ઝરથુષ્ટ્ર : પ્રાચીન ઝરથોસ્તી ધર્મના આદ્યપુરુષ. ઝરથુષ્ટ્રને ઝરથુસ્ત્ર કે જરથોસ્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. એક મત મુજબ તેમનો સમય ઈ. સ. પૂ. આશરે 7000 ગણાય છે. બીજા મત મુજબ તે વૈદિક યુગની લગભગ સમાંતર છે. તેના આધારે ઝરથુષ્ટ્ર આશરે ઈ. સ. પૂર્વે 3000 સુધીમાં થયા હોવા જોઈએ.
શહેનશાહી પંથી પારસી કૅલેન્ડર પ્રમાણે તેમનો જન્મ ફ્રવર્દીન માસ (પારસી કૅલેન્ડરનો પ્રથમ માસ) અને ખોરદાદ રોજ(પારસી માસની છઠ્ઠી તિથિ)ના દિવસે થયો હતો. આ જન્મદિવસને પારસીઓ આજે પણ ‘ખોરદાદ સાલ’ના તહેવાર તરીકે ઊજવે છે.
‘દીનકર્દ’ નામના પુસ્તકના આધારે, અત્યાચારથી ત્રાસી ગયેલી ધરતી ઉપર કોઈ તારણહાર મોકલવા માટે દાદાર(પરમેશ્વર)ને વિનંતી કરવામાં આવી હતી. તેના ફલસ્વરૂપે દાદાર અહુરમઝદે ઝરથુષ્ટ્રની પસંદગી કરી અને સર્વે યઝદો(દેવદૂતો)એ એકીઅવાજે તેનું સમર્થન કર્યું.
ઝરથુષ્ટ્રના વડવાનું નામ સ્પિતમ હતું તેથી તેમનું કુળ ‘સ્પિતમાન’ તરીકે ઓળખાયું. ‘ઝરથુષ્ટ્ર’ શબ્દનો અર્થ ‘સોનેરી સિતારો’ (ઝર = સોનેરી અને સ્તર = સિતારો) છે. કેટલાક તેનો અર્થ ‘સોનેરી ઊંટ’ (ઝર્દ = સોનેરી અને ઉસ્તર = ઊંટ) કરે છે. સોનેરી રંગ ડહાપણનું પ્રતીક છે અને ઊંટ આશ્વાસનનું સૂચક છે. રણ જેવી કઠિન પરિસ્થિતિમાં ઝરથુષ્ટ્રનું જ્ઞાન માર્ગદર્શક બન્યું હતું. અવસ્તામાં આ સર્વગ્રાહી ડહાપણને ‘પૌરુ ચિસ્તી’ કહ્યું છે. ઝરથુષ્ટ્રના નામની સાથે કેટલાંક વિશેષણોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે; જેવાં કે, અષો = પવિત્રતાના પરવર; રઝ્ઝગો = અહુરાની યોજનાઓનો ભેદ જાણનાર; વીસશુરે વખશુરાન = પેગંબરોના આગેવાન; યઝદાન = અન્ય યઝદોની કક્ષાના પરંતુ માનવજાતના કલ્યાણ અર્થે ધરતી ઉપર અવતરેલા અને નબી = ઈશ્વરના દૂત.
ઝરથુષ્ટ્રનો જન્મ આથ્રવન (આથર્વણ બ્રાહ્મણ) કુટુંબમાં થયો હતો. પિતાનું નામ પૌરુશસ્પ. માતા જાવીશી કુળનાં, નામે દુગ્ધો કે દોગદો હતાં. આ પવિત્ર સન્નારીને સ્વપ્નામાં એવી આગાહી થઈ હતી કે પૃથ્વી ઉપરના પાપનો બોજ હળવો કરવા માટેનો તારણહાર તેમની કૂખે અવતરશે. તદનુસાર ઈરાનના રય શહેરમાં, દરેજી નદીના તીરે આ બાળકે જન્મ લીધો. જન્મતાંની સાથે જ રડવાને બદલે આ બાળક હસવા લાગ્યું. સમગ્ર વિશ્વ આનંદવિભોર થઈ ગયું. બાળકના મસ્તકની ફરતે પ્રભામંડળ જણાયું; જેનાથી જુલમી સરદાર દુરાષરુન ચોંકી ઊઠ્યો અને તેના અનુયાયીઓમાં ગભરાટ ફેલાયો.
