ઝેન્થિયમ : વનસ્પતિના દ્વિદલ વર્ગના એસ્ટરેસી કુળની પ્રજાતિ. તે સખત અને એકગૃહી શાકીય જાતિઓ ધરાવે છે. તે દક્ષિણ અમેરિકાની વતની છે અને ઉષ્ણ તેમજ સમશીતોષ્ણ પ્રદેશોમાં વિસ્તરેલી છે. ભારતમાં તેની બે જાતિઓ Xanthium strumarium, Linn (ગાડરિયું) અને X. spinosum, Linn, cockleburનો પ્રવેશ થયેલો છે.

આ જાતિઓનાં ફળો કાંટાળાં હોય છે અને તૃણાહારી પ્રાણીઓને કેટલીક વાર ઈજા પહોંચાડે છે. કેટલાંક વિષયુક્ત હોવાનું મનાય છે.

Xanthium strumariumની પુષ્પફળયુક્ત શાખા

X. strumarium, Linn એકવર્ષાયુ, 1.5 મી. ઊંચી અને સખત વનસ્પતિ છે. તે વધારે ઉષ્ણ પ્રદેશોમાં બધે જ અપતૃણ (weed) તરીકે થાય છે. તે 1500 મી.ની ઊંચાઈએ પણ જોવા મળે છે. પર્ણો સાદાં, એકાંતરિત, ત્રિકોણ–હૃદયાકાર, ઘણી વાર ત્રિખંડી, અનિયમિતપણે દંતૂરીવત્ પર્ણકિનારી; પુષ્પવિન્યાસ સ્તબક (મુંડક) પ્રકારનો, અગ્રસ્થ કે કક્ષસ્થ કલગી-સ્વરૂપે; નરમુંડકો સૌથી ઉપરની બાજુએ, ગોળાકાર, પુષ્પકો અસંખ્ય, ચક્રીય નિપત્રો (involucre), થોડાંક ટૂંકાં, સાંકડાં, એકચક્રીય; માદા મુંડકો અંડાકાર; બાહ્ય ચક્રીય નિપત્રો થોડાંક, ટૂંકાં; અંતશ્ચક્રીય નિપત્રો ઘણાં, યુક્ત અને અંકુશ આકારના રોમ વડે આવરિત, જે બે મજબૂત, અંકુશાકાર ચંચુવત્ પ્રવર્ધોમાં પરિણમે છે; પુષ્પકો 2, રોમમય વજ્ર અને દલપુંજનો અભાવ; સખત નિચક્ર વડે આવરિત; અંડાકાર ચર્મફળ.

તેનું બહોળું વિતરણ હોવાનું કારણ ઘેટાં, બકરાં, ગાય, ભેંસ જેવાં તૃણાહારી પ્રાણીઓના પગ કે વાળયુક્ત શરીર પર કાંટાળાં ફળ ચોંટી દૂર દૂર સુધી વિકીર્ણન પામે છે.

ભારતમાં તે ઘણી વાર ડાંગરનાં સૂકાં ખેતરોમાં કે સુકાયેલાં તળાવો કે નદીકિનારાની પડતર જમીનમાં જોવા મળે છે. તેનું મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પુષ્કળ ઝડપથી પ્રસરણ થયેલું છે. તેના નાશ માટે 10 % મોરથૂથું(કૉપર સલ્ફેટ)નો છંટકાવ કરવો પડે છે. 2-મિથાઇલ, 4-ક્લોરો-ફિનૉક્સી એસેટિક ઍસિડ અને 2,4 D પણ અસરકારક છે.

જોકે તે ભૂમિમાં કાર્બનિક ખાતરના નિર્માણ માટે ખૂબ મહત્વની વનસ્પતિ છે. તેમાં નાઇટ્રોજન પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેને ભૂમિમાં દાટવાથી તેમાં રહેલ 30 %થી 50 % નાઇટ્રોજન ક્ષારમાં રૂપાંતર પામે છે. ભૂમિમાં નાઇટ્રોજનનું સ્થિરીકરણ થતાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે.

તેના રાસાયણિક બંધારણમાં પ્રોટીન 17.6 %, ઈથર નિષ્કર્ષ 5.3 %, દ્રાવ્ય કાર્બોદિતો 31.6 %, હેમીસેલ્યુલોઝ 6.9 %, સેલ્યુલોઝ 12.3 %, લિનિન 12.5 % અને ભસ્મ 13.8 % હોય છે અને કાર્બનિક કાર્બન 46.70 %, કુલ નાઇટ્રોજન 2.82 %, ફૉસ્ફરસ (P2O5) 1.13 %, પોટૅશિયમ (K2O) 2.42 %, કૅલ્શિયમ (CaO) 3.15 %, મૅગ્નેશિયમ (MgO) 1.40 %, સોડિયમ (Na2O) 0.47 % અને સલ્ફર 0.61 % હોય છે.

યુરોપ, ચીન, ઇન્ડો-ચાઇના, મલેશિયા અને અમેરિકામાં આ વનસ્પતિ ઔષધ તરીકે જાણીતી છે. તે શક્તિશાળી પ્રસ્વેદક (diaphoretic), પ્રશામક (emolient) અને મૂત્રવર્ધક (diuretic) ગુણધર્મો ધરાવે છે. તેનો ઉકાળો તીવ્ર મલેરિયા, શ્વેતપ્રદર અને મૂત્રરોગો માટે ઉપયોગી છે. તેની પરાગરજ સંવેદી વ્યક્તિમાં ત્વચાશોથ (dermatitis), પાનખરમાં ઍલર્જી, દમ, નાસાશોથ (rhinites) ઉત્પન્ન કરે છે.

વનસ્પતિનાં આકાશી (aerial) અંગોમાં ઍલ્કલૉઇડનું મિશ્રણ હોય છે. તે ઝેરી હોવાનું મનાય છે. તેના વિષની લઘુતમ માત્રા શ્વસનકેન્દ્રોને ઉત્તેજે છે અને નાના આંતરડાના અરેખિત સ્નાયુઓનું વિસ્તરણ કરે છે. ઍલ્કલૉઇડ ઉપરાંત, તે સેસ્ક્વીટર્પિન લૅક્ટોન્સ દા.ત., ઝેન્થિનિન, ઝેન્થુમિન અને ઝેન્થેટિન ધરાવે છે.

ઝેન્થિન 0.01–0.1 % સાંદ્રતાએ ગ્રામ નૅગેટિવ જીવાણુઓ અને ફૂગ સામે તીવ્ર પ્રતિ-જીવાણુ ક્રિયાશીલતા દર્શાવે છે. ઝેન્થુમિન મધ્યસ્થ ચેતાતંત્રના અવનમક (depressant) તરીકે ઉપયોગી છે.

બળદેવભાઈ પટેલ