ટબ્રિઝ (tabriz) : ઈરાનના પૂર્વ ઍઝારબૈજાન પ્રાંતની રાજધાની અને મુખ્ય શહેર. તેનું નામ ઈરાની ભાષાના ‘ટપરીઝ’ ઉપરથી પડ્યું છે, જેનો અર્થ વહેતી ગરમી થાય છે. તે આર્મેનિયા રાજ્યની સરહદથી દક્ષિણે 97 કિમી., તુર્કસ્તાનથી પૂર્વમાં 177 કિમી. અને ઉર્મિયા સરોવરથી આશરે 55 કિમી. અંતરે છે. તે 38° ઉ. અ. અને 46°-3´ પૂ. રે. ઉપર, કૂહઈ-સહંડ પર્વતની ઉત્તર તરફ છે. તે ચારે બાજુ પર્વતોથી ઘેરાયેલું છે. ઈરાનનાં શહેરોમાં તેનું ચોથું સ્થાન છે. 2010માં તેની વસ્તી 14 લાખ હતી. તેની આસપાસ ગરમ પાણીના ઝરાઓ આવેલા છે.

આ સ્થળની આબોહવા ખંડસ્થ છે. ઉનાળો ગરમ અને સૂકો છે. દિવસનું સરેરાશ તાપમાન 32°થી 36° સે. રહે છે, જ્યારે રાત્રિનું તાપમાન 11°થી 17° સે. રહે છે. શિયાળામાં બરફ પડે છે ત્યારે તાપમાન -8° સે. થઈ જાય છે. નવેમ્બરથી માર્ચ દરમિયાન આશરે 635 મિમી. વરસાદ પડે છે. ટબ્રિઝ ધરતીકંપના વિસ્તારમાં છે. ઈ. સ. 791, 858, 1041, 1721, 1780, 1791 અને 1990માં થયેલા ધરતીકંપને લીધે જાન-માલની ખૂબ હાનિ થઈ હતી.

તે મહત્ત્વનું વેપારી કેન્દ્ર છે. હાથવણાટના કીમતી ગાલીચા અહીં તૈયાર થાય છે અને તેની નિકાસ થાય છે. આ ઉપરાંત ચામડાની વસ્તુઓ બનાવવાનાં, ખાદ્ય પદાર્થો, ગરમ, રેશમી અને સુતરાઉ કાપડ અને સૂતર, દીવાસળી, મોટરસાઇકલ, ઘરગથ્થુ વપરાશનાં સાધનો બનાવવાનાં કારખાનાં તથા ક્રૂડ ઑઇલ શુદ્ધ કરવાનું કારખાનું અહીં છે.

તે ઇજિપ્ત અને મધ્ય એશિયાનાં શહેરોને જોડતા વણઝાર-માર્ગ ઉપર આવેલું હોવાથી ભૂતકાળમાં આ પ્રદેશો સાથે તેનો બહોળો વેપાર હતો. હાલ પાકા ધોરી માર્ગો તથા તહેરાન અને રશિયાના વર્ચસવાળા દેશો સાથે રેલવે અને ભૂમિમાર્ગો દ્વારા તે જોડાયેલું છે. તેનું વિમાનમથક આંતરિક સ્થળો અને બાહ્ય દેશોને સાંકળે છે.

માગોલ શહેનશાહ મહમૂદ ઘાઝાન(1295–1309)ના રાજ્યનું તે પાટનગર હતું. 1392માં તૈમૂરે તે જીતી લીધું હતું. કેટલાક દશકા બાદ તે કારા કોયુનબુ તુર્કોનું, 1436માં ઈરાનનું અને સોળમી સદીમાં શાહ ઇસ્માઇલના રાજ્યનું પાટનગર હતું. ઑટોમન તુર્ક અને રશિયાનાં આક્રમણોનું તે અવારનવાર ભોગ બન્યું હતું. 1826માં રશિયાએ તેના પર આક્રમણ કરેલું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન શરૂઆતમાં તુર્કીએ અને ત્યારપછી રશિયાએ તે કબજે કર્યું હતું. 1946માં ઈરાની લશ્કરે ટબ્રિઝમાંના ઍઝરબૈજાન પ્રજાસત્તાકના મુખ્ય મથકનો નાશ કર્યો હતો. 1978–79માં ઈરાનના શાહ વિરુદ્ધની ક્રાંતિને કારણે ત્યાં હુલ્લડો અને અથડામણો થઈ હતી.

મસ્જિદ-એ-કબુદ તરીકે ઓળખાતી ‘ભૂરી મસ્જિદ’ (1465–66), ઘાઝાન ખાનની બાર બાજુઓવાળી કબરના અવશેષો છે. 1322 પૂર્વે મસ્જિદ તરીકે બંધાયેલો કિલ્લો વગેરે જોવાલાયક છે. અહીં યુનિવર્સિટી સ્થપાતાં, વિદ્યાધામ તરીકે તેનો વિકાસ થયો છે – પ્રવાસધામ તરીકે પણ તેની ખ્યાતિ છે.

શિવપ્રસાદ રાજગોર