ઝાયગોફાયલેસી : દ્વિદળી (dicotyledons) વર્ગના જિરાનિયેન્સ ગોત્રનું કુળ છે. મોટાભાગના જાતિવિકાસશાસ્ત્રીઓ આ કુળને જિરાનિયેલ્સ ગોત્રમાં મૂકે છે. હચિન્સન તેને માલ્પિઘિયેલ્સ ગોત્રમાં મૂકે છે.

આ કુળમાં 27 પ્રજાતિ અને લગભગ 200 જાતિઓનો સમાવેશ થયેલો છે. કુળ મૂળભૂત રીતે ઉષ્ણ પ્રદેશોમાં થતું હોવા છતાં ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધોના સમશીતોષ્ણ પ્રદેશો સુધી વિસ્તરણ પામેલું છે. ભૂમધ્ય સમુદ્રીય દેશોના શુષ્ક પ્રદેશોમાં તેની જાતિઓ વધારે પ્રમાણમાં થાય છે. Guaiacumની 1 અને Kallstroemiaની 6 જાતિઓ દક્ષિણ ફ્લૉરિડામાં અને Fagonia, Larrea, Porlieria અને Peganumની 1 જાતિ ફ્લૉરિડાના નૈર્ઋત્ય પ્રદેશમાં વિસ્તરણ પામેલી છે. Tribulus terrestrisનું વિસ્તરણ કુદરતી રીતે બહોળા પ્રમાણમાં થયેલું છે. Zygophyllum (100 જાતિઓ) મોટેભાગે આફ્રિકા અને ઑસ્ટ્રેલિયામાં થાય છે. Fagoniaની 40 જાતિઓ જૂની દુનિયામાં વિસ્તરણ પામેલી છે. Zygophyllum અને Fagonia આ કુળની સૌથી મોટી પ્રજાતિઓ છે.

1. પુષ્પીય શાખા, 2. પુષ્પ, 3. પુષ્પનો આયામ-છેદ,
4. સ્ત્રીકેસર–ચક્ર, 5. બીજાશયનો આડો છેદ, 6. ફળ

મોટેભાગે શાકીય અને ક્ષુપ, ભાગ્યે જ વૃક્ષ (Guaiacum spp.). ઘણી વાર પ્રકાંડની શાખાઓ ગાંઠેથી સાંધામય. પર્ણો મોટેભાગે પીંછાકાર સંયુક્ત, કેટલીક વાર સાદાં કે દ્વિપંજાકાર સંયુક્ત, સમ્મુખ. કેટલીક પ્રજાતિઓમાં એકાંતરિક, ઘણી વખત માંસલ કે ચર્મીય. ઉપપર્ણો દીર્ઘાયુ (persistent). સામાન્યત: ચર્મીય, રોમમય, માંસલ કે કંટકીય. પુષ્પવિન્યાસ એકાકી પરિમિત (cymoseyé) કે પરિમિત. પુષ્પ નિયમિત અથવા ભાગ્યે જ અનિયમિત, દ્વિલિંગી Neoleuderitziaમાં એકલિંગી અને દ્વિગૃહી (dioecious) હોય છે. અધોજાય બિંબની હાજરી, બહિર્ગોળ કે ચપટી કે ક્વચિત્ વલયાકાર. વજ્રપત્રો 5 અથવા 4, મુક્ત વજ્રપત્રી અથવા તલસ્થ ભાગેથી જોડાયેલ. દીર્ઘાયુ, કોરછાદી (imbricate) ભાગ્યે જ કોરસ્પર્શી (valvate). દલપત્રો 5 અથવા 4, ક્વચિત્ દલપુંજનો અભાવ, કોરછાદી કલિકાન્તરવિન્યાસ, પુંકેસરો 5, 10 કે 15 અથવા 4, 8  કે 12, એકચક્રીય, દ્વિચક્રીય કે ત્રિચક્રીય, ઘણી વાર અસમાન, બહારનું ચક્ર સામાન્યત: દલપુંજ સમ્મુખ, તંતુઓ મુક્ત, અનાવરિત કે તલસ્થ ભાગે શલ્કો વડે આવરિત દ્વિખંડી, સ્ફોટન રેખાંશીય (longitudinal) અંતર્મુખી (introse), ચાર કે પાંચ સંયુક્ત સ્ત્રીકેસરો ધરાવતું ઊર્ધ્વસ્થ બીજાશય સામાન્યત: ખાંચાવાળું કે સપક્ષ, અદંડી કે ટૂંકા જાયાંગધર (gynophore) પર, જરાયુ વિન્યાસ અક્ષવર્તી, 4થી 5 કોટરીય પ્રત્યેક જરાયુ પર બે કે તેથી વધારે અંડકો, ભાગ્યે જ એક અંડક, પરાગવાહિની એક, પરાગાસન સામાન્યત: એક અને સાદું, ભાગ્યે જ 4થી 5 પરાગવાહિનીઓ, મુક્ત અથવા પરાગાસન બિંબવત્ : ફળ વિવરીય (loculicidal) કે પટ્ટીસ્ફોટક (septicidal) પ્રાવર બહુ ઓછી જાતિઓમાં અષ્ઠિલસમ બદરી (drupacious berry) ફળ હોય છે. બીજમાં ભ્રૂણ સીધો કે વક્ર ભ્રૂણપોષ પુષ્કળ પ્રમાણમાં અને સખત.

Guaiacum officinale સખત કાષ્ઠ ધરાવે છે. Zygophyllum અને Larreaની કેટલીક જાતિઓ ઉષ્ણ પ્રદેશોમાં શોભાની વનસ્પતિ તરીકે અને Tribulus terrestris (ગોખરુ) ઔષધીય મહત્વની છે.

બળદેવભાઈ પટેલ