ઝારાનું યુદ્ધ : કચ્છની ધરતી ઉપર સિંધના અમીર ગુલામશાહ અને કચ્છના રાવ ગોડજીનાં લશ્કર વચ્ચે ખેલાયેલું અવિસ્મરણીય યુદ્ધ. 1760માં રાવ લખપતના મૃત્યુ પછી ગાદીએ આવેલા રાવ ગોડજીના શાસન દરમિયાન જૂના દીવાન પૂંજા શેઠને રુખસદ અપાઈ હતી અને તેના સ્થાને તેના જ સેવક જીવણને દીવાનપદ અપાયું હતું. આ કારણે અપમાનિત થયેલ પૂંજા શેઠે સિંધના અમીર ગુલામશાહ કલ્હોરાને કચ્છ ઉપર ચડાઈ કરવા ઉશ્કેરણી કરી. 1762માં લડાયેલ આ યુદ્ધમાં સિંધના 70,000ના લશ્કરનો કચ્છ, નવાનગર અને રાધનપુરના સંયુક્ત લશ્કરે સામનો કર્યો. આ યુદ્ધમાં સિંધના 40,000 અને કચ્છના 30,000 સૈનિકો ખપી ગયા. મહારાવે પૂંજા સાથે ખાનગીમાં સમાધાન કર્યું. પૂંજા શેઠને કચ્છની ધરતી વધુ ખેદાનમેદાન થાય તે યોગ્ય ન જણાતાં તેણે ગુલામશાહને કચ્છના 340 કિલ્લાની અને મોટા લશ્કરની તૈયારીની બીક બતાવી અને ગુલામશાહે પીછેહઠ કરી. સમાધાન મુજબ પૂંજો ફરી દીવાન બન્યો પણ અગાઉના તેના વર્તનને કારણે રાવે પૂંજા શેઠને ઝેર પીવા ફરજ પાડી. આ સમાચાર સાંભળી ગુલામશાહે ફરી વાર 1765માં કચ્છ ઉપર 50,000ના લશ્કર સાથે ચડાઈ કરી અને રાવની કુંવરીના હાથની માગણી કરી. રાવે પોતાની પુત્રીને બદલે ખખ્ખરના ભાયાતની પુત્રીને ગુલામશાહ સાથે પરણાવી અને તે પાછો સિંધ ચાલ્યો ગયો; પણ ગુલામશાહને તેની સાથે થયેલા દગાની ખબર પડતાં તેનું વેર વાળવા સિંધુની કચ્છની કોરી ખાડીમાં પડતી શાખા ઉપર અલી બંદર નજીક બંધ બાંધી કચ્છમાં જતું નદીનું વહેણ અટકાવ્યું અને લખપત તાલુકો વેરાન બન્યો. 1819માં ધરતીકંપ થતાં સિંદરી નજીકનો વધુ ભાગ ઊંચો આવ્યો જે ‘અલ્લાહના બંધ’ તરીકે ઓળખાય છે. તેથી સિંધુનું થોડુંઘણું પાણી પણ આવતું બંધ થયું અને લખપતનું બંદર નષ્ટપ્રાય બની ગયું અને તેની જાહોજલાલી અસ્ત પામી. આમ ઝારાના યુદ્ધને કારણે કચ્છની ધરતી વેરાન બની અને વહાણવટાને પણ વિપરીત અસર થઈ.
શિવપ્રસાદ રાજગોર