બાળકની હત્યા કરવા માટે દુરાષરુને પ્રપંચ કર્યો. પિતા પૌરુશસ્પ દુરાષરુનના કુળના હતા. તેમને ફોસલાવીને દુરાષરુને ઝરથુષ્ટ્રનો કબજો મેળવ્યો અને તેમની હત્યા માટે અનેક પ્રપંચી પ્રયાસ કર્યા. ગળું દબાવી બાળકને ગૂંગળાવતાં, દુરાષરુનના આખા શરીરમાં ધ્રુજારી પેદા થઈ; કટારી વડે ખૂન કરવા જતાં તેના હાથ પાછળ વળી જઈ ઢીલા પડી ગયા; બાળકને અગ્નિમાં નાખ્યું તો તેને ફૂલોના ઢગલા વચ્ચે રમતાં જોયું; પશુના ધણ વડે ચગદી નાખવાનો પ્રપંચ કર્યો ત્યારે એક મોટા ગોધાએ તેને પોતાના ચાર પગ વચ્ચે રાખી તેનું રક્ષણ કર્યું; ઘોડાના ટોળાની વચ્ચે પણ દૈવી બચાવ થયો; હિંસક વરુઓની ગુફામાં બાળકને સુવડાવ્યું તો વરુઓનાં મોં લકવાથી જકડાઈ ગયાં અને વિષયુક્ત દૂધનો પ્રપંચ પણ છતો થઈ ગયો. આમ દુરાષરુન તેની મેલી મુરાદમાં ફાવ્યો નહિ અને યઝદો દ્વારા બાળક ઝરથુષ્ટ્રનું દૈવી રક્ષણ થયું.
ઝરથુષ્ટ્ર 7 વર્ષના થયા ત્યારે તેમને તાલીમ અર્થે અતિ વિદ્વાન ગુરુ બુરજીનકુરુશને સોંપ્યા. તેમની હોશિયારીથી તેમ જ ગુરુ કરતાં સવાયા આધ્યાત્મિક જ્ઞાનથી બુરજીનકુરુશ નવાઈ પામ્યા. નાનપણથી જ ઝરથુષ્ટ્રમાં ત્યાગભાવના દેખાતી હતી. 15 વર્ષની વયે પિતાએ મિલકતની વહેંચણી કરી ત્યારે ઝરથુષ્ટ્રે માત્ર કુશ્તી (જનોઈ) સિવાય અન્ય વસ્તુ સ્વીકારવા ઇન્કાર કર્યો.
20 વર્ષની ભરયુવાન વયે દુનિયાના દુ:ખનું નિવારણ કરવા માટે તેમણે ગૃહત્યાગ કર્યો; અને દયાથી ઊભરાતા હૃદયે દુકાળપીડિતોને સહાય કરી. ઈશ્વરી પ્રેરણા મેળવવા માટે બહિસ્તૂન પહાડના શિખર ઉપર 10 વર્ષ સુધી એકાંતવાસમાં સાધુજીવન ગાળ્યું. ત્યાં મહદંશે ધ્યાનાવસ્થામાં જ રહેતા. બકરીનું દૂધ અને ફળાહાર ઉપર જીવન વિતાવતા. અહીં તેમને અહુરમઝદ(સર્વશક્તિમાન પરમેશ્વર)ના 6 અમસાસ્પંદો(અગ્રણી દેવદૂતો)નાં દર્શન થયાં. શરીરમાં ગજબનું ચૈતન્ય અનુભવ્યું અને મસ્તકની આસપાસ તેજ ઝળહળી રહ્યું. ધર્મવિદોના મતે ઝરથુષ્ટ્ર એ દૈવીશક્તિનો જ પર્યાય છે. ઝરથુષ્ટ્રને તે સાધનાના ફલસ્વરૂપે મળી હતી. ઝરથુષ્ટ્રની ગાદી ઉપર જે ધર્મરક્ષકો આવ્યા તેઓ ‘ઝરથુસ્ત્રતમેહ’ તરીકે ઓળખાયા. દેવદૂત સરોશ યઝદની મદદથી અને પ્રેરણાથી ઝરથુષ્ટ્રે અનેક ગૂઢ પ્રશ્ર્નોના ઉકેલ મેળવ્યા. પ્રલોભનની સામે સાવધ રહીને અંગ્રમૈન્યુ(અસત્–હારેમન)ના પ્રપંચને પડકાર્યો અને જણાવ્યું : ‘‘મારાં અસ્થિના ચૂરેચૂરા થઈ જાય, આત્મા અને બુદ્ધિ હણાઈ જાય તોપણ હું અહુરાનો માર્ગ છોડનાર નથી.’’ (વંદીદાદ ગ્રંથ, 19.7) આમ, અંત સુધી ઝરથુષ્ટ્રે પવિત્રતા અને સત્ય છોડ્યાં નહિ તેથી તેઓ ‘અષો ઝરથુષ્ટ્ર’ કહેવાયા.
