ઝેલેન્સ્કી, વોલોદીમીર

January, 2014

ઝેલેન્સ્કી, વોલોદીમીર (Zelensky, Volodymyr) (જ. 25 જાન્યુઆરી 1978, ક્રિવી, રિહ, યુક્રેન) : યુક્રેનના છઠ્ઠા પ્રમુખ. રશિયાના વિઘટન પહેલાં સોવિયેટ યુનિયનના ક્રિવી રિહમાં યહૂદી પરિવારમાં જન્મેલા વોલોદીમીર ઝેલેન્સ્કીએ અર્થશાસ્ત્ર અને કાયદાનો અભ્યાસ કર્યા પછી અભિનયક્ષેત્રે કારકિર્દી શરૂ કરી હતી. ટેલિવિઝનમાં નાટક ને ફિલ્મોમાં અભિનય કરનારા વોલોદીમીર કૉમેડિયન તરીકે પણ યુક્રેનમાં મશહૂર થયા હતા. અભિનેતા અને હાસ્યકલાકારની કારકિર્દી દરમિયાન જ તેમણે ફિલ્મ પ્રોડક્શન કંપની બનાવી હતી. ક્વાર્ટલ-95 નામની તેમની પ્રોડક્શન કંપનીએ યુક્રેનમાં અસંખ્ય ટીવી નાટકો, કાર્ટૂન શ્રેણી અને ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. જેમાં વોલોદીમીર ઝેલેન્સ્કીએ યુક્રેનના પ્રમુખની ભૂમિકા ભજવી હતી એ ટીવી સીરિઝ ‘સર્વન્ટ ઑફ ધ પીપલ’ અત્યંત લોકપ્રિય થઈ હતી. 2015થી 2019 દરમિયાન ટીવીમાં પ્રસારિત થયેલી આ શ્રેણીને કારણે એના ચાહકોએ ઝેલેન્સ્કી ખુદ યુક્રેનના પ્રમુખ બને તેવી માગણી કરી હતી. 2018માં ક્વાર્ટલ-95 પ્રોડક્શનના સભ્યોએ મળીને ‘સર્વન્ટ ઑફ ધ પીપલ’ નામની રાજકીય પાર્ટી બનાવી હતી. ડિસેમ્બર–2018માં ઝેલેન્સ્કીએ 2019ની પ્રમુખપદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. સબળ રાજકીય સ્પર્ધકો વચ્ચે વોલોદીમીર ઝેલેન્સ્કી લોકપ્રિયતાનાં મોજાં પર સવાર થઈને યુક્રેનની પ્રમુખપદની ચૂંટણીમાં 73 ટકા મતો સાથે વિજેતા બન્યા હતા.

Volodymyr Zelensky Official portrait

વોલોદીમીર ઝેલેન્સ્કી

સૌ. "Volodymyr Zelensky Official portrait" | CC BY 4.0

પ્રમુખ બન્યા પછી તેમણે યુક્રેનમાં નવીનીકરણની પહેલ કરી હતી. ઈ-ગવર્નમેન્ટનો પ્રારંભ કર્યો હતો. તેમણે લોકો માત્ર ઑનલાઇન અરજી કરીને સરકારી સહાય કે યોજનાનો લાભ લઈ શકે એવી વ્યવસ્થા કરી હતી. વળી, યુક્રેનિયન ભાષી અને રશિયન ભાષી વિસ્તારો વચ્ચે ચાલતા આંતરિક સંઘર્ષનો અંત લાવવાનો યશ પણ તેમને મળે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ઝેલેન્સ્કી નાગરિકો સાથે વારંવાર સંવાદ કરે છે. ખાસ તો યુવાપેઢીના લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર ઝેલેન્સ્કી ખૂબ જ સક્રિય રહે છે અને તેના માધ્યમથી જ નવી નવી સરકારી જાહેરાતો કરે છે. રશિયા સાથે વિવાદ ઉકેલવા માટે સંવાદ કરાશે એવી તેમણે જાહેરાત કરી હતી. જોકે, એમાં એમને સફળતા મળી ન હતી.

રશિયાએ ફેબ્રુઆરી, 2022માં યુક્રેન સામે યુદ્ધ શરૂ કર્યું હતું. યુદ્ધમાં મહિનાઓ સુધી શક્તિશાળી રશિયન સૈન્યને હંફાવવાની ઝેલેન્સ્કીની રણનીતિ સફળ રહી હતી. યુદ્ધ દરમિયાન અમેરિકા-યુરોપિયન સંઘ સહિત દુનિયાભરનું સમર્થન મેળવવામાં પણ ઝેલેન્સ્કીની રાજદ્વારી સૂઝ કારગત નીવડી હતી. રશિયન-યુક્રેન યુદ્ધમાં ઝેલેન્સ્કીએ જે રીતે યુક્રેનનું નેતૃત્વ કર્યું, તેને વિશ્વભરમાં પ્રશંસા મળી. ઝેલેન્સ્કી ખુદ રશિયા સામે યુક્રેનની લડાઈનો સિમ્બોલ બની ગયા હોવાથી તેમની એક હાકલથી વિદેશમાં સ્થાયી થયેલા યુક્રેનના નાગરિકો પણ યુદ્ધમાં સહભાગી થવા સ્વદેશ આવ્યા હતા. એક સર્વેક્ષણમાં નાગરિકોએ વોલોદીમીર ઝેલેન્સ્કીને યુક્રેનના સર્વશ્રેષ્ઠ પ્રમુખ તરીકે પસંદ કર્યા હતા. દુનિયાના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં ઝેલેન્સ્કીનો સમાવેશ પ્રથમ દસ (ટોપ-10)માં થયો હતો.

હર્ષ મેસવાણિયા