી, પુસાઅર્લીડ્વાર્ફ, જૂનાગઢ રૂબી, અરકા વિકાસ, મરુ ધામ, પંજાબ કેસરી જેવી સુધારેલી જાતો ઉપરાંત અનેક બીજ-કંપનીની સંકર જાતો પ્રચલિત છે. દા. ત., વૈશાલી, રૂપાલી, રશ્મિ, રજની, ક્રોસ-બી, અવિનાશ 2 વગેરે.
કૃષિ
આબોહવા : ટમેટાં ગરમ ઋતુ, પુષ્કળ સૂર્યપ્રકાશ અને પૂરતા ભેજમાં થાય છે. તે હિમ-સહિષ્ણુ નથી. શુષ્ક ઉષ્ણ પ્રદેશોમાં તેનું વાવેતર સિંચાઈ હેઠળ થાય છે, પરંતુ ગરમ અને શુષ્ક કે ગરમ અને ભેજયુક્ત મહિનાઓ વૃદ્ધિ માટે અનુકૂળ નથી. વધારે ભેજ અને વધારે તાપમાનથી પાનના રોગો માટે તે સંવેદી છે. ફળના રંગના યોગ્ય વિકાસ માટે ગરમ સૂર્યપ્રકાશવાળા દિવસો અને મધ્યમ ઠંડી રાત્રીઓ જરૂરી છે.
જમીન : ટમેટાંના પાકને ગોરાડુ, બેસર કે મધ્યમ કાળી જમીન વધારે માફક આવે છે. સારી નિતારશક્તિ ધરાવતી, સેન્દ્રિય તત્વથી ભરપૂર અને ભેજસંગ્રહશક્તિ સારી હોય તેવી જમીન વધારે અનુકૂળ છે.
પ્રસર્જન : ટમેટાં મોટેભાગે બીજ દ્વારા પ્રજનન કરે છે. તેનાં બીજ નાનાં હોય છે. (સૂ 307690/કિગ્રા; સુધારેલી મીરુતી 4,11,575/કિગ્રા; અને પુસા રેડ પ્લમ 4,40,514/કિગ્રા.). તેઓ સારી રીતે સુકાઈ જાય ત્યારે હવાચુસ્ત પાત્રમાં સંગ્રહવામાં આવે છે. તેમની જીવનક્ષમતા (viability) 3-4 વર્ષની હોય છે.
વાવણી : ટમેટાંના વાવેતર માટે પ્રથમ બીજને ધરુવાડિયામાં તૈયાર કરી 3થી 4 અઠવાડિયાંના ધરુની છોડની વૃદ્ધિ તથા જમીનની ફળદ્રૂપતાને ધ્યાનમાં લઈ 90 x 75, 75 x 60 અથવા 60 x 60 સેમી.ના અંતરે ફેરરોપણી કરવામાં આવે છે. એક હેક્ટર વાવેતરના ધરુવાડિયા માટે 500–700 ગ્રા. બીજ જરૂરી ગણાય છે.
ગરમ ભેજવાળી ઋતુ દરમિયાન તૈયાર કરેલા રોપાને કેટલીક વાર જમીનમાં રહેલી ફૂગ દ્વારા ચેપ લાગતાં આર્દ્રપતન (damping off) કે કાળા પગ (black leg)નો રોગ થાય છે. તેને અટકાવવા જમીનને ફૉર્માલ્ડિહાઇડ(પાઉડર કે દ્રાવણના સ્વરૂપે)ની કે કૉપર સલ્ફેટ, પોટૅશિયમ પરમૅંગેનેટ કે મકર્યુરી ક્લોરાઇડની ચિકિત્સા આપવાની ભલામણ કરવામાં આવી છે. સીરેસન કે કૉપર ઑક્સાઇડની ચિકિત્સા વધારે અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.
ભારતમાં પહાડી પ્રદેશોમાં માર્ચની મધ્યથી માંડી મે કે જૂનમાં મધ્ય સુધીમાં ટમેટાં વાવવામાં આવે છે. જ્યારે મેદાનોમાં ત્રણ પાક લેવામાં આવે છે, બે વહેલા પાક અને એક મુખ્ય પાક : જૂન–ઑગસ્ટમાં પ્રથમ પાક, ઑગસ્ટ –ઑક્ટોબરમાં બીજો પાક અને ઑક્ટોબર–નવેમ્બરમાં ત્રીજો પાક વાવવામાં આવે છે.
ખાતર : હૅક્ટરદીઠ 20 ટન સારું કોહવાયેલું ખાતર તથા નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટાશતત્વો અનુક્રમે 77, 37.5 તથા 62.5 કિગ્રા. આપવામાં આવે છે.
ટમેટાંના રોગો : પશ્ચિમના દેશમાંથી ભારતમાં દાખલ થયેલ ટમેટાના પાકની ખેતી આખું વર્ષ કરવામાં આવે છે. શાકભાજી-ફળમાં તે અગત્યનું સ્થાન ધરાવે છે. આખું વર્ષ ઘનિષ્ઠ ખેતી થતી હોવાથી અનેક રોગોથી તેને દર વર્ષે નુકસાન થાય છે. ભારતમાં ટમેટામાં 20 જેટલા રોગો થાય છે. તે પૈકી નીચેના કેટલાક રોગો દર વર્ષે ખૂબ નુકસાન કરે છે.
1. ટમેટાંનો આગોતરો ઝાળ (early blight): ભારતના ટમેટાં ઉગાડતા દરેક પ્રદેશમાં Aternaria solaniની નામની ફૂગ દર વર્ષે નુકસાન કરે છે.
આ રોગની શરૂઆત નીચેનાં પાન ઉપર છૂટાંછવાયાં નાનાં ભૂરાં ટપકાંથી થાય છે. આવાં ટપકાંની અંદર લીલા ભૂરા રંગની ફૂગની વૃદ્ધિ થાય છે. આ રોગનું મહત્વનું લક્ષણ એ છે કે પાન ઉપર વર્તુળાકારનાં ટપકાં કરે છે. આવાં ટપકાં મોટાં થતાં ભેગાં થઈ, પાન સુકાઈને ખરી પડે છે. રોગને વાતાવરણ અનુકૂળ હોય ત્યારે તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે અને થડ પર પણ ટપકાં કરે છે. ડાળીઓ સુકાઈ જાય છે અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે.