તેમને એવી પ્રેરણા થઈ કે સડો સમાજમાં રહેલો છે માટે સમાજમાં રહીને જ માનવસેવા કરવામાં સાચી ભક્તિ રહેલી છે. તેથી તેઓ શહેરમાં પાછા ફર્યા અને ઝરથોસ્તી ધર્મસંદેશના પ્રચારનું ભગીરથ કાર્ય ઉપાડી લીધું. રૂઢિચુસ્ત કર્મકાંડી ધર્મગુરુઓને નીતિમત્તાવાળો આ નવીન ધર્મસંદેશ અકળાવી રહ્યો. ખોટી માન્યતા, મેલી પૂજા, વહેમ અને રૂઢિઓ સામે ઝરથુષ્ટ્રે ઝુંબેશ ચાલુ રાખી. પશુયજ્ઞની પુરાણી પ્રથા અને કુરિવાજો ઉપરનો તેમનો પ્રહાર કર્મકાંડીઓ માટે અસહ્ય બન્યો. વિરોધીઓના પ્રચારને કારણે શરૂમાં ઝરથુષ્ટ્રના સંદેશની અવગણના થયેલી.
તેમના પિતરાઈ ભાઈ તેમના પ્રથમ શિષ્ય બન્યા. ઝરથુષ્ટ્રને લાગ્યું કે તેમના સંદેશના પ્રચાર કાજે રાજ્યનું પીઠબળ આવશ્યક છે. તેથી તેઓ રય શહેર છોડીને પૂર્વમાં આવેલા બલ્ખમાં આવ્યા. કયાની વંશના ધર્મી શાહ ગુસ્તાસ્પના દરબારમાં તેમને પ્રવેશ આપવામાં આવ્યો ત્યારે એક હાથમાં ઝળહળતો આતશ(અગ્નિ)નો ગોળો હતો. બીજા હાથમાં 9 ગાંઠવાળો ધર્મદંડ હતો, જે નવગર તરીકે ઓળખાય છે. 9 ગાંઠ 9 ઝરથોસ્તી સંહિતાનું પ્રતીક છે. તેની ઉપરનું ગાયના મસ્તકનું પ્રતીક અહિંસાનું સૂચક છે. ઝરથુષ્ટ્રના મસ્તકની ફરતે રહેલા ઝળહળતા તેજથી આખો દરબાર પ્રકાશિત બન્યો. તેમની આંખમાંથી નીતરી રહેલી પવિત્રતાથી સૌ દરબારીઓ અંજાઈ ગયા.
તેમના જ્ઞાનની કસોટી કરવા માટે શાહ ગુસ્તાસ્પે, પ્રખર વિદ્વાનોની સભા ભરીને પરિસંવાદનું આયોજન કર્યું. ઝરથુષ્ટ્રે કેટલાક ધર્મપંડિતોની શંકાનું સમાધાન કર્યું. એક ધર્મવિશારદ પંડિત ચંદ્રગાચે ઝરથુષ્ટ્રની આકરી કસોટી કરી, પરંતુ છેવટે તે ઝરથુષ્ટ્રથી ખૂબ પ્રભાવિત થયા.
