ઝારખંડ : ભારતનાં સંલગ્ન રાજ્યોમાંનું એક રાજ્ય. ભૌગોલિક સ્થાન : 23o ઉ. અ. અને 85o પૂ. રે.. એક અલગ રાજ્ય તરીકે તેની સ્થાપના 15 નવેમ્બર, 2000માં થઈ હતી. સદીઓથી પોતાનું અલાયદું રાજ્ય સ્થાપવાની આદિવાસી સમાજની સદીઓ જૂની માંગણી આખરે ઝારખંડની રચનાથી પૂરી થઈ છે. તેની પૂર્વમાં પશ્ચિમ બંગાળ, પશ્ચિમમાં છત્તીસગઢ, ઉત્તરમાં બિહાર અને દક્ષિણમાં ઓડિસા રાજ્યો આવેલાં છે. તેનો કુલ વિસ્તાર 79,714 ચોકિમી.. તેની વસ્તી 3,29,66,238 (2011)  જેટલી છે. તેની વસ્તીની ગીચતા 414 પ્રતિ ચોકિમી. છે. દરેક 1000 પુરુષોદીઠ તેમાં સ્ત્રીઓની સંખ્યા 947 છે. તેના શહેરી વિસ્તારમાં રહેતી વસ્તીનું પ્રમાણ 22.25 ટકા જેટલું છે અને બાકીની 77.75 ટકા વસ્તી ગ્રામવિસ્તારમાં રહે છે. તેમાં સાક્ષરતાનો દર 67.63 ટકા જેટલો છે જેમાંથી 78.45 ટકા સાક્ષરો પુરુષો તથા 56.21 ટકા સ્ત્રીઓ છે. રાંચી શહેર રાજ્યનું પાટનગર છે. જ્યાં રાજ્યની વડી અદાલત કામ કરે છે. તેના જિલ્લાઓની સંખ્યા 18 જેટલી છે. તેમાં દ્વિગૃહી ધારાસભા છે. રાજ્યની મુખ્ય ભાષા હિંદી છે. બોકારો, જમશેદપુર, ધનબાદ, ગહરવા, કોડર્મા, ડુમકા, બેટલા, હઝારીબાગ, ગિરિદી, ગોકા, ગુમલા, સિંઘભૂમ અને ડાલ્ટનગંજ – આ સ્થળો પ્રવાસન માટે પ્રસિદ્ધ છે. જમશેદપુર પોલાદના કારખાના માટે, બેટલા પાલામાઉ રાષ્ટ્રીય ઉદ્યાન માટે, હઝારીબાગ વન્યજીવન માટે, ગુમલા હવા ખાવાના સ્થળ તરીકે(Hill Station) તથા ડાલ્ટનગંજ સૌથી વધારે વસ્તીના કેન્દ્ર તરીકે જાણીતાં છે. સિલિકા રેતી, ક્વાર્ટ્ઝ, અબરખ, પાયરાઇટ, ચિનાઈ માટી, ડૉલોમાઇટ, સોપસ્ટોન, તાંબું, કોલસો, લોખંડ, મૅન્ગેનીઝ, માઇકા, ક્રોમાઇટ અને બૉક્સાઇટ આ તેના મુખ્ય ખનીજ પદાર્થો છે. બોકારો શહેરમાં જાહેરક્ષેત્રનાં બે મોટામાં મોટાં કારખાનાં આવેલાં છે જ્યારે જમશેદપુરમાં ખાનગી ક્ષેત્રનું જાણીતું ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ (TISCO)નું કારખાનું આવેલું છે. ભારતના કોલસાના કુલ સંગ્રહના 37.5 ટકા જેટલો કોલસો, તાંબાના કુલ જથ્થાના 40 % જેટલો જથ્થો, લોહઅયસ્ક (iron ore)ના કુલ જથ્થાના 22 % જેટલો જથ્થો, અબરખના કુલ જથ્થાના 90 % જેટલો જથ્થો ઝારખંડ રાજ્યમાં આવેલો છે. (ખનિજ પદાર્થોનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે તો ઝારખંડ રાજ્ય ભારતના સમૃદ્ધ રાજ્ય તરીકે ઊપસી આવે તેમ છે.)

