ઝાયનિઝમ : યહૂદીઓનું રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક આંદોલન. તેનો હેતુ પૅલેસ્ટાઇનમાં યહૂદી રાષ્ટ્રની સ્થાપના કરવાનો અને તેને ટેકો આપવાનો હતો. ઝાયનિસ્ટ આંદોલન સાથે ઝાયન ટેકરી પર સ્થપાયેલા પ્રાચીન જેરૂસલેમનો ઇતિહાસ અને સંસ્કૃતિ જોડાયેલાં છે. ઈ. સ. પૂ. 586માં બૅબિલોનિયનો દ્વારા થયેલા જેરૂસલેમના નાશ પછી દેશનિકાલ થયેલી યહૂદી પ્રજાની ફરીથી પોતાની ભૂમિમાં પાછા ફરવા માટેની અતૂટ શ્રદ્ધા ઓગણીસમી સદીની રાષ્ટ્રીય ભાવના સાથે સંકળાયેલી છે.
ઝાયનિસ્ટ આંદોલન પૂર્વ અને મધ્ય યુરોપમાં ઓગણીસમી સદીના છેલ્લા દાયકાઓ દરમિયાન અને વિશેષ કરીને 1881માં રશિયાના ઝાર ઍલેક્ઝાન્ડર બીજાની હત્યા પછી શરૂ થયું. યહૂદીઓ ઝારશાહીની દમનનીતિનો ભોગ બન્યા હતા. યુરોપના ખ્રિસ્તી સમાજે પણ તેમનો સંપૂર્ણ સ્વીકાર કર્યો ન હતો. તેથી 1882માં લિયોન પિન્સકેર દ્વારા ‘લવ ઑવ્ ઝાયન’ નામનું આંદોલન શરૂ કરવામાં આવ્યું. તેનો હેતુ યહૂદીઓની અસ્મિતાને પોષક સ્વતંત્ર રાષ્ટ્ર સ્થાપવાનો હતો. શરૂઆતમાં યહૂદી ખેડૂતો અને કારીગરોને પૅલેસ્ટાઇનમાં વસવાટ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. જોકે અહદ હા અમ (Ahad Ha Am) જેવા યહૂદી નેતાએ ઝાયનિઝમના રાજકીય કરતાં સાંસ્કૃતિક પાસાને જ વધારે મહત્વ આપ્યું હતું; પરંતુ આ આંદોલનને સ્પષ્ટ રીતે રાજકીય સ્વરૂપ આપનાર ઑસ્ટ્રિયન પત્રકાર થિયૉડોર હર્ઝલ હતો. 1896માં તેણે ‘The Jewish State’ નામનું પુસ્તક પ્રગટ કર્યું અને 1897માં સ્વિટ્ઝર્લૅન્ડમાં બાઝલ મુકામે પ્રથમ ઝાયનિસ્ટ સંમેલન બોલાવ્યું. આ સંમેલનમાં પૅલેસ્ટાઇનમાં યહૂદીઓના રાષ્ટ્રીય રહેઠાણ માટેના આંદોલનનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો અને તે માટે વિશ્વ ઝાયનિસ્ટ સંગઠનની સ્થાપના કરવામાં આવી.
1904માં હર્ઝલના મૃત્યુ પછી આ આંદોલનનું કેન્દ્ર બર્લિન બન્યું. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં ઝાયનિસ્ટ આંદોલનને ટેકો આપનારાઓની સંખ્યા નાની હતી. 1914 સુધીમાં પૅલેસ્ટાઇનમાં લગભગ 90,000 જેટલા યહૂદીઓની વસ્તી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન આ આંદોલનનું રાજકીય સ્વરૂપ વધારે પ્રબળ બન્યું. તેનું નેતૃત્વ ઇંગ્લૅન્ડમાં રહેતા રશિયન યહૂદીઓના હાથમાં કેન્દ્રિત થયું. ચેઇમ વિઝમન અને નહુમ સોકોલોવના પ્રયાસથી 2 નવેમ્બર, 1917ને દિવસે બ્રિટિશ વિદેશમંત્રી બેલ્ફરે એક જાહેરાત કરી. ‘બેલ્ફર ઘોષણા’ તરીકે જાણીતી બનેલી આ જાહેરાત દ્વારા બ્રિટને પૅલેસ્ટાઇનમાં યહૂદીઓની રાષ્ટ્રીય રહેઠાણ સ્થાપવાની માગણીને ટેકો આપવાનું વચન આપ્યું. 1922માં બ્રિટને લીગ ઑવ્ નૅશન્સ વતી શાસનાદિષ્ટ સત્તા (mandatory power) હેઠળ પૅલેસ્ટાઇનના વહીવટી તંત્રની જવાબદારી સંભાળી ત્યારે તેમાં ‘બેલ્ફર ઘોષણા’નો પણ સમાવેશ થતો હતો.