આ રોગનો પ્રાથમિક ચેપ રોગવાળાં બીજ દ્વારા લાગતો હોય છે. આ ફૂગની આછા ભૂરા રંગની કવકજાળ આંતરકોષીય (intercellular) અને કોષાંતરીય (intracellular) વૃદ્ધિ કરે છે, જેની ઉપર બીજાણુદંડ દ્વારા બીજાણુ પેદા થાય છે અને તે હવા મારફતે ફેલાય છે.
રોગનું નિયંત્રણ આ પ્રમાણે કરી શકાય છે : (1) રોગમુક્ત બિયારણનો ઉપયોગ કરવો. (2) બીજને કાર્બનડાઝીમનો પટ આપી વાવણી કરવી. (3) પાકની ફેરબદલી કરવી. (4) છોડ એક માસનો થાય ત્યારે ઝીનેબ 0.2 %ના પ્રમાણમાં ઓગાળી પંદર-પંદર દિવસના અંતરે બેથી ત્રણ છંટકાવ કરવા.
2. પાછતરો (late blight) ઝાળ કે સડો : આ રોગ Phytophthora intestans નામની ફૂગથી થાય છે. ભારતના ટેકરીવાળા પ્રદેશમાં ઠંડી શિયાળુ ઋતુમાં ખાસ જોવા મળે છે. આ રોગની શરૂઆતમાં પાન ઉપર પાણીપોચાં આછાં ભૂરાં ટપકાં થાય છે. વાતાવરણમાં ભેજ હોય તો આવાં ટપકાં આખા પાન તેમજ પર્ણદંડ પર જોવા મળે છે. પાનની કિનારીએ વર્તુળાકાર ટપકાં હોય છે. આવાં ટપકાં પાન ઉપર ઝડપથી ફેલાય છે અને પાન કાળું પડી જાય છે. ટપકાંમાં અને તેની ફરતે સફેદ ફૂગની વૃદ્ધિ જોવા મળે છે. રોગની ઉગ્રતા વધુ હોય તો છોડ થોડા દિવસમાં સુકાઈ જાય છે.
આ રોગનો પ્રાથમિક ચેપ આગળના વર્ષમાં જમીનમાં પડેલ રોગિષ્ઠ પાન અને અન્ય અવશેષો મારફતે લાગે છે અથવા અન્ય યજમાન પરથી પણ આવે છે. સાનુકૂળ વાતાવરણમાં રોગ ઝડપથી ફેલાઈને ડાળી પાન ઉપર અસર કરી છોડનું મૃત્યુ કરે છે.
રોગનું નિયંત્રણ આ પ્રમાણે કરી શકાય : (1) રોગમુક્ત વિસ્તારમાંથી બીજ મેળવવાં અને તાંબાયુક્ત કાર્બનડાઝીમ જેવા ફૂગનાશકનો પટ આપી વાવણી કરવી. (2) રોગ જણાય કે તરત જ કૉપર ફંજીસાઇડ અથવા ઝીનેબનો છંટકાવ કરવો.
3. ટમેટાંનો સુકારો (wilt) : આ Fusarium oxysporum lycopersici નામની જમીનજન્ય ફૂગથી થતો રોગ છે. ટમેટીના રોગ પૈકીનો ખૂબ જ ભયંકર અને નુકસાન કરતો રોગ છે, જે દુનિયાના દરેક ટમેટી ઉગાડતા પ્રદેશમાં જોવા મળે છે. જે વિસ્તારમાં એક જ ખેતરમાં દર વર્ષે ટમેટી ઉગાડવામાં આવે છે ત્યાં એ ખૂબ જ નુકસાન કરે છે.
આ રોગની શરૂઆતમાં પાનની નસો દેખાવા લાગે છે અને પાન પીળાં થાય છે. પર્ણદંડ અને પાન નમી જઈ સુકાઈ જાય છે. સૌપ્રથમ નવી કૂંપળો મૂરઝાઈ, ડાળીઓ સુકાઈને, છોડ થોડા દિવસોમાં મરી જાય છે. આ અવસ્થામાં મૂળ અને થડને ફાડીને જોતાં તેમાં ઝાંખી ભૂરી અથવા કાળી ફૂગની વૃદ્ધિ જલવાહક અને અન્નવાહક પેશીમાં જોવા મળે છે. આ ફૂગ આંતરકોષીય અને કોષાંતરીય હોય છે. આ ફૂગ યજમાનની ગેરહાજરી કે પ્રતિકૂળ વાતાવરણમાં મૃતોપજીવી જીવન જમીન કે પાકના અવશેષોમાં ચાલુ રાખે છે. તે યજમાન વનસ્પતિને અનુકૂળ તાપમાન અને ભેજવાળા વાતાવરણમાં રોગ કરી નુકસાન કરે છે.
નિયંત્રણના ઉપાય : આ ફૂગ (વ્યાધિજન) મૃતોપજીવી અવસ્થામાં વર્ષો સુધી જમીનમાં જીવંત રહેતી હોવાથી તેનો નાશ કરવો મુશ્કેલ છે, તેથી પ્રતિકારક જાતોની વાવણી કરવી એક સહેલો ઉપાય છે.
4. બૅક્ટેરિયાથી થતો સુકારો : આ ટમેટાના સુકારાનો રોગ Pseudomonas Solanacearum નામના બૅક્ટેરિયાથી થાય છે. ટમેટી ઉગાડતા દરેક પ્રદેશમાં એ જોવા મળે છે. કેટલાક વિસ્તારમાં દર વર્ષે રોગની તીવ્રતા વિશેષ રહેવાથી ખૂબ જ નુકસાન થાય છે તેથી ટમેટીની ખેતી બંધ થઈ જાય છે.
