ઝૅપટેક : ઉત્તર અમેરિકામાં દક્ષિણ મેક્સિકોમાં આવેલ વહાકા (Oaxaca) પ્રદેશમાં વસતી મેસો-અમેરિકન રેડ ઇન્ડિયન જાતિ. આ લોકોના પૂર્વજો વિશિષ્ટ સંસ્કૃતિના સર્જક હતા. તેમની રાજધાની મૉન્ટી આલબાન ટેકરી ઉપર હાલના વહાકા નજીક આવેલી હતી. ઈ. સ. પૂ. 500માં આ નગરની સ્થાપના થઈ હતી. તે વખતે અહીં નગર સંસ્કૃતિ વિકસી ચૂકી હતી. મેસો-અમેરિકામાંથી ચિત્રલિપિમાં લખાયેલા તેમના સૌથી જૂના શિલાલેખો મળે છે. ઈ. સ. 300થી ઝૅપટેક લોકોની વિશિષ્ટ સંસ્કૃતિનો જન્મ થયો હતો. ઈ. સ. 300થી 9000 દરમિયાન મૉન્ટી આલબાન સમૃદ્ધિની ટોચે હતું. ત્યાંનાં અસંખ્ય મંદિરો અને રંગીન કબરો આ કાળનાં છે. કબરમાંથી મૃતદેહોના અવશેષો ભરેલા અસ્થિકુંભો મળી આવ્યા છે. તેનો આકાર ઝૅપટેક દેવો જેવો છે. તે વખતે શહેરની વસ્તી 66,000 હતી. મૉન્ટી આલબાન શહેરમાંથી આ લોકોએ કદી પણ સ્થળાંતર કર્યું ન હતું. ઈ. સ. 800 પછી તેમની અવનતિનો પ્રારંભ થયો અને માત્ર નાનાં શહેરોમાં જ આ સંસ્કૃતિ સચવાઈ હતી. વહાકાનો મોટા ભાગનો ખીણપ્રદેશ તેરમી કે ચૌદમી સદીમાં મિક્સટેક જાતિના હુમલાખોરોએ જીતી લીધો હતો. ત્યારપછી ઝૅપટેક સત્તા દક્ષિણ તરફ મીટલા અને ટ્વૉન્ટપેકની સામુદ્રધુની તરફ ફેલાઈ હતી, જ્યારે વહાકાનો સમગ્ર પ્રદેશ ઍઝટેક સામ્રાજ્યમાં વિલીન થયો હતો. પણ ટ્વૉન્ટપેકના ઝૅપટેકવાસીઓ સ્પેને તેમનો પ્રદેશ જીતી લીધો ત્યાં સુધી સ્વતંત્ર હતા. 1970માં આ જાતિની વસ્તી ત્રણ લાખ હતી.
શિવપ્રસાદ રાજગોર