ત્યારપછીનાં વર્ષો દરમિયાન ઝાયનિસ્ટ આંદોલનકારોએ પૅલેસ્ટાઇનમાં જમીનો ખરીદી અને શહેરી તેમજ ગ્રામ-વિસ્તારોમાં સ્વાયત્ત તંત્ર સાથે યહૂદી વસવાટ-કેન્દ્રો ઊભાં કર્યાં. માર્ચ, 1925માં પૅલેસ્ટાઇનમાં યહૂદીઓની કુલ સત્તાવાર વસ્તી 1,08,000 આંકવામાં આવી. 1933 સુધીમાં તે વધીને કુલ વસ્તીના 20 % એટલે 2,38,000 જેટલી થઈ. યુરોપમાં હિટલરનો પ્રભાવ વધતાં અને તેની યહૂદી વિરોધી નીતિને લીધે પૅલેસ્ટાઇનમાં યહૂદી વસાહતીઓની સંખ્યામાં ખૂબ વૃદ્ધિ થઈ. બીજી બાજુ પૅલેસ્ટાઇનના આરબોને એ દહેશત પેદા થઈ કે તેમની વિશાળ બહુમતી હોવા છતાં પૅલેસ્ટાઇન યહૂદી રાજ્ય બની જશે. તેથી તેમણે ઝાયનિસ્ટ આંદોલન અને તેને ટેકો આપવાની બ્રિટિશ નીતિનો સખત પ્રતિકાર કર્યો. આરબ-યહૂદી રમખાણો ઉપરાંત 1929 અને ત્યાર પછી 1936-39ના સમય દરમિયાન બ્રિટિશ શાસન સામે પૅલેસ્ટાઇનમાં કેટલાક આરબવિદ્રોહ થયા. બ્રિટને આરબો અને યહૂદીઓની માગણીઓના સમાધાનના ભાગરૂપ કેટલીક યોજનાઓ રજૂ કરી; પરંતુ તેમાં સફળતા ન મળી. જર્મનીમાં યહૂદીઓને નષ્ટ કરવાના કાર્યક્રમને લીધે પૅલેસ્ટાઇનમાં યહૂદી વસાહતીઓની સંખ્યા ઝડપથી વધવા લાગી. 1939માં યહૂદી વસ્તી 4,46,000 જેટલી થઈ. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ઝાયનિસ્ટ આંદોલનકારોએ યુ.એસ.માં યહૂદી રાષ્ટ્રના ટેકા માટે ખૂબ પ્રચાર કર્યો તેથી ત્યાં આ માગણી પ્રત્યે સહાનુભૂતિ પેદા થઈ.
દ્વિતીય વિશ્વયુદ્ધના અંત પછી પૅલેસ્ટાઇનની સમસ્યાના નિરાકરણ માટે બ્રિટન અને યુએસ.એ સંયુક્ત પ્રયાસ કર્યા, પરંતુ તે નિષ્ફળ જતાં બ્રિટને છેવટે આ પ્રશ્નને સંયુક્ત રાષ્ટ્રો સમક્ષ રજૂ કર્યો.
29 નવેમ્બર, 1947ને દિવસે સંયુક્ત રાષ્ટ્રોએ પૅલેસ્ટાઇનને અલગ આરબ અને યહૂદી રાજ્યમાં વિભાજિત કરવાનો અને જેરૂસલેમને આંતરરાષ્ટ્રીય શહેર તરીકેનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ મૂક્યો, જેનો બહુમતીથી સ્વીકાર કરવામાં આવ્યો. 14 મે, 1948ને દિવસે વિભાજનની યોજના હેઠળના યહૂદી વસ્તીવાળા પ્રદેશમાં ઇઝરાયલનું નવું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. તે સાથે 1948–49નું આરબ-ઇઝરાયલ યુદ્ધ ફાટી નીકળ્યું. આ યુદ્ધ દરમિયાન ઇઝરાયલે સં.રા.ના ઠરાવ મુજબ નક્કી કરવામાં આવેલા પ્રદેશ કરતાં વધારે ભૂમિ પર કબજો જમાવ્યો અને 8,00,000 જેટલા પૅલેસ્ટિનિયન આરબોને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા. આમ, પ્રથમ ઝાયનિસ્ટ સંમેલનનાં 50 વર્ષ પછી અને ‘બેલ્ફરની ઘોષણા’નાં 30 વર્ષ પછી ઝાયનિસ્ટ આંદોલનને પરિણામે પૅલેસ્ટાઇનમાં યહૂદી રાષ્ટ્ર–રાજ્ય સ્થાપવામાં આવ્યું. 1948 પછી પણ દુનિયાના ઘણા દેશોમાંનાં ઝાયનિસ્ટ સંગઠનોએ ઇઝરાયલને ટેકો આપવા તથા દુનિયાના યહૂદીઓને ત્યાં વસવાટ માટે પ્રોત્સાહિત કરવા નાણાકીય સહાય ચાલુ રાખી.
ર. લ. રાવળ