ટર્ક્વૉઇઝ : ઍલ્યુમિનિયમ અને તાંબાનું જલીય ફૉસ્ફેટ બંધારણ ધરાવતું ખનિજ. રાસા. બં. CuAl6(PO4)4(OH)84–5H2O; સ્ફ. વ. ટ્રાયક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો વિરલ, નાના, ટૂંકા પ્રિઝમૅટિક. મોટેભાગે દળદાર, ઘનિષ્ઠ; સૂક્ષ્મ સ્ફટિકમયથી સૂક્ષ્મદાણાદાર; કાંકરીમય, અધોગામી સ્તંભના સ્વરૂપે. નાનકડી શિરાઓ કે પોપડીના સ્વરૂપે. મંદ પારભાસકથી અપારદર્શક; સ્ફટિકો પારદર્શક; સંભેદ : (001) પૂર્ણ, (010) મધ્યમ; ભં. સ. : વલયાકારથી લીસી. ચ. : સ્ફટિકો → કાચમય; દળદાર → મીણવત્થી નિસ્તેજ; રં. : સ્ફટિકો – તેજસ્વી ભૂરા; દળદાર – ઝાંખા ભૂરાથી આકાશ જેવા ભૂરા, ભૂરાશ પડતા લીલા, લીલાશ પડતા રાખોડી. ચૂ. રં. : સફેદથી લીલો-સફેદ. ક. : 5થી 6; વિ. ઘ. : સ્ફટિકો – 2.84, દળદાર – 2.6 –2.8; પ્ર. અચ. : α = 1.61, β = 1.62, γ = 1.65; પ્ર. સં. : + ve; 2V = 40°; પ્રા. સ્થિતિ : ઍલ્યુમિનાયુક્ત ખડકો ઉપર સપાટીજળની પ્રક્રિયા દ્વારા તૈયાર થતાં પરિણામી ખનિજ-સ્વરૂપે. ક્વાર્ટ્ઝ કે શિસ્ટ ઉપર છવાયેલા મળતા ઉત્કૃષ્ટ સૂક્ષ્મ સ્ફટિકો રૂપે પણ મળે છે. પ્રા.સ્થા. : યુ.એસ., ફ્રાન્સ, જર્મની, રશિયા, ઇજિપ્ત, ઈરાન. રત્નપ્રકાર ઈરાનમાંથી મળે છે. આ ખનિજ પીરોજ તરીકે ઓળખાય છે, જે મોટેભાગે વાદળી કે લીલા રંગની જુદી જુદી ઝાંયમાં મળે છે.

પીરોજના નામે ઓળખાતું  અર્ધકીમતી રત્ન [CuAl6(PO4)4 (OH)84H2O]. તેમાંના તાંબાનો થોડોક ભાગ ક્યારેક Fe2+ વડે વિસ્થાપિત થયેલો હોય છે. આ ખનિજનું ઉપરત્ન તરીકે ઊંચું મૂલ્ય અંકાય છે. તેની પારદર્શકતા અને આછા વાદળી રંગને કારણે અનાદિકાળથી માનવજાતને આ ઉપરત્નનું આકર્ષણ રહ્યું છે.  ‘ટર્ક્વૉઇઝ’ નામ ટર્કિશ શબ્દ પરથી પડેલું છે, કારણ કે તે ઈરાનમાંથી તુર્કસ્તાનને માર્ગે યુરોપમાં સર્વપ્રથમ લાવવામાં આવેલું.  ટર્ક્વૉઇઝ સાથે સામ્ય ધરાવતું અસ્થિ-ટર્ક્વૉઇઝ અથવા ઓડોન્ટોલાઇટ અસ્થિ અથવા દાંતના જીવાશ્મોમાં તૈયાર થાય છે. તે જળયુક્ત લોહ ફૉસ્ફેટ (vivianite) વડે રંગીન બનેલું સૂક્ષ્મસ્ફટિકમય એપેટાઇટનું બનેલું હોય છે. સાચા ટર્ક્વૉઇઝની માફક એમોનિયા સાથે તે ભૂરો રંગ આપતું નથી. સૂક્ષ્મદર્શક હેઠળ નિરીક્ષણ કરવાથી અસ્થિ ટર્ક્વૉઇઝની સેન્દ્રિય ઉત્પત્તિ સ્પષ્ટ થાય છે.