આ રોગના બૅક્ટેરિયા કુદરતી છિદ્રો કે જખમો દ્વારા મૂળમાં આવેલા વાહીપુલોની અન્નવાહક અને જલવાહક પેશીમાં વૃદ્ધિ કરે છે. તેથી પોષક દ્રવ્યો અને પાણીના વહનમાં અવરોધ થતાં વનસ્પતિ મૂરઝાઈને સુકાઈ જાય છે અને મૃત્યુ પામે છે. ચેપ શરૂ થતાં ખૂબ નુકસાન થાય છે.
નિયંત્રણ માટે : (1) રોગમુક્ત બિયારણનો ઉપયોગ કરવો. (2) ટમેટાં, બટાટા અને રીંગણ જેવા યજમાન પાકો રોગગ્રસ્ત ખેતરમાં ત્રણ વર્ષ સુધી ન લેવા અને (3) રોગપ્રતિકારક જાતોની વાવણી કરવી.
5. ધરુમૃત્યુ કે આર્દ્ર પતન : ટમેટાંનો ધરુમૃત્યુનો આ રોગ Pythium ophanidermatum નામની ફૂગથી થાય છે. આ ફૂગ જમીનજન્ય છે. શાકભાજી વર્ગના પાકોની ખેતી ધરુ ઉગાડી, ફેરરોપણીથી થાય છે તેમાં ધરુમૃત્યુ ખૂબ જ નુકસાન કરતો રોગ છે. રોગ ઝડપથી ફેલાઈ જતો હોવાથી નિયંત્રણનાં પગલાં લેવા છતાં ધરુ બચાવી શકાતું નથી અને રોપણી સમયે ધરુના પૂરતા છોડ મળતા નથી.
આ રોગની શરૂઆત થતાં છોડ પાણીપોચા આછા લીલા રંગના દેખાય છે. જેમ જેમ ઉપદ્રવ વધે છે તેમ તેમ ધરુના છોડ કોહવાઈ જતાં નમી પડે છે અને છેવટે આખો છોડ કોહવાઈ જઈ નાશ પામે છે. આવા રોગિષ્ઠ છોડની પાસેના છોડને પણ ચેપ લાગે છે અને તે પણ કોહવાવા માંડે છે. આકાશ વાદળછાયું હોય, ઝરમર ઝરમર વરસાદ પડતો હોય અને ધરુવાડિયામાં પાણી ભરાઈ રહે તેવી જગાએ રોગની તીવ્રતા વધુ હોય છે ત્યારે આ રોગ ઝડપથી ચારેય દિશામાં કૂંડીના રૂપમાં ફેલાય છે. આમ ધરુમૃત્યુનું કૂંડાળું દિવસે દિવસે મોટું થતું જાય છે.
નિયંત્રણ માટેના ઉપાયો : (1) એક જગ્યાએ દર વર્ષે ધરુવાડિયું કરવું નહિ. (2) સારી નિતારવાળી, વરસાદનું પાણી ભરાઈ ન રહે તેવી જગ્યાએ ધરુવાડિયું કરવું. (3) ધરુવાડિયું ઉછેરતાં પહેલાં પાકના અવશેષો ભેગા કરી રોગકારકનો જમીનમાં બાળીને નાશ કરવો અને (4) રોગનાં ચિહ્નો જણાય કે તરત જ 3 % બોર્ડો મિશ્રણ દર ચોરસ મીટરમાં 3 લિટર પ્રમાણે અથવા રીડોમિલ 2 કિલો પ્રતિ હેક્ટરે એટલે કે 10 ગ્રામ દવા 100 લિટર પાણીમાં ઓગાળી પ્રતિ ચોરસ મીટરમાં 3 લિટર પ્રમાણે છાંટવામાં આવે છે.
6. ડાળી અને ફળનાં બળિયા ટપકાં : આ રોગ Corynebacterium michiganense નામના બૅક્ટેરિયાથી થાય છે. આ રોગ અમેરિકા, યુરોપ, રશિયા, ઑસ્ટ્રેલિયા, આફ્રિકા અને ભારતના કેટલાક ભાગમાં દર વર્ષે જોવા મળે છે. આ રોગ શીતળાના રોગ તરીકે પણ ઓળખાય છે.
આ રોગ જમીનની ઉપરના દરેક ભાગ ઉપર આક્રમણ કરી શકે છે. રોગની શરૂઆતમાં ડાળી, પર્ણદંડ અને ફળ ઉપર લાલ કથ્થાઈ રંગની ઊપસી આવેલ પટ્ટી કે ડાઘા જોવા મળે છે. આવી પટ્ટી કે ડાઘાની સંખ્યામાં વૃદ્ધિ થતાં કેટલીક વાર આખી ડાળી કે ફળ ઊપસી આવેલા કાળા ડાઘાથી છવાઈ જાય છે. છોડના કુમળા ભાગ, ડાળી અને ફળ સહેલાઈથી રોગનો ભોગ બને છે. રોગિષ્ઠ ડાળી અથવા પર્ણદંડને કાપવામાં આવે તો તેમાં પીળું જીવાણુ સાથેનું પ્રવાહી કાપેલા ભાગ પર જોવા મળે છે. ફળ પર રોગની શરૂઆતમાં પાણીપોચા ડાઘાની ફરતે સફેદ આભાસ જોવા મળે છે, જે વૃદ્ધિ થતાં બેઠેલા ઘેરા ભૂખરા રંગના બળિયાના ડાઘા જેવા થતાં ફળનો ઘણો વિસ્તાર આવરી લે છે.
નિયંત્રણના ઉપાયો : (1) પ્રાથમિક ચેપ બીજ મારફતે લાગતો હોવાથી બીજને ગરમ પાણીની માવજત અથવા જીવાણુનાશકનો પટ આપી ધરુવાડિયું તૈયાર કરાય છે અને (2) રોગ જણાય કે તરત જ 500 પી.પી.એ. સ્ટ્રેપ્ટોસાઇક્લીનનો છંટકાવ કરાય છે, બીજો છંટકાવ દશ દિવસ બાદ થાય છે.
7. ફળનો સડો (rot) : ટમેટાના ફળને ફાયટોફ્થોરાની ત્રણ જાતિ, ફ્યુઝેરિયમ, અલ્ટરનરિયા, રાઇઝોપસ પ્રજાતિની ફૂગ અને ઇર્વિનિયા પ્રજાતિના બૅક્ટેરિયા સડાનો રોગ કરે છે. આ ફળનો સડો ભેજવાળા વાતાવરણમાં ખૂબ જ નુકસાન કરે છે.
આ ફળનો સડો જમીનના સંપર્કમાં રહેલાં ફળો, સંગ્રહાલયોમાં, ખેતરમાં તેમજ ઉતારી લીધા બાદ બજારમાં લઈ જતાં સડી જાય છે. જો ફળને ઉતારી વ્યવસ્થિત હવાઉજાસમાં ભરવામાં ન આવે તો ફળ સડી જવાથી ખૂબ જ નુકસાન થાય છે.
નિયંત્રણના ઉપાયો : (1) ફળને જમીનના સંપર્કથી દૂર રાખવાં અને (2) ફળને ઉતારીને હવાઉજાસવાળાં સાધનોમાં બજારમાં મોકલવાં.
8. મૂળનો ગંઠવા કૃમિનો રોગ : Meloidogyne hapla નામનાં કૃમિ મૂળમાં ગાંઠ ઉત્પન્ન કરી મૂળને ગંઠવા કૃમિનો રોગ લાગુ પાડે છે.
ટમેટાના મૂળમાં આ કૃમિ પ્રવેશ કરી તેનાં મૂળ અને પાર્શ્ર્વ મૂળોમાં ગાંઠ કરે છે; તેથી છોડની વૃદ્ધિ અટકી જાય છે અને ખૂબ ઓછાં ફળ બેસે છે. આવા છોડના મૂળ ઉપર અસંખ્ય ગાંઠ જોવા મળે છે. રોગિષ્ઠ છોડ મરી જતો નથી, પરંતુ ખાતર અને પાણીની અછત હોય એવું જણાય છે અને આવા કૃમિના રોગવાળા છોડમાં જમીનજન્ય ફ્યુઝેરિયમ કે મેક્રોફોમા ફૂગ સહેલાઈથી આક્રમણ કરે છે. આમ કૃમિ અને ફૂગના મિશ્ર આક્રમણથી છોડ મરી જાય છે.
આ કૃમિના ઘણા યજમાન પાકો છે. કૃમિ જમીનમાં ઘણાં વર્ષ આરામ અવસ્થામાં રહી જીવંત રહે છે. યજમાન પાકની વાવણી કરતાં જમીનમાં કૃમિની સંખ્યા ઝડપથી વધી જાય છે.
નિયંત્રણ માટેના ઉપાયો : (1) જમીનને ડીડી અથવા ક્લોરોપીકરીનની માવજત આપવી. (2) પાકના થડની ફરતે કાર્બોફ્યુરાન કે થીમેટ 10 જી આપવું. (3) તંદુરસ્ત વિસ્તારમાંથી રોગમુક્ત ધરુ મેળવી વાવણી કરવી. (4) બાજરી, જુવાર જેવા બિન-યજમાન પાકની વાવણી કરવી. (5) ઉનાળામાં જમીનને ઊંડી ખેડ કરી તપાવવી.
9. ટમેટાના વાઇરસ અને માઇકોપ્લાઝમાના રોગો : ટમેટામાં વાઇરસ અને માઇકોપ્લાઝમાના ઘણા રોગો થાય છે. તે પૈકી ભારતમાં નીચે જણાવેલ રોગો જાણીતા છે : 1. ટપકાંનો સુકારો, 2. વામણા છોડ, 3. પાનનો કોકળવા, 4. ચટાપટા અથવા પંચરંગિયો અને 5. મોટી કળી.
(1) ટપકાંનો સુકારો : આ રોગ વાઇરસથી થાય છે જેમાં કુમળા પાનની સપાટી ઉપર કથ્થાઈ કે તાંબાના રંગની પટ્ટીઓ જોવા મળે છે. તે પાનની ટોચ ઉપરથી પર્ણદંડ અને ડાળી તરફ વૃદ્ધિ કરે છે. પાન ધાર પરથી ઉપરની બાજુ વળી જાય છે અને ફળ ઉપર પીળા ડાઘા પડે છે અને ડાળીઓ સુકાઈ જાય છે. આ વિષાણુનો ફેલાવો થ્રીપ્સ ટેબેસી (એક પ્રકારનો કાષ્ઠકીટ) દ્વારા થાય છે.
(2) વામણા છોડ : આ પણ વાઇરસથી થતો રોગ છે. રોગનાં લક્ષણો પરથી રોગનું નામ આપવામાં આવેલ છે. છોડનાં ડાળીપાનની વૃદ્ધિ થતી નથી અને તે બટકો રહે છે. ડાળીનો વિકાસ ન થતાં તેની ડાળીઓ એક જ જગ્યાએ નીકળતી હોવાથી પાનનો ગુચ્છો જોવા મળે છે. અસરગ્રસ્ત ડાળી ઘેરા લીલા રંગની હોય છે. આવા છોડ પર ભાગ્યે જ ફૂલ અને ફળ બેસે છે. રોગની તીવ્રતા વધતાં બટકા છોડ નમી પડે છે અને છેવટે મરી જાય છે.
(3) પાનનો કોકળવા : કોકળવાના વાઇરસના આક્રમણથી પાન નાનાં, કરચલીવાળાં, ગુચ્છેદાર ડાઘવાળાં થાય છે અને અસંખ્ય ટૂંકી ડાળીઓ ફૂટે છે. આવા છોડ વંધ્ય થઈ જાય છે. આ વાઇરસનો ફેલાવો Bemisia gossypiperda નામની સફેદ માખી કરે છે.
(4) પાનનો પંચરંગિયો (mosaic) : જુદા જુદા વાઇરસથી ટમેટાનાં પાન પર ઘેરા લીલા અને પીળા પટ્ટા કે ડાઘા જોવા મળે છે. તેઓ બટાટા, તમાકુ અને વેલાવાળાં શાકભાજીમાં પણ પંચરંગિયો અથવા મોઝેક રોગ કરે છે. તે જીવાત અને છોડના રસ મારફત ફેલાય છે.
