ઝારણ (soldering) : નીચા ગલનબિંદુવાળી પૂરક ધાતુની મદદથી બે ધાતુઓને જોડવાની પ્રક્રિયા, રેણ. આ માટેની ધાતુનું ગલનબિંદુ 427° સે. હોય છે. ઝારણનો ઉપયોગ વિશ્વાસપાત્ર વિદ્યુતજોડાણો, પ્રવાહી અથવા વાયુચુસ્ત જોડાણો અને બે ભાગોને ભૌતિક રીતે (physically) જોડવા માટે થાય છે. ઝારણમાં વપરાતી મુખ્ય ધાતુ સીસું અને કલાઈની મિશ્રધાતુ છે. આ ધાતુ કલાઈના ગલનબિંદુ કરતાં ઓછા તાપમાને પીગળે છે. મિશ્રધાતુમાં તેની શક્તિ વધારવા માટે ઍન્ટિમની, બિસ્મથ, કૅડમિયમ,ચાંદી આદિ ધાતુઓ ઉમેરવામાં આવે છે. જે ધાતુઓનું જોડાણ કરવાનું હોય તેમને પ્રથમ બરાબર સાફ કરવામાં આવે છે, જેથી તે ઑક્સાઇડથી મુક્ત બને. જરૂર જણાય ત્યાં બન્ને ભાગોને રાસાયણિક પ્રક્રિયાથી સાફ કરવામાં આવે છે અને કેટલીક વાર તેમની ઉપર ઢોળ પણ ચડાવવામાં આવે છે. સાંધો બનાવવા માટે જોડાણને ખડિયો (soldering irons), ઇન્ડક્શન હીટર અથવા ભઠ્ઠીની મદદથી ગરમ કરવામાં આવે છે. હાથ વડે ઝારણની ધાતુને સાંધા ઉપર પૂરીને જરૂરી જોડાણ કરવામાં આવે છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