ઝોરબા, ધ ગ્રીક : અમેરિકા અને ગ્રીસના ચલચિત્રનિર્માતાઓના સહિયારા પ્રયત્નથી નિર્મિત એક અદભુત ફિલ્મ. તે નિકોસ કાઝન્ત-સાકીસની નવલકથા પર આધારિત છે. નિર્માણવર્ષ : 1964; પટકથા, નિર્માણ અને દિગ્દર્શન : માઇકેલ કાકોયાન્તિસ; વિતરણ : ટ્વેન્ટિયેથ સેન્ચુરી ફૉક્સ; છબીકલા : વૉલ્ટર લાસેલી; વેશભૂષા : ડિમેટ્રિસ ઇકૉનુ; મુખ્ય ભૂમિકા : ઍન્થની ક્વીન; લિલા કેડ્રોવા, એલન બેટ્સ, આઇરિની પાપાસ, જ્યૉર્જ ફોન્ડાસ, એલેની આમુસાકી, ટાકિસ ઈમાનૂલ અને જ્યૉર્જ વૉયાજિસ; ફિલ્મનો તકનીકી પ્રકાર : શ્વેત અને શ્યામ.

ચલચિત્રની પશ્ચાદભૂ ગ્રીસનો ટાપુ ક્રીટ છે, જેના એક નાના ગામમાં એલેક્સિ ઝોરબા (ઍન્થની ક્વીન) નામનો એક સીધોસાદો, ભોળો ખેડૂત જડસુ ગ્રીસ સમાજે નક્કી કરેલી રૂઢિઓ કે રીતરસમોને ફગાવી દઈને પોતાનું જીવન મસ્તી અને આનંદમાં પસાર કરતો હોય છે. ઝોરબાના જીવનમાં એક એવી વિધવા સ્ત્રી (લિલા કેડ્રોવા) પ્રવેશી ચૂકી છે. જેનું યૌવન ઢળી ચૂકેલું છે અને તેથી અતીતનાં સંસ્મરણો સિવાય જીવન જીવવા માટે તેની પાસે બીજો કોઈ સહારો નથી. જોગાનુજોગ એક યુવાન બ્રિટિશ લેખક બેસિલ (એલન બેટ્સ) વડવાઓ પાસેથી વારસામાં મળેલી એક ખાણ ફરી શરૂ કરવાના ઇરાદાથી ગ્રીસના તે ગામમાં પ્રવેશે છે જ્યાં ગામના અન્ય લોકો ઉપરાંત તેની મુલાકાત ઝોરબા સાથે થાય છે. ઝોરબા તેને ખાણ શરૂ કરવાના કામમાં મદદ કરવાની પહેલ કરે છે. બેસિલ ગામની એક હોટેલમાં રહે છે જેની માલિકણ માદામ હૉરટેન્સ (આઇરિની પાપાસ) નામની એક યુવાન, સુંદર વિધવા હોય છે. આ હોટેલના મકાન પરથી વીજળીના તાર ગોઠવવામાં આવે તો જ ખાણનું કામકાજ ફરી શરૂ કરી શકાય તેમ છે. તે માટેનો સરસામાન ખરીદવા ઝોરબા શહેરમાં જાય છે જ્યાં તે લોલા નામક વારાંગના(એલેની આમુસાકી)ની જાળમાં ફસાઈ જાય છે. તેની ગેરહાજરીમાં એક રાત્રે બેસિલ વિધવાના અંત:પુરમાં પ્રવેશે છે જે ગામના લોકો જોઈ જાય છે. બેસિલની ગેરહાજરીમાં તેની મિલકતની દેખભાળ કરનાર મેવરૅડો(જ્યૉર્જ ફોન્ડાસ)નો પુત્ર પાવલો (જ્યૉર્જ વૉયાજિસ) વિધવાના પ્રેમમાં પડેલો હોય છે. તેને જ્યારે બેસિલની આ વાતની ખબર પડે છે ત્યારે ભયંકર આઘાતથી પીડાયેલો પાવલો ડૂબીને આપઘાત કરે છે. તેનો પિતા બેસિલનો બદલો લેવાનું બીડું ઝડપે છે. દરમિયાન ઝોરબાએ બેસિલને લખેલા એક પત્રમાં તે (ઝોરબા) પેલી વિધવા સાથે લગ્ન કરવાનો ઇરાદો રાખે છે એવો કોઈ ઉલ્લેખ હોવાની વાત બેસિલ વિધવાને કહે છે. આ વાત ગામમાં ફેલાય છે. ઝોરબા પાછો આવે છે ત્યારે રોષે ભરાયેલા ગ્રામજનો વિધવા પર હુમલો કરે છે. ઝોરબા તેને બચાવવાનો પ્રયાસ કરે છે પરંતુ પાવલોનો પિતા વિધવા પર ચપ્પુના જીવલેણ ઘા કરે છે. વિધવાના મૃત્યુ પછી તેની માલિકીની હોટેલના મકાન પરથી ખાણ માટેના વીજળીના તાર ગોઠવવામાં આવે છે અને ત્યારપછી ઉદ્ઘાટનનો ભવ્ય સમારંભ યોજાય છે. સમારંભ ચાલતો હોય છે તે દરમિયાન તાર એકાએક તૂટી પડે છે. આ કરુણ અંજામને ઝોરબા એક વિચક્ષણ મશ્કરી તરીકે લેખે છે. બેસિલ પણ ઝોરબાનો આશય સમજી જાય છે અને તે બંને ઉજ્જડ દરિયાકિનારા પર અટ્ટહાસ્ય સાથે નૃત્ય કરે છે. ત્યાં ચલચિત્રનો અંત આવે છે.

ચલચિત્રનું કથાવસ્તુ સામાન્ય કક્ષાનું ગણાય. છતાં અદભુત ચરિત્રચિત્રણ, ઉત્તમ કોટિના અભિનય તથા સંગીતને લીધે આ ફિલ્મે પ્રેક્ષકો અને વિવેચકોની ભારે પ્રશંસા પ્રાપ્ત કરી હતી. રશિયામાં જન્મેલી અને ફ્રાન્સમાં ઊછરેલી લિલા કેડ્રોવાને આ ચલચિત્રમાં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ઑસ્કાર પુરસ્કાર એનાયત થયો હતો. ઉપરાંત, શ્ર્વેત અને શ્યામ વર્ગની ફિલ્મોમાં શ્રેષ્ઠ છબીકલાનો ઑસ્કાર પુરસ્કાર વૉલ્ટર લાસેલીને ફાળે ગયો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે