ઝાલર (fimbriae or pili) : કેટલાંક ગ્રામઋણાત્મક જીવાણુની સપાટીની ફરતે ચારે બાજુ પથરાયેલ, અસંખ્ય વાળ જેવી પાતળી, પોલી, તંતુકીય રચના. કશા(flagella)ની માફક જ ઝાલર પણ કોષરસમાંથી ઉદભવે છે. તે દેખાવમાં કશા જેવી લાગતી હોવા છતાં કશાથી જુદી હોય છે. કશા કરતાં તે પાતળા, નાના, સીધા (ઓછા વલયાકાર) અને તંતુ રૂપે વધુ પ્રમાણમાં હોય છે.

તે ફક્ત વીજાણુ સૂક્ષ્મદર્શકયંત્ર દ્વારા જ જોઈ શકાય છે. તે તંતુ પિલિન નામના પ્રોટીનના બનેલા હોય છે. ઝાલરતંતુ વિવિધ પ્રકારના હોય છે; જેવા કે, આઇ-ઝાલર(I–pilus); એફ. ઝાલર (F–pilus) વગેરે, આઇ-ઝાલર લગભગ 7 nm (નેનોમીટર) જાડા અને 0.5થી 2 μm (માઇક્રોમીટર) લાંબા હોય છે. એફ-ઝાલર આશરે 9 nm જાડી અને 1થી 20 μm લાંબી હોય છે.

ઝાલરનાં મુખ્યત્વે બે કાર્યો છે : (1) જીવાણુને સપાટી પર ચોંટી રહેવામાં મદદરૂપ થવાનું; દા.ત., આઇ-ઝાલર. આ ચોંટાડવાના ગુણધર્મને લીધે રોગકારક જીવાણુ વધુ સંહારક બની સહેલાઈથી રોગ કરી શકે છે. (2) ઝાલરને લીધે સંયુગ્મન (conjugation) દરમિયાન નર અને માદા જીવાણુઓ એકબીજા સાથે ચોંટે છે. તેને લીધે દાતા (donor) જીવાણુનાં જનીન દ્રવ્યગ્રાહી (માદા) જીવાણુમાં દાખલ થાય છે.

જીવાણુમાં ઝાલરને લીધે જીવાણુફાજ તેના યજમાન સાથે ચોંટી શકે છે.

પ્રમોદ રતિલાલ શાહ