દળદાર વજનમાં ટર્ક્વૉઇઝ

વાસ્તવિક ટર્ક્વૉઇઝ ટ્રાયક્લિનિક વર્ગમાં ટૂંકા પ્રિઝમૅટિક સ્ફટિક સ્વરૂપે સ્ફટિકીકરણ પામે છે, પરંતુ આવા સ્ફટિકો વિરલ હોય છે. Robin’s egg જેવો વાદળી પ્રકાર અતિ કીમતી ગણાય છે અને તેનું મૂલ્ય ઊંચું અંકાય છે.  ટર્ક્વૉઇઝનો વાદળી રંગ તેમાં રહેલા તાંબાને કારણે ઉત્પન્ન થતો હોય છે. લોહ (Fe2+)ને કારણે તે લીલાશ પડતી ઝાંય મેળવે છે. કેટલાક  ટર્ક્વૉઇઝ શુષ્ક વાતાવરણમાં ખુલ્લા રહે તો રંગ ગુમાવે છે; એટલું જ નહિ, તેની એમોનિયા કે ઍસિડ સાથે પ્રક્રિયા કરવાથી રંગ બદલાઈ પણ જાય છે.

ટર્ક્વૉઇઝ એ પ્રાથમિક ખનિજ નથી, પરંતુ પરિણામી ખનિજ છે. સામાન્ય રીતે તે શુષ્ક વિસ્તારોમાં ઍલ્યુમિનિયમયુક્ત અગ્નિકૃત કે જળકૃત ખડકોના પરિવર્તન દરમિયાન સપાટીજળ સાથે સંપર્કમાં આવવાથી તૈયાર થાય છે. અનુષંગી એપેટાઇટ પરિવર્તન પામવાથી ફૉસ્ફોરિક ઍસિડ બને છે, તાંબાના સલ્ફાઇડના વિખેરણથી તાંબાના અંશો મળે છે. આમ ટર્ક્વૉઇઝ તૈયાર થાય છે.

રત્ન પ્રકારનાં ટર્ક્વૉઇઝ ઍરિઝોના, કૅલિફૉર્નિયા, કૉલોરાડો, ન્યૂમેક્સિકો અને નેવાડાનાં કેટલાંક સ્થાનોમાંથી મળે છે. ન્યૂમેક્સિકોના સાન્તા ફેથી નૈર્ઋત્યમાં 32 કિમી. દૂર આવેલ લૉસ સેરિલોસ પર્વતોમાં આવેલા ટર્ક્વૉઇઝના મોટા જથ્થાનું ઘણા વખત પહેલાં રેડ ઇન્ડિયનો અને મેક્સિકનો દ્વારા ખનન કરવામાં આવેલું અને પાછળથી અમેરિકનોએ તેનો મોટા પાયા ઉપર લાભ ઉઠાવેલો. ઈરાનના નિશાપુર નજીક અલી-મિરસા-કુહ પર્વતોના દક્ષિણ ઢોળાવો પર મળી આવેલા નિક્ષેપોમાંથી 800 વર્ષો સુધી સારી જાતનું  ટક્વૉર્ઇઝ ખાણમાંથી મેળવવામાં આવેલું છે. સાઇબીરિયા, તુર્કસ્તાન, એશિયા માઇનોર, સિનાઈ દ્વીપકલ્પ, સિલેસિયા અને સેક્સની (જર્મની) તેમજ ફ્રાન્સ ટર્ક્વૉઇઝના નિક્ષેપો માટે જાણીતાં છે.

ક્રાયસોકોલા [Cu2H2Si2O5(OH)4] પણ  ઈરાનમાંથી મળતું હોવાને કારણે તે  ટર્ક્વૉઇઝને સ્થાને ખપે છે.

ગિરીશભાઈ પંડ્યા