જ્યોતિસંઘ : સ્ત્રીઓના સર્વાંગી વિકાસની ભાવનાથી સ્થપાયેલી સંસ્થા. સ્થાપના 