ઝૉન્ડ (Zond) : સોવિયેત સંઘ(હવે રશિયા)ના સ્વયંસંચાલિત અન્વેષી યાનની એક શ્રેણી. એપ્રિલ, 1964થી ઑક્ટોબર, 1970 સુધીમાં આ શ્રેણીનાં કુલ આઠ અન્વેષી યાનોને ગહન અંતરિક્ષના અન્વેષણ માટે પ્રક્ષેપિત કરવામાં આવ્યાં. મોટા ભાગનાં ઝૉન્ડ અન્વેષી યાનને ચંદ્રની પ્રદક્ષિણા કરતી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યાં હતાં. તેમાં ગોઠવેલા કૅમેરા દ્વારા પૃથ્વી પરથી ન દેખાતી એવી ચંદ્રની પાછળની સપાટીની સંખ્યાબંધ તસવીર મેળવવામાં આવી. આ શ્રેણીનાં ઘણાં અન્વેષી યાનને પૃથ્વી પર સુરક્ષિત રીતે પાછાં ઉતારવામાં આવ્યાં. સપ્ટેમ્બર, 1968માં પ્રક્ષેપિત થયેલા ઝૉન્ડ-5 અન્વેષી યાનમાં અંતરિક્ષમાં પ્રાણીજીવન પર થતી અસરના અભ્યાસ સારુ જીવતા કાચબા મૂકવામાં આવ્યા હતા. ચંદ્રની પ્રદક્ષિણા કર્યા પછી આ યાનને પૃથ્વી પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું.

પરંતપ પાઠક