(5) મોટી કળી : આ ટમેટાનો મોટી કળીનો માઇકોપ્લાઝ્માથી થતો રોગ દરેક જગ્યાએ જોવા મળે છે. રોગિષ્ઠ ફળ પેદા કરતી કળી વિકૃત, જાડી અને સીધી ઘેરા લીલા રંગની હોય છે. રોગિષ્ઠ છોડ પર ફળ બેસતાં નથી અને બેસે તો તે કઠણ અને માવા વગરનાં થાય છે.
નિયંત્રણ માટેના ઉપાયો : (1) વિષાણુ અને માઇકોપ્લાઝ્માના રોગોથી બચવા પ્રતિકારક જાતોની વાવણી કરવી અને (2) રોગ ફેલાવતી જીવાતનું શોષક પ્રકારની દવા છાંટી નિયંત્રણ કરી રોગ ફેલાતો અટકાવી શકાય છે.
આ સિવાયના ટમેટાના ગૌણ રોગો નીચે પ્રમાણે છે જે નહિવત્ પ્રમાણમાં અથવા અમુક વિસ્તારમાં જ કોઈક વાર નુકસાન કરે છે :
(1) ઘાટા પાનનો રોગ : આ રોગ Cladosporium fulvum નામની ફૂગથી થાય છે.
(2) ભૂકી છારો : આ રોગ Leveillula tairica નામની ફૂગથી થાય છે.
(3) મૂળનો સડો : આ રોગ Microformina phascohi નામની ફૂગથી થાય છે.
(4) સુકારો : આ રોગ Sclerotium rolfsii નામની ફૂગથી થાય છે.
(5) જીવાણુના પાનનાં ટપકાં : આ રોગ Xanthomonas campestria var vesicatoria નામના બૅક્ટેરિયાથી થાય છે.
ટમેટીની જીવાત : ટમેટાંના પાકમાં રોપણીથી કાપણી દરમિયાન ઘણી જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે, જેના કારણે ઉત્પાદન અને ગુણવત્તા પર માઠી અસર થાય છે. ટમેટાંની મુખ્ય જીવાતો પૈકી લીલી ઇયળ અને સફેદ માખીથી પાકને ખૂબ જ નુકસાન થાય છે. આ ઉપરાંત તડતડિયાં, મોલો-મશી, થ્રિપ્સ, ચીકટો, સ્પોડોપ્ટેરા, એપીલેકનાં બીટલ, પાનનાં ચૂસિયાં, ફળનો રસ ચૂસનારાં ફૂદાં, ફળમાખી અને કથીરી જેવી જીવાતોના ઉપદ્રવથી પાક્ધો નુકસાન પહોંચે છે.
ફળનિર્માણ અને વનસ્પતિ–વૃદ્ધિનિયંત્રકો : β – નેફથૉક્સિ ઍસેટિક ઍસિડ (β-NAA), α–કલોરોફીનૉકિસ ઍસેટિક ઍસિડ (α-CPAA), અને γ -(ઇન્ડોલ-3)- બ્યુટિરિક ઍસિડ (γ–IBR) ફળના નિર્માણની સુધારણા માટે ઉપયોગમાં લેવાતા વૃદ્ધિનિયંત્રકો છે. જો પુષ્પના વિકાસના યોગ્ય તબક્કાએ યોગ્ય સાંદ્રતાએ તેમનો ઉપયોગ કરવાથી અપરાગફલન (parthenocarpy)ની રીતે બીજરહિત ફળ ઉત્પન્ન થાય છે; જે બાહ્ય સ્વરૂપમાં લગભગ સામાન્ય હોય છે. અંત:સ્રાવો પુષ્પનિર્માણથી માંડી ફળનિર્માણના સમયગાળાને ઘટાડી વહેલું ઉત્પાદન કરે છે.
લણણી અને ઉત્પાદન : ટમેટાંના પાકની ફેરરોપણી કર્યા પછી લગભગ અઢી મહિને ફળ ઉતારવાની શરૂઆત થાય છે. ટમેટાંનું સરેરાશ ઉત્પાદન હેકટરે 35થી 45 ટન જેટલું મળે છે. સંકરજાતોમાં 75થી 80 ટન સુધી ઉત્પાદન મળી શકે છે.
રાસાયણિક બંધારણ : ફળનું રાસાયણિક બંધારણ ટમેટાની જાત અને પરિપક્વતાના તબક્કા પર આધારિત છે. ફળ સરેરાશ 85.4 % ગર અને 6-7 % કુલ ઘન ઘટકો ધરાવે છે. પાકાં ફળોના ખાદ્ય ભાગનું વિશ્લેષણ આ પ્રમાણે છે: પાણી 94.5 %, પ્રોટીન 1.0 %, મેદ 0.1%, કાર્બોદિતો 3.9 % અને ખનીજ દ્રવ્ય 0.5 %, સોડિયમ 2.8 મિગ્રા, પોટૅશિયમ 288 મિગ્રા., કૅલ્શિયમ 10 મિગ્રા., મૅગ્નેશિયમ 11.0 મિગ્રા., ફૉસ્ફરસ 20 મિગ્રા., કૉપર 10 મિગ્રા., સલ્ફર 10.7 મિગ્રા., ક્લોરિન 51.0 મિગ્રા., લોહ 0.1 મિગ્રા., કૅરોટિન (વિટામિન ‘એ’ તરીકે) 320 આઈ.યુ., થાયેમિન 120 માઇક્રો ગ્રા., નિકોટિનિક ઍસિડ 0.4 મિગ્રા., રાઇબોફ્લેવિન 60 માઇક્રો ગ્રા., નાયેસિન 1.20 મિગ્રા. ઍસ્કોર્બિક ઍસિડ 32 મિગ્રા. અને કૅલરી 23.33/100 ગ્રા. આ ઉપરાંત ફળ ફૉલિક ઍસિડ, પેન્ટોથેનિક ઍસિડ, બાયૉટિન, વિટામિન ‘કે’ અને વિટામિન ‘ઈ’ સાથે સંબંધિત ઇન્હિબિટોલ ધરાવે છે.
