ઝુકોવ, જૉર્જી કૉન્સ્ટન્ટિનોવિચ (જ. 1 ડિસેમ્બર 1896; અ. 18 જૂન 1974, મૉસ્કો) : દ્વિતીય વિશ્વયુદ્ધમાં ખૂબ મહત્વની લશ્કરી ભૂમિકા ભજવનાર સોવિયેત સંઘના માર્શલ અને સોવિયેત પ્રિસિડિયમના સભ્ય થનાર પ્રથમ વ્યવસાયી લશ્કરી અધિકારી.
પ્રથમ વિશ્વયુદ્ધ વખતે 1915માં ઝારશાહી રશિયાના લશ્કરમાં ભરતી થયા પછી ઝુકોવ 1918માં સોવિયેત રશિયાના ‘લાલ’ લશ્કરમાં જોડાયા. ફ્રુન્ઝ લશ્કરી કૉલેજ(Frunze Military Academy)માંથી સ્નાતક થયા પછી તેમણે જર્મનીમાં પણ લશ્કરી તાલીમ લીધી. ટૅન્કયુદ્ધના નિષ્ણાત તરીકે તેમણે નામના પ્રાપ્ત કરી. 1939માં તેમને મંચુરિયાની સરહદે સોવિયેત દળોના વડા તરીકે નીમવામાં આવ્યા.
દ્વિતીય વિશ્વયુદ્ધના શરૂઆતના તબક્કામાં ફિનલૅન્ડ સાથેના યુદ્ધમાં ઝુકોવ સોવિયેત લશ્કરના વડા હતા. સોવિયેત રશિયા પર જર્મન આક્રમણ (જૂન, 1941) પછી રશિયાના પશ્ચિમી લશ્કરી મોરચાના વડા તરીકે તેમને નિયુક્ત કરવામાં આવ્યા અને મૉસ્કો, સ્ટાલિનગ્રાડ અને લેનિનગ્રાડની સુરક્ષાની જવાબદારી તેમને સુપરત કરવામાં આવી. ડિસેમ્બર, 1941માં તેમણે જર્મન લશ્કરી દળો સામે પ્રતિઆક્રમણ શરૂ કર્યું. જાન્યુઆરી, 1943માં તેમને સોવિયેત સંઘના માર્શલનું સર્વોચ્ચ લશ્કરી પદ એનાયત કરવામાં આવ્યું. હવે તે સ્ટાલિનની યુદ્ધ સમયની સર્વોચ્ચ સુરક્ષા સમિતિના મુખ્ય સભ્ય બન્યા. એપ્રિલ, 1945માં બર્લિન પરના આખરી હુમલા વખતે માર્શલ ઝુકોવે જાતે લશ્કરી મોરચો સંભાળ્યો. તેમની આગેવાની હેઠળ સાથી સત્તાઓના પ્રતિનિધિમંડળ સમક્ષ જર્મનીએ 8 મે, 1945ને દિવસે શરણાગતિ સ્વીકારી. જર્મની પર કબજો જમાવ્યા પછી તેમણે જર્મનીમાં સોવિયેત દળોના વડા તરીકે અને જર્મની માટેના સાથી સત્તાઓના અંકુશ પંચમાં સોવિયેત પ્રતિનિધિ તરીકે કામ કર્યું.
1946માં માર્શલ ઝુકોવ મૉસ્કો પાછા ફર્યા તે વખતે તેમણે વિજેતા સોવિયેત લશ્કરના વડા તરીકે અપ્રતિમ લોકપ્રિયતા પ્રાપ્ત કરી, તે સ્ટાલિનને ન ગમ્યું. સ્ટાલિને તેમને ઇરાદાપૂર્વક વખતોવખત બિનમહત્ત્વના પ્રાદેશિક લશ્કરી હોદ્દાઓ પર નિયુક્ત કર્યા. સ્ટાલિનના મૃત્યુ (માર્ચ, 1953) પછી નવી રાજકીય નેતાગીરીએ લશ્કરી ટેકો પ્રાપ્ત કરવાના હેતુથી માર્શલ ઝુકોવને નાયબ સંરક્ષણ મંત્રી બનાવ્યા (1953). પરંતુ થોડા સમયમાં ઝુકોવે વડાપ્રધાન જી. એમ. મેલેન્કૉવ વિરુદ્ધ ખ્રુશ્ચેવને ટેકો આપ્યો. ફેબ્રુઆરી, 1955માં એન. એ. બુલ્ગાનિન વડાપ્રધાન થયા તે વખતે ખ્રુશ્ચેવે ઝુકોવને સંરક્ષણ મંત્રી બનાવ્યા. હવે તે સોવિયેત પ્રિસિડિયમમાં પણ સામ્યવાદી પક્ષ તરફથી વિકલ્પે સભ્ય તરીકે ચૂંટાયા.
સંરક્ષણ મંત્રી તરીકે ઝુકોવે લશ્કરમાં સુધારા દાખલ કરવાનો કાર્યક્રમ તૈયાર કર્યો. પક્ષની નેતાગીરી લશ્કરી બાબતોમાં પોતાનું વર્ચસ ગુમાવવા માગતી ન હતી તેથી ખ્રુશ્ચેવ અને ઝુકોવ વચ્ચે ઘર્ષણ થયું. તેમ છતાં જૂન, 1957માં પ્રિસિડિયમની બહુમતીએ જ્યારે ખ્રુશ્ચેવને સત્તા પરથી દૂર કરવા પ્રયાસ કર્યા તે વખતે ઝુકોવે ખ્રુશ્ચેવ તેમજ કેન્દ્રીય સમિતિના બીજા સભ્યોને ટેકો જાહેર કર્યો. તેથી ઝુકોવને પ્રિસિડિયમના પૂર્ણ સભ્ય બનાવવામાં આવ્યા. જોકે ત્યારપછી પણ લશ્કરી દળોને રાજકારણથી સ્વાયત્ત રાખવાના ઝુકોવના પ્રયાસોને લીધે ખ્રુશ્ચેવ સાથે તેમને ઘર્ષણ થયું. પરિણામે 26 ઑક્ટોબર, 1957ને દિવસે ઝુકોવને સંરક્ષણ મંત્રી પદ પરથી તથા પ્રિસિડિયમના સભ્યપદેથી અને પક્ષના હોદ્દાઓ પરથી પણ દૂર કરવામાં આવ્યા. ખ્રુશ્ચેવનું પતન થયું ત્યાં સુધી ઝુકોવ જાહેર જીવનથી દૂર રહ્યા. 1966માં તેને ‘ઑર્ડર ઑવ્ લેનિન’ના ખિતાબથી સન્માનવામાં આવ્યા. 1969માં તેમને તેમની આત્મકથા પ્રગટ કરવાની પણ પરવાનગી આપવામાં આવી.
ર. લ. રાવળ