શાહના દરબારમાં ઝરથુષ્ટ્રની વધતી જતી વગ તથા બહુમાનથી ઈર્ષાળુ ખુશામતખોરો અકળાયા અને તેમનો પ્રભાવ ઘટાડવા માટે પ્રપંચની યોજના ઘડી. ઝરથુષ્ટ્રના ઉતારાના દ્વારપાળને લાંચ આપી તેમના ખંડમાં પ્રવેશી તેમના પલંગ નીચે મેલા જાદુ અને વશીકરણ માટે ઉપયોગમાં લેવાતી મલિન વસ્તુઓ ગોઠવીને શાહને ફરિયાદ કરી કે ઝરથુષ્ટ્ર મેલી શક્તિ ધરાવનાર જાદુગર છે. શાહે ઉતારાની ઝડતી લેવડાવતાં ત્યાંથી વાળ, નખ, હાડકાં, ખોપરી વગેરે મળી આવ્યાં. આરોપ સાબિત થયો અને ઝરથુષ્ટ્રને ફાંસીની સજા ફરમાવી કેદ કર્યા. ખોરાક પણ બંધ કરવામાં આવ્યો. પ્રપંચી દરબારીઓ ખુશ થયા. કેદખાનામાં ઝરથુષ્ટ્ર ભક્તિમાં જ તલ્લીન રહેતા.
તે અરસામાં શાહનો ખૂબ માનીતો ઘોડો ‘અસ્પેસિહા’ ગંભીર માંદગીમાં સપડાયો અને તેના ચારે પગ તેના પેટમાં પેસી ગયા. શાહને અપાર દુ:ખ થયું. ઘોડાને સાજો કરવાના બધા ઉપાય નિષ્ફળ નીવડ્યા. ઝરથુષ્ટ્રને કાને આ વાત ગઈ. મંત્રબળથી ઘોડાને સાજો કરવાની તેમણે ખાતરી ઉચ્ચારી. ઘોડાનો ઇલાજ કરતાં પહેલાં તેમણે પોતાની 4 શરતો મંજૂર રાખવા શાહ પાસેથી વચન લીધું : શાહે સ્વયં ઝરથોસ્તી ધર્મ અંગીકાર કરવો; રાણી હુતોક્ષી ઝરથોસ્તી બને; ઝરથોસ્તી ધર્મનો ઈરાનમાં પ્રચાર કરવા રાજકુંવર અસ્પંદિયારે પ્રબંધ કરવો અને જે પ્રપંચી દરબારીઓએ જૂઠો આરોપ મૂક્યો હતો તેમણે પોતાનો ગુનો કબૂલ કરવો. બધી શરતો મંજૂર રાખવામાં આવતાં, ઝરથુષ્ટ્રે માંથ્રવાણી (મંત્ર) વડે ઘોડાને સાજો કર્યો. ગુનેગારોએ ઝરથુષ્ટ્રના ચરણ પકડી તેમની માફી માગી. ગુનેગારોને દેશનિકાલ કરવામાં આવ્યા. ઝરથુષ્ટ્રની ફાંસીની સજા રદ થઈ અને તેમને મુક્ત કરવામાં આવ્યા. તે પછી ઈરાનના ખૂણે ખૂણે ઝરથોસ્તી પયગામ (ધર્મસંદેશ) ફેલાયો. આ ધર્મને સહકુટુંબ સ્વીકારનારા ‘માઝદયશ્ની-જરથોસ્તી’ કહેવાયા.
શાહ ગુસ્તાસ્પે ઝરથુષ્ટ્ર પાસે 4 વરદાન માગ્યાં : (1) સ્વર્ગદર્શન, (2) મોક્ષ, (3) યુદ્ધમાં વિજય અને (4) ત્રિકાળજ્ઞાન. કોઈ એક જ વ્યક્તિને આ ચારેય વરદાન નહિ આપતાં, શાહ ફરમાવે તેવી 4 જુદી જુદી વ્યક્તિને અકેક વરદાન મળશે એવું ઝરથુષ્ટ્રે જણાવ્યું. દરબારમાં જશન(ખુશાલીનો ઉત્સવ)નું આયોજન કરવામાં આવ્યું અને 4 જુદી જુદી વ્યક્તિઓને વરદાન આપવામાં આવ્યાં :
(1) શાહને પાણી પિવડાવીને સ્વર્ગદર્શન કરાવ્યું.