ટમેટાંમાં અત્યંત અલ્પ પ્રમાણમાં મળી આવતાં અન્ય ખનીજ દ્રવ્યોમાં ઍલ્યુમિનિયમ, મૅંગેનિઝ, કૉબાલ્ટ, ઝિંક, બોરોન, આર્સેનિક અને આયોડિનનો સમાવેશ થાય છે.
પાકાં ફળ મુખ્ય શર્કરાઓ તરીકે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ તથા થોડાક પ્રમાણમાં સુક્રોઝ અને રેફિનોઝ (કીટોહૅપ્ટોઝ શર્કરા) ધરાવે છે. પૉલિસૅકેરાઇડોમાં સૅલ્યુલોઝ, પૅક્ટિન, ઍરેબન-ગૅલેક્ટન મિશ્રણ અને ઝાયલેનનો સમાવેશ થાય છે. ફળ પાકવાની ક્રિયાની સાથે સાથે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વધે છે; અને સ્ટાર્ચ અર્દશ્ય થાય છે. ફળના ગઠન અને ર્દઢતા પૅક્ટિક ઘટકો પર આધારિત હોય છે.
ટમેટાંમાં મુખ્ય કાર્બનિક ઍસિડ, સાઇટ્રિક ઍસિડ છે. મૅલિક ઍસિડ પણ ઠીક ઠીક પ્રમાણમાં હોય છે. આ બંને ઍસિડો સાઇટ્રેટ મૅલેટના સ્વરૂપે હોય છે. ઍસેટિક ફૉર્મિક, લૅક્ટિક, સક્સિનિક અને ઍરેબિક ઍસિડો અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. બગડેલા ફળમાં ઑકક્ષેલિક અને ટાટર્રિક ઍસિડોની હાજરી જાણવા મળી છે.
ટમેટાંમાં કૅરોટિનૉઇડો, β – કેરોટિન અને લાયકોપીન મુખ્ય રંજકદ્રવ્યો છે. સારણી-2માં કાચા, અર્ધ-પક્વ અને પૂર્ણપક્વ ફળમાં આવેલાં રંજકદ્રવ્યો (મિગ્રા/100 ગ્રામ) દર્શાવવામાં આવ્યાં છે.
સારણી 2 : કાચાં, અર્ધપક્વ અને પૂર્ણપક્વ તાજાં ફળોમાં વિવિધ રંજકદ્રવ્યોનું પ્રમાણ |
|||
રંજક દ્રવ્ય | કાચાં | અર્ધપક્વ | પૂર્ણપક્વ |
લાયકોપીન | 0.11 | 0.84 | 7.85 |
કૅરોટિન | 0.16 | 0.43 | 0.73 |
ઝેન્થોફિલ્સ | 0.02 | 0.03 | 0.06 |
ઝેન્થોફિલ ઍસ્ટર | 0.00 | 0.02 | 0.10 |
ટમેટાંમાં ટમાટિન (C50H83(81)O21N, ગલનબિં. 270o સે.) નામનું ગ્લુકો-આલ્કેલૉઇડ અને અત્યંત અલ્પ પ્રમાણમાં સોલેનિન (C45H73O15N, ગલનબિં. 285o સે.) હોય છે. કાચાં ફળોમાં નાર્કોટિનની હાજરી જણાઈ છે. પર્ણોમાં ટમાટિનની પ્રમાણમાં ઊંચી સાંદ્રતા (0.59-0.81 મિગ્રા/100 ગ્રા.) હોય છે. ટમાટિનનો કોલેસ્ટૅરોલમાં અવક્ષેપન પ્રક્રિયક (precipitating agent) તરીકે ઉપયોગ થાય છે.
ટમેટાંના બીજમાં પણી 8.9 %, પ્રોટીન 27.62 %, મેદ 24.40 %, લેસિથિન 0.56 %, N-મુક્ત નિષ્કર્ષ 21.41 %, રેસા 13.60 % અને ભસ્મ 4.02 % હોય છે. પીલેલા બીજમાંથી પ્રાપ્ત થતું તેલ (ઉત્પાદન 15-17 %) બદામી કે રતાશ પડતું હોય છે અને ઉગ્ર વાસ ધરાવે છે. તેમાં અસંતૃપ્ત મેદીય અમ્લો (મુખ્યત્વે ઑલીક અને લિનૉલીક) 76.1–80.6% જેટલાં અને સંતૃપ્ત મેદીય અમ્લ 14.7–18 % હોય છે. પરિષ્કૃત અને વિરંજિત (bleached) તેલનો કચુંબરના તેલ તરીકે અને માર્ગારિન તથા સાબુ બનાવવામાં અને રંગ-ઉદ્યોગમાં ઉપયોગ થાય છે.
ટમેટાંના બીજમાં α–ગ્લોબ્યુલિન (13.97 %) અને β–ગ્લોબ્યુલિન (10.65 %) નામનાં પ્રોટીન હોય છે. તેમાં આર્જિનિન મુખ્ય ઍમિનો-ઍસિડ છે. આલ્બ્યુમિન અને ગ્લુટેલિન હોતાં નથી. તેના ખોળ (પ્રોટીન 37 %)નો ઉપયોગ ઢોરોના ખોરાક અને ખાતર તરીકે થાય છે.
ઉપયોગો : ટમેટાં એક ખૂબ જ અગત્યનો શાકભાજીનો પાક છે.
ડબ્બાબંધી (canning): મધ્યમ કદનાં, નિયમિત આકારનાં, લાલ રંગનાં, ઘટ્ટ ગરવાળાં અને આનંદદાયી સુવાસવાળાં ટમેટાં ડબ્બાબંધી માટે પસંદ કરવામાં આવે છે. ડબ્બાબંધીથી વિશલ્કિત (peeled) ફળો ર્દઢ રહે છે.
ટમેટાંનો રસ : તે એક અત્યંત રુચિકર અને પોષક પીણું છે. કેટલીક વાર તેમાં મસાલા ઉમેરી સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. તેને ‘ટમાટર જ્યૂસ કૉકટેઇલ’ કહે છે. ટમેટાના રસનું નિર્જલીકરણ કરી ટમેટાંના રસનો પાઉડર તૈયાર કરવામાં આવે છે.