ઇતિહાસ : તેનો ઇતિહાસ દર્શાવે છે કે ઓડિસાના રાજા જયસિંહદેવે તેરમી સદીમાં પોતાને ઝારખંડના રાજા તરીકે જાહેર કર્યા હતા. આ પ્રદેશ મુખ્યત્વે છોટાનગરનાં જંગલોનો ઉચ્ચપ્રદેશ સંથાલ પરગણાને આવરી લે છે, જ્યાં વિશિષ્ટ પ્રકારની પરંપરાગત સાંસ્કૃતિક પ્રણાલીઓ અને રીતરિવાજોનો પ્રાદુર્ભાવ જોવા મળે છે. ઝારખંડના અલાયદા રાજ્ય માટેની માંગણી સર્વપ્રથમ 1928માં છોટાનાગપુર ઉન્નતિ સમાજે (સ્થાપના 1915) સાયમન કમિશન સમક્ષ પ્રસ્તુત કરી હતી. ત્યાર બાદ એ.કે. રૉય નામમાં કટ્ટર ડાબેરી વિચારસરણીને વરેલા નેતાએ અલાયદા રાજ્યની માગણીના સંદર્ભમાં માર્કિસ્ટ કોઑર્ડિનેશન કમિટીની સ્થાપના કરી હતી. આઝાદી પછીના ગાળામાં સંથાલ પરગણાના નેતા શિબુ સોરેન તથા વિનોદ બિહારી મહેતાએ ઝારખંડ મુક્તિ મોરચા(JMM) (સ્થાપના 1972)ના નેજા હેઠળ અલાયદા ઝારખંડ રાજ્ય માટે આંદોલન શરૂ કર્યું હતું. તેના પરિણામસ્વરૂપ 1995માં કેન્દ્રસરકારે ઝારખંડ પ્રદેશ સ્વાયત્ત સમિતિની રચના કરી હતી અને છેવટે 15 નવેમ્બર, 2000ના રોજ આ પ્રદેશને અલાયદા રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. આ નવા ભારતીય સંઘરાજ્યના 28મા રાજ્યના પ્રથમ મુખ્યમંત્રીના પદે શિબુ સોરેનની વરણી કરવામાં આવી હતી. સમયાંતરે તેમની સામે ભ્રષ્ટાચાર અને ગુનાહિત કૃત્યો કરવાના આક્ષેપ હેઠળ કામ ચલાવવામાં આવ્યું હતું અને તેમના વિરુદ્ધ ન્યાયાલયના નિર્ણયના કારણે તેમને રાજીનામું આપવું પડ્યું હતું. થોડાક સમય માટે તેમને કેન્દ્રસરકારમાં પણ મંત્રીપદ બહાલ કરવામાં આવ્યું હતું, જે લાંબા સમય સુધી ટકી શક્યું ન હતું.

ઝારખંડ મુક્તિ મોરચા(JMM)ની સ્થાપનામાં ભારતના અગ્રણી હૉકી-ખેલાડી જસપાલસિંગ મુંડાએ અગ્રણી ભૂમિકા ભજવી હતી. 1928માં વિશ્વ ઑલિમ્પિક સ્પર્ધાઓમાં હૉકીમાં ભારતને સુવર્ણચંદ્રક મેળવી આપવામાં આ ખેલાડીનો મહત્વનો ફાળો હતો.

તેના રાજ્યપાલ ફારુક મારીકર છે, મુખ્ય મંત્રી અર્જુન મુંડા (ભાજપ) છે (2012). 81 બેઠકોથી બનેલી એકગૃહી વિધાનસભા તે ધરાવે છે. ભારતીય સંસદની લોકસભાની ચૌદ બેઠકો અને રાજ્યસભાની 6 બેઠકો તે ધરાવે છે. સાંસ્કૃતિક ક્ષેત્રે ઝારખંડ તેના છાઉ નત્ય માટે જાણીતું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

રક્ષા મ. વ્યાસ