ઝરો : ભૂપૃષ્ઠના વિવૃત ખડકોમાંથી કે ભૂમિમાંથી બહાર ફૂટી નીકળતું પાણી. તે જો તદ્દન ઓછા પ્રમાણમાં થતું હોય તો સ્રાવસ્થાનની આજુબાજુ ફેલાઈને સ્થાનિક પંકવિસ્તાર રચે છે, જો તેનું પ્રમાણ વધુ હોય તો વહી જાય છે અને નજીકની નદીને જઈ મળે છે. આ પ્રકારે ફૂટી નીકળતા જળને જલસ્રાવ (seepage) નામ આપી શકાય. આ રીતે થતો જલસ્રાવ ત્યાંના ભૂપૃષ્ઠનાં ઢોળાવ-લક્ષણ, સ્રાવનો વેગ અને પ્રમાણ પર આધાર રાખે છે અને તે મુજબ કાં તો પ્રસરે છે અથવા વહી જાય છે. આથી ઊલટું, ક્યાંક તે ફુવારાના સ્વરૂપે પણ નીકળી આવે છે. પાતાળકૂવાની પ્રારંભિક જળપ્રાપ્તિ વખતે આવી સ્થિતિ ઉદભવે છે. તેમાં અત્યંત વેગથી જળજથ્થો ફુવારા રૂપે બહાર નીકળી આવે છે. આ પ્રકારની સ્થિતિને ‘પાતાળ ઝરો’ (artesian spring) કહે છે; પરંતુ જ્યાં ભૂગર્ભજળના પુરવઠા માટે ભૂપૃષ્ઠ નીચેની પરિસ્થિતિ અને પરિબળો મોસમ પ્રમાણે બદલાતાં રહેતાં હોય એવા સંજોગોમાં ઉદભવતા ઝરા ‘મોસમી ઝરા’ (seasonal springs) કહેવાય છે; જેમ કે, વર્ષાઋતુના ગાળા દરમિયાન ભૂગર્ભજળસપાટી ઊંચી આવે અને ઊંડી ખીણની બાહ્ય સપાટી સુધી પહોંચે તો મોસમી ઝરાનો ઉદભવ થાય છે.

કોઈ પણ પ્રકારના ઝરામાંથી જલસ્રાવ થવાનો સંજોગ આ પ્રમાણે સમજાવી શકાય : ભેદ્ય અને અભેદ્ય ખડકના જથ્થા લગોલગ જોડાયેલા હોય એવી જગ્યાઓમાં ભૂગર્ભતરફી જલાભિસરણ અટવાઈ જાય છે, ફંટાય છે અને પાછું પડે છે; જો તે સપાટી સુધી પહોંચીને બહાર નીકળી આવે તો ઝરાનો ઉદભવ થાય છે. આ રીતે થતા ઝરાનો ઉદભવ (1) બે સ્તરોની સંધિસપાટીમાંથી, (2) સ્તરભંગ સપાટીમાંથી, (3) ભૂપૃષ્ઠ નીચેનો જળપરિવાહ ખડકોના કોઈ વિવૃત ભાગમાંથી બહાર નીકળે ત્યારે, (4) નીચે તરફ અસંગતિ હોય અને ઉપર તરફ અગ્નિકૃત ખડકજથ્થો હોય ત્યારે, (5) ખીણ કે ગર્તના નીચાણવાળા વિસ્તાર સુધી ભૂગર્ભજળસપાટી પહોંચી જાય ત્યારે થાય છે.

ગિરીશભાઈ પંડ્યા