ઝેવિયર, સેન્ટ ફ્રાન્સિસ (જ. 7 એપ્રિલ 1506, નવારે, સ્પેન; અ. 22 ડિસેમ્બર 1552, કૅન્ટૉન નજીક, ચીન) : ‘પૂર્વના પ્રદેશોના દૂત’ (એપૉસલ ઑવ્ ધ ઇન્ડીઝ) તરીકે ઓળખાવાયેલા રોમન કૅથલિક મિશનરી. નવારેના રાજાના અંગત સલાહકાર સ્પૅનિશ પિતાના સૌથી નાના પુત્ર. પૅરિસ ખાતે અભ્યાસ કર્યો અને પછી વ્યાખ્યાનો આપવાનો પ્રારંભ કર્યો. 1534માં લોયોલાના સહકારથી ‘જેઝ્યુઇટ સોસાયટી’ની સ્થાપના કરી. 1537માં પાદરી તરીકેના દીક્ષા-સંસ્કાર પામી, ‘સોસાયટી’ની સેવામાં રોમ ખાતે રહેવાનું શરૂ કર્યું. પોર્ટુગલના શાસક જૉન ત્રીજાએ તેમને પૂર્વના પ્રદેશનાં પોર્ટુગીઝ સંસ્થાનોના મિશનરી તરીકે મોકલ્યા. 1542માં તેઓ ગોવા આવ્યા; ત્યાંના ભ્રષ્ટાચારી યુરોપિયનો તથા દેશી પ્રજા વચ્ચે કામ કરવામાં તેમને ખૂબ મહેનત પડી પરંતુ ભારે પરિશ્રમ તથા ઉત્સાહથી કામ કરીને તેમણે સારી સફળતા મેળવી. એક વર્ષ પછી તેઓ ત્રાવણકોર ગયા અને ત્યાંના 10,000 સ્થાનિક પ્રજાજનોને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવ્યો. પછી તેમણે મલાકા, બાંદા ટાપુઓ, ઍમ્બોયના, મોલુકા ટાપુઓ તથા શ્રીલંકાની મુલાકાત લીધી. ત્યાં કૅન્ડીના રાજા તથા તેમના અનેક નાગરિકોનું ધર્મપરિવર્તન કરાવ્યું. ત્યારબાદ 1548માં તેમણે જાપાનમાં મિશનની સ્થાપના કરી; તે ઉત્તરોત્તર પાંગરીને લગભગ સોએક વર્ષ સુધી કાર્યરત રહ્યું. ચીન ખાતે મિશન લઈ જવાની તૈયારી કરવા 1552માં તેઓ ગોવા પાછા આવ્યા. પરંતુ પોર્ટુગીઝ વેપારીઓનાં કાવતરાં તથા મલાકાના ગવર્નરે ઊભી કરેલી મુશ્કેલીઓ સામે, ઉપરાઉપરી કષ્ટજનક દરિયાઈ પ્રવાસોથી ક્ષીણ બની ચૂકેલી તેમની તાકાત ખૂટી ગઈ અને કૅન્ટૉન નજીક સાન-ચિઆન ટાપુએ પહોંચતાં પહોંચતાંમાં તો તેમનું અવસાન થયું. તેમના દેહનો દફનવિધિ ગોવામાં કરવામાં આવ્યો. 1622માં તેમને સંતપદ અપાયું. 1927માં તમામ મિશનરી કાર્ય માટે તેમને પેટ્રન સંત તરીકે ઘોષિત કરાયા.
તેમના અક્ષર-અવશેષ રૂપે ‘લેટર્સ‘ (1631) તથા સવાલ-જવાબની પદ્ધતિએ ધર્મતત્વનો બોધ આપતું ‘કૅટિકિઝમ’ સુલભ છે.
તેમના દેહદફન અંગે બનેલી કહેવાતી ચમત્કારિક ઘટનાને અનુલક્ષીને આ સંત એ સંપ્રદાયના અનુયાયીમંડળમાં ખૂબ પવિત્ર લેખાય છે. ગોવા ખાતે રખાયેલો તેમનો દેહ 400 વર્ષેય કોઈ જાતની વિકૃતિ વગર વિસ્મયજનક રીતે યથાવત્ રહેલો જોવા મળે છે એમ કહેવાય છે. એ પંથના ભક્તો તેમને દૈવી સંત માની તેમની બાધા તથા દર્શન માટે દેશભરમાંથી ગોવા ઊમટે છે.
ફ્રાન્સિસ પરમાર