ટમેટાંની ચટણી (ketchup) : ઘેરા લાલ રંગનાં ટમેટાંના ગરને ડુંગળી, લસણ, લવિંગ, એલચી, કાળાં મરી, જીરું, તજ અને જાવંત્રી ઉમેરી ઇચ્છિત ઘટ્ટતા પ્રાપ્ત થાય ત્યાં સુધી રાંધી પ્રવાહી ચટણી તૈયાર કરવામાં આવે છે.
ટમેટાંના સૂપ : ફળના ગરનું સોડિયમ બાઇકાર્બોનેટ દ્વારા અંશત: તટસ્થીકરણ કરી તેને ગરમ કરવામાં આવે છે. તેમાં મસાલાઓ, ઍરોરૂટ (Maranta arundinacea) અને માખણ ઉમેરવામાં આવે છે, ઇચ્છિત ઘટ્ટતા પ્રાપ્ત થાય ત્યારે મીઠું અને ખાંડ ઉમેરી બે મિનિટ તેને ઉકાળવામાં આવે છે.
ટમેટાનો ફળપેષ (pomace) : ફળો પર પ્રક્રિયા કરતાં રહી ગયેલા શેષ તરીકે ટમેટાંની છાલ, ગર અને પિલાયેલાં બીજને ફળપેષ કહે છે. તેને સૂકવીને ઢોરોના ખોરાક તરીકે મુખ્યત્વે તેનો ઉપયોગ કરવામાં આવે છે. શુષ્ક ફળપેષના એક વિશ્લેષણ મુજબ તેમાં કુલ શુષ્ક દ્રવ્ય 94.7 %, પ્રોટીન 22.6 %, મેદ 14.5 %, N-મુક્ત નિષ્કર્ષ 23.8 %, રેસા 30.5 %, અને ખનિજ-દ્રવ્ય 3.3 %, પચનીય (digestible) પ્રોટીન 16.0 % અને કુલ પચનીય પોષકો 56.6 %, પોષક ગુણોત્તર 2.5 %. ફળપેષ થાયેમિન, રાઇબૉફ્લેવિન અને કૅરોટિન ધરાવે છે.
સ્વાસ્થ્ય માટે પારજનીનીય (transgenic) ટમેટાં : ‘પુસારુબી’ નામની ટમેટાની જાતમાં ઍગ્રોબૅક્ટેરિયમની મધ્યસ્થીથી ‘ઑસ્મોટિન’ જનીન દાખલ કરવામાં અવતાં તે અતિશય ઠંડીને કારણે ઉદભવતા પ્રતિબળ(stress)ને સહન કરી શકે છે. ‘FLAVAR SAVR’ નામની ટમેટાંની પારજનીનીય જાતમાં સુગંધી વિપુલ પ્રમાણમાં હોય છે અને પાક્યા પછી લાંબા સમય સુધી સુગંધી ટકી રહે છે.
જનીનઇજનેરી દ્વારા ઉત્પન્ન કરેલ GCHI+/At+ADCS+ નામની જાત સામાન્ય જાત કરતાં 19 ગણા ફૉલેટનું વધારે સર્જન કરે છે. દ્વિપારજનીનીય (જેમાં બે વિદેશી જનીનો દાખલ કરવામાં આવ્યાં હોય તેવી જાત) ટમેટાં 840 માઇક્રોગ્રા/100 ગ્રા. ફૉલેટ ધરાવે છે. આ જાતમાં લીલાં પાનવાળાં શાકભાજી કરતાં સાતગણું વધારે ફૉલેટ હોય છે. તેની ન્યૂનતાથી અયુક્ત મેરુદંડ (spinabifida) જેવા જન્મજાત રોગો સહિત મહાલોહિત કોષજનિત (megaloblastic) પાંડુતા, હૃદયવાહિકીય રોગો અને કેટલાક પ્રકારના કૅન્સર જેવા રોગો થઈ શકે છે. ફૉલેટની ન્યૂનતાની અસર વિકાસશીલ દેશોમાં સૌથી વિશેષ છે; જ્યાં દર વર્ષે બે લાખ બાળકો જન્મજાત ત્રુટિઓ સાથે જન્મે છે.
ઔષધીય મહત્વ : ટમેટાંમાં રહેલાં વિવિધ પોષક ઘટકોને કારણે તેનું ઔષધીય મૂલ્ય ઘણું વધારે છે. તેને કારણે ઘણા રોગોનો પ્રતિકાર કરી શકાય છે.
કૅન્સર : જે લોકો ટમેટાં અને તેની ઊપજોનો આહારમાં વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરે છે તેમને વિવિધ પ્રકારના કૅન્સરનું જોખમ ખૂબ ઓછું રહે છે.
ટમેટાંમાં રહેલાં લાયકોપીન અને β – કેરોટિન સાથે ગાઢ સંબંધ ધરાવતાં બાયૉફ્લેવોનૉઇડો કૅન્સર સામે સંઘર્ષ કરતા કુદરતી પ્રક્રિયકો છે. રાંધવાને કારણે ફળના કોષોમાંથી મેદદ્રાવ્ય લાયકોપીન મુક્ત થાય છે અને તેની અસર વધે છે. પીઝા કે ટમેટાંના સૉસમાં અલ્પ પ્રમાણમાં તેલ ઉમેરતાં રક્ષણાત્મક અસરોમાં વધારો થાય છે. વળી, ટમેટાંમાં રહેલું વિટામિન ‘સી’ કૅન્સરરોધી સુરક્ષા ક્રિયાવિધિમાં મહત્વનો ભાગ ભજવે છે : તે નાઇટ્રેટ અને ઍમાઇનનું નાઇટ્રો-સેમાઇન(સક્ષમ કૅન્સરજન)માં થતું નિર્માણ અટકાવે છે; N-મિથાઇલ-N-નાઇટ્રોસોગ્વાનિડિનનો નાશ કરી મૂત્રાશયના કૅન્સર સામે રક્ષણ આપે છે; કૉલેજનના ઉત્પાદનમાં જરૂરી છે., જે કૅન્સરયુક્ત પેશીની ફરતે દીવાલ રચી શરીરનું રક્ષણ કરે છે; કૅન્સરના કોષોના પ્રસરણ(metastasis)ની ક્રિયાનું ઉદ્દીપન કરતા હાયેલ્યુચેનિડેઝ નામના ઉત્સેચકનું તટસ્થીકરણ કરે છે. સિગારેટના ધુમાડામાં રહેલાં ઝેરી કૅન્સરજનોનું તટસ્થીકરણ કરે છે અને પારજાંબલી પ્રકારની કૅન્સરજનક અસરને ઊલટી દિશામાં વાળે છે.
હૃદયરોગો : ટમેટાંમાં આવેલું લાયકોપીન હૃદવાહિકીય (cardiovascular) રોગનું જોખમ ઘટાડે છે. તે મેદને ઓગાળી ધમની-કાઠિન્ય (atherosclerosis) અટકાવે છે; ઉચ્ચરુધિરદાબમાં ઘટાડો કરી હૃદધમની રોગ અને આઘાત(stroke)ના જોખમને ઘટાડે છે. તે સક્ષમ પ્રતિ-ઉપચાયક (antioxidant) છે અને NO2 મૂલક વડે લસિકાકણોને થતા નુકસાન સામે રક્ષણ આપે છે. તે β – કૅરોટિન કરતાં બેગણું અસરકારક હોય છે. તે કૅરોટિન કરતાં નિમ્ન ઘનત્વ લિપોપ્રોટીન (low density lipoprotein, LDL)ના ઑક્સિડેશનમાં ઘટાડો વધારે દક્ષતાથી કરે છે. લાયકોપીન અને વિટામિન ‘ઇ’ સંયુક્તપણે LDL ઑક્સિડેશનને વધારે ક્ષમતાથી અટકાવે છે. બંનેની અલગ અસર ઓછી હોય છે. હૃદધમની રોગને કારણે ઊંચો મૃત્યુદર ધરાવતા લિથુનિયનોના રુધિરમાં લાયકોપીનનું પ્રમાણ ઓછું હોય છે. ટમેટાંમાં પોટૅશિયમ વધારે હોવાથી તેની મૂત્રપિંડ પર ઘનાત્મક અસર પડે છે અને મૂત્રપિંડની ક્ષમતા સુધરતાં ઉચ્ચરુધિરદાબમાં ઘટાડો થાય છે.
યકૃતનું સ્વાસ્થ્ય : રશિયન ચિકિત્સકો કારખાનાઓમાં ઝેરી રસાયણો સાથે કામ કરતા કર્મચારીઓ માટે આહારમાં ટમેટાંની ભલામણ કરે છે. ટમેટાંમાં બે વિષરોધી તત્વો કલોરિન અને સલ્ફર હોય છે. રાંધ્યા વિનાના 100 ગ્રામ ટમેટાંમાં 26.6 મિગ્રા. કલોરિન અને 110 મિગ્રા સલ્ફર હોય છે. કલોરિન યકૃતને ઉત્તેજવાનું કાર્ય કરે છે. ટમેટાં યકૃતમાંથી ઝેરી ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ કરવામાં મદદ કરે છે. સલ્ફર યકૃતકાઠિન્ય (cirrhosis) અને અશક્તિ પેદા કરતી સ્થિતિ સામે રક્ષણ આપે છે. તેનો રસ નુકસાનગ્રસ્ત યકૃતનું પુનર્જનન (regeneration) કરે છે.
ટમેટાંનો અતિસાર (diarrhoea), નેત્રપ્રકોપ (eye irritation), ત્વચા-કાયાકલ્પ (rejuvenation), વ્રણ અને સતત થાકમાં ઉપયોગ થાય છે.
આયુર્વેદ અનુસાર પાકાં ટમેટાં ખટ-મીઠાં, રુચિકર, શીતવીર્ય, જઠરાગ્નિ અને પાચનશક્તિ વધારનાર, મળ સાફ લાવનાર, રક્તશુદ્ધિકર્તા, રક્તવર્ધક તથા તાજગી અને સ્ફૂર્તિદાયક છે. તે હૃદયને તૃપ્ત કરનાર અને પૃષ્ટવર્ધક છે તથા મંદાગ્નિ, ઉદરશૂળ, મેદવૃદ્ધિ રક્તવિકાર, હરસ, પાંડુ, જીર્ણજવર, રક્તપિત્ત અને કબજિયાત મટાડે છે. તે વાયુહર, સ્નિગ્ધ, પિત્તવર્ધક છે તથા ઉદરરોગો, બેરીબેરી, સુકતાન, અશક્તિ અને રતાંધળાપણું મટાડે છે.
ઔષધિપ્રયોગો : (1) મુખ પરના કાળા ડાઘ પર પાકાં ટમેટાંની ચીરી કરી ઘસવામાં આવે છે. (2) અજીર્ણ-અરુચિમાં પાકાં ટમેટાં બાફી છાલ ઉતારી મરી-મીઠું અને જીરું છાંટી ખાવાથી ફાયદો થાય છે. (3) હૃદયના વધારે થતા ધબકારામાં ટમેટાંના રસમાં અર્જુન છાલનું ચૂર્ણ અને સાકર કે મધ નાખી પિવડાવવામાં આવે છે. (4) કબજિયાતમાં ભોજન પૂર્વે ટમેટાં ખાવાથી લાભ થાય છે. (5) રતાંધળાપણામાં પાકાં તાજાં ટમેટાંનું સવાર-સાંજ સેવન કરવાથી ર્દષ્ટિદોષ સુધરે છે અને આંખોનું તેજ વધે છે.
પથરી, મૂત્રપિંડના રોગો, શીળસ, સંધિવા અને અમ્લપિત્તના દર્દીઓએ ટમેટાંનું સેવન કરવું હિતકારક નથી.
ગિરધરભાઈ પટેલ
હિમંતસિંહ લાલસિંહ ચૌહાણ
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ
પરબતભાઈ ખી. બોરડ
બળદેવભાઈ પટેલ