ઝીંઝુવાડા : ગુજરાતની વાયવ્ય સરહદે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની સીમાના ત્રિભેટે આવેલું ગામ. તે સોલંકીકાલીન કિલ્લાને કારણે વધારે જાણીતું બનેલું છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં 23°-21´ ઉ. અ. અને 70°-39´ પૂ. રે. ઉપર આવેલું છે. ખારાઘોડાથી ઉત્તરે 24 કિમી. દૂર આવેલું વીરમગામ-ખારાઘોડા બ્રૉડગેજ રેલવેનું તે મથક છે.

ઝીંઝુવાડાથી ચારેક કિમી. દૂર ઝીલેશ્વર મહાદેવનું મંદિર અને કુંડ છે. ભાદરવી અમાસને દિવસે ઝીલેશ્વર મહાદેવનો મેળો ભરાય છે. ઝીંઝુવાડા આઝાદી પૂર્વે એજન્સીનું થાણું હતું. ઝીંઝુવાડાથી ખારાઘોડાનો કાચો રસ્તો ઓડુ થઈને જાય છે. બીજો પાકો રસ્તો તેને પાટડી સાથે જોડે છે. બીજા બે રસ્તાઓ જૈનાબાદ અને આદરિયાણાને ઝીંઝુવાડા સાથે જોડે છે. ઝીંઝુવાડા નજીકનો કચ્છના નાના રણનો વિસ્તાર વડાગરા મીઠાના ઉત્પાદન માટે જાણીતો છે. કૂવો ખોદીને ભૂગર્ભ ખારા જળનો મીઠું પકવવા માટે ઉપયોગ થાય છે. મીઠું પાટડી મોકલાય છે અને ત્યાંથી તેની બિહાર, ઉત્તરપ્રદેશ અને ઓરિસામાં નિકાસ થાય છે.

આસપાસના વિસ્તારોમાં જુવાર, બાજરી, કપાસ વગેરે થાય છે. ઝીંઝુવાડા નજીકનાં ગામોનું ખરીદ-વેચાણ કેન્દ્ર છે. નજીકના કચ્છના નાના રણપ્રદેશમાંથી વહાણનું લંગર મળી આવ્યું છે. તેથી અગાઉ પ્રાચીન કાળમાં અહીં સમુદ્ર હશે એવું અનુમાન થાય  છે. ચુંવાળનો પ્રદેશ તેની નજીક છે.

અહીં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળા, જૈન મંદિરો, રામજીમંદિર અને  શિવમંદિર છે. રાજેશ્વરી માતાનું મંદિર કિલ્લાની દીવાલને અડકીને છે.

ગામનો સ્થાપક ઝુંઝો રબારી હતો. દંતકથા પ્રમાણે ઝુંઝાએ કર્ણદેવની રાણી મીનલદેવીને કચ્છના નાના રણના બેટમાં રહેતા તપસ્વીને પુત્ર માટે વિનંતી કરવા સૂચવ્યું. તપસ્વીના વરદાનથી સિદ્ધરાજનો જન્મ થયો. આ કારણથી સિદ્ધરાજે ઝુંઝા રબારીની યાદ સાચવવા ઝુંઝાના નેસને ઝીંઝુવાડા નામ આપ્યું હશે. બીજી અનુશ્રુતિ પ્રમાણે મીનલદેવીએ ગર્ભાવસ્થા દરમિયાન આ સ્થળ પાસે મુકામ કર્યો. નજીકમાં નેસમાં રહેતા ઝુંઝા રબારીએ રાણીની સેવા કરી અને રાણીને તે નેસથી ત્રણ કિમી. દૂર ઝીલેશ્વર મહાદેવના મંદિરે લઈ ગયો. મંદિરના મહંત સિદ્ધનાથે પોતાની ચમત્કારિક શક્તિથી રાણીને ઊપડેલી પીડાનું શમન કર્યું. યોગ્ય સમયે પુત્રનો જન્મ થયો. સિદ્ધના ઉપકારને લીધે રાણીએ પુત્રનું નામ સિદ્ધરાજ રાખ્યું અને નેસનું નામ રબારીના નામ ઉપરથી ઝીંઝુવાડા પાડ્યું.

અહીં સોલંકીકાળ દરમિયાન ગુજરાત રાજ્યની સીમાના રક્ષણાર્થે વ્યૂહાત્મક ર્દષ્ટિએ કિલ્લો બાંધવામાં આવ્યો. આ કિલ્લો ડભોઈના કિલ્લાને મળતો છે. સિંધમાંથી સૌરાષ્ટ્રમાં પ્રવેશવા માટેના દ્વાર સમાન હોઈ તેનું મહત્ત્વ ઘણું હતું. કિલ્લો સમચોરસ ઘાટનો છે. તેની બાજુઓ 3/4 કિમી. લંબાઈની છે. કિલ્લાની ચારે બાજુએ મધ્યમાં પુરદ્વારો છે અને ચાર છેડે ચાર બુરજો આવેલા છે. કિલ્લાને ફરતા કુલ 20 બુરજો છે. કોટની દીવાલ સાદી છે પણ પુરદ્વારો સુંદર કોતરકામવાળાં શિલ્પો ધરાવે છે. ઝીંઝુવાડાનાં પુરદ્વારોમાં દ્વારપાલિકાનાં શિલ્પ લગભગ 3.75 મી. અને નગરરક્ષક દેવોનાં શિલ્પ 1.80 મી.થી 1.95 મી.નાં છે. ચારે પુરદ્વારોનાં અનેક દેવદેવીઓ, અશ્ર્વો અને ગજારૂઢ સ્ત્રીપુરુષોનાં યુગલો, નર્તકો, વાદકો અને મિથુન-શિલ્પો સુંદર કોતરણીયુક્ત છે. રાજગઢી સામેનું તળાવ ધોળકાના મલાવ તળાવને મળતું છે. તે શેષજળતળાવ તરીકે ઓળખાય છે.

શિવપ્રસાદ રાજગોર