(2) રાજકુંવર પેશોતનને દૂધ પિવડાવીને મોક્ષની ભેટ ધરી.
(3) રાજકુમાર અસ્પંદિયારને દાડમના દાણા ખવડાવીને શરીર તાંબાવર્ણનું બનાવ્યું.
અને
(4) વજીર જામાસ્પને ફૂલ સૂંઘાડીને ત્રિકાળજ્ઞાની બનાવ્યો.
વળી ઝરથુષ્ટ્રે ‘આ ભલો ધર્મ કબૂલ કર’ એવો સરવરના છોડના પાન ઉપર કુદરતી રીતે જ લખાયેલો ધર્મસંદેશ શાહ ગુસ્તાસ્પને વંચાવ્યો.
ઝરથુષ્ટ્રની પત્નીનું નામ હવોવી હતું. ઇસ્તવાસ્તર, ઊર્ધતનર અને હવરેચીથ્ર નામે 3 પુત્રો તથા ફ્રેની, થીટી અને પૌરુચિશ્તી નામે 3 પુત્રીઓ મળીને કુલ 7 સભ્યોનો તેમનો પરિવાર હતો. ધર્મવિદોના મત અનુસાર સ્પિતમ ઝરથુષ્ટ્ર તો મગવન (બ્રહ્મચારી યોગી) હતા. તેથી આ 7 કુટુંબીજનો તેમના ગુણના પર્યાય છે : પત્ની એટલે અષોઈ માટેની લગન. 3 પુત્રો તે (1) સત્યનિષ્ઠા, (2) વોહુમનો (શુભ આશય) અને (3) સ્વાર્પણ, 3 પુત્રીઓ તે (1) આત્મબળ; (2) પ્રભુછત્ર અને (3) ત્રિકાળજ્ઞાન. આ સાતે શક્તિઓને ‘હપ્તન્યામત’ કહી છે.
જીવનની સંધ્યાએ એક ઇબાદતગાહ(પ્રાર્થનામંદિર)માં ભક્તિમાં ધ્યાનસ્થ હતા ત્યારે તૂરબટાતૂર નામના શત્રુએ તેમનું ખૂન કર્યું અને તે શહીદ થઈ નિર્વાણ પામ્યા; પરંતુ તે પહેલાં પોતાના હાથમાંની મંત્રમાળા તૂરબટાતૂર ઉપર ફેંકી અને તે બળીને ભસ્મ થઈ ગયો. શહીદીની ચોક્કસ તારીખ મળતી નથી, પરંતુ પારસી શહેનશાહી સંપ્રદાયના કૅલેન્ડર અનુસાર તે દિવસ દએ મહિનાનો ખોરદાદ રોજ હતો. ‘ઝરથોસ્તના દીસા’ને નામે ઓળખાતો આ નિર્વાણદિન પારસીઓ ખૂબ ગંભીરતાપૂર્વક ઊજવે છે. તે દિવસે ધાર્મિક ક્રિયા બાદ સમૂહભોજનનું આયોજન પણ કરવામાં આવે છે.
ઝરથુષ્ટ્રના મૃત્યુની નોંધને પણ કેટલાક ધર્મવિદો આલંકારિક ર્દષ્ટિથી જુએ છે. સમય અચોક્કસ છે. ‘તૂરબટાતૂર’નો અર્થ છે કુદરતી કોપ, જેની આગાહી ઝરથુષ્ટ્રને ધ્યાનસ્થ અવસ્થામાં થઈ હતી. આથી તેમણે અહુરાની સમક્ષ જનકલ્યાણ માટેની અંતિમ ઇચ્છા રજૂ કરી, કુદરતના કોપનો પ્રહાર પોતાના શરીર ઉપર ઝીલી લેવાની નૈતિક તૈયારી દાખવી અને નિર્વાણ પામ્યા.
તેમના જન્મ વખતે સૃષ્ટિ આનંદથી પુકારી ઊઠી હતી – ‘‘ઉશ્તાનો જાતો આથ્રવ યો સ્પિતમો ઝરથુષ્ટ્ર’’, ‘‘અમારાં સદભાગ્ય કે અમારા માટે સ્પિતમ ઝરથુષ્ટ્ર જેવા આથ્રવન જન્મ્યા.’’
નોશીર ખુરશેદ દાબુ