ઝોબ : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ક્વેટા વિભાગમાં આવેલો જિલ્લો અને શહેર. આ જિલ્લો 1890થી અસ્તિત્વમાં આવ્યો. જિલ્લાનું ક્ષેત્રફળ 27,130 ચોકિમી. છે. પ્રદેશ ડુંગરાળ છે. આ શહેર 1426 મીટર ઊંચાઈએ આવેલું છે. જિલ્લાની પૂર્વ સરહદે આવેલો સુલેમાન પર્વત સરેરાશ 2125 મી. ઊંચો છે. નદીની ખીણનો પ્રદેશ સપાટ અને ફળદ્રૂપ છે. અહીં ઝોબ અને કુંદર બે નદી આવેલી છે. ઝોબ નદી 352 કિમી. લાંબી છે. તે જિલ્લાના મધ્યભાગમાં થઈને દક્ષિણ તરફ વહે છે. કુંદર નદી રોબાકાકર પર્વતમાંથી નીકળી ઉત્તર તરફ વહે છે.

આ જિલ્લો સમુદ્રથી દૂર હોવાથી તેની આબોહવા વિષમ છે. શિયાળો આકરો છે. ડુંગરાળ પ્રદેશ સિવાય સપાટ પ્રદેશમાં ગરમી વધારે પડે છે. અહીં વરસાદ શિયાળામાં અને ચોમાસામાં આવે છે. શિયાળામાં ઈરાની અખાત ઉપરથી વાતા ભેજવાળા પવનો 100થી 125 મિમી. વરસાદ આપે છે, જ્યારે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન નૈર્ઋત્યના મોસમી પવનો 200થી 250 મિમી. વરસાદ આપે છે. અહીં ડુંગરની તળેટી નજીક સપાટ પ્રદેશમાં કારેઝ તરીકે ઓળખાતી સિંચાઈપદ્ધતિનો ઉપયોગ થાય છે. બુગદા મારફત ડુંગરનું પાણી ખેતરોમાં લવાય છે.

ચોમાસામાં બાજરી, મકાઈ વગેરે અનાજ અને શિયાળામાં ઘઉં, જવ વવાય છે. અનાજ ઉપરાંત સકરટેટી, તરબૂચ, દ્રાક્ષ, જરદાળુ, દાડમ જેવાં ફળો થાય છે. ઘેટાં અને બકરાં, ગધેડાં, ઘોડાં, ઊંટ વગેરે પાળેલાં પ્રાણીઓ છે. ક્રોમાઇટ તથા કોલસાનો વિપુલ જથ્થો છે, પણ થોડા પ્રમાણમાં ખોદી કઢાય છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. જિલ્લામાં કાકર જાતિના લોકોની વસ્તી વિશેષ છે. જિલ્લાની કુલ વસ્તી 2 લાખ (2006). ઝોબ એક જ શહેર છે. બાકીની વસ્તી ગ્રામપ્રદેશમાં વસે છે. ઝોબ શહેર 31°-20´ ઉ. અ. અને 69°-26´ પૂ. રે. ઉપર આવેલું જિલ્લાનું વહીવટી અને વેપારી કેન્દ્ર છે.  શહેર આ જ નામની નદીના પૂર્વ ભાગમાં આવેલા સપાટ અને ફળદ્રૂપ મેદાનમાં વસ્યું છે. સ્થાનિક નામ એપોઝાઈ છે. પોલિટિકલ એજન્ટ રૉબર્ટ સન્ડેમૅનના નામ ઉપરથી 1869થી 1970 સુધી આ શહેર ફૉર્ટ સન્ડેમૅન તરીકે ઓળખાતું. શહેર નજીક 45 મી.ની ઊંચાઈએ કિલ્લો આવેલો છે, જે પોલિટિકલ એજન્ટના રહેઠાણ તરીકે વપરાતો હતો. વાયવ્ય સરહદ પ્રાંતને ક્વેટા (બલૂચિસ્તાન) સાથે જોડતો ઝોબથી શરૂ થતો માર્ગ સૌથી ટૂંકો છે. ઝોબ રેલવે તથા જમીનમાર્ગ દ્વારા ક્વેટા સાથે અને જમીનમાર્ગ દ્વારા બન્નુ અને પેશાવર સાથે જોડાયેલું છે. અનાજ, ઊન, ઊનના ધાબળા વગેરે અહીં વેચાવા આવે છે.

પાષાણયુગ અને હડપ્પા સંસ્કૃતિના સમય દરમિયાન પેરિયાનો ઘુંડાઈ, રાણા ઘુંડાઈ વગેરે સ્થળોએ સમાંતર બાજુવાળાં પથ્થરનાં પતરીવાળાં હથિયારો કે ઓજારો મળે છે. મધ્યયુગ દરમિયાન અહીં મુઘલ અને દુરાની અફઘાનોનું શાસન હતું. 1889થી 14 ઑગસ્ટ, 1947 સુધી અહીં બ્રિટિશ શાસન રહ્યું. ત્યારબાદ તે પાકિસ્તાનનો પ્રદેશ બન્યો.

શિવપ્રસાદ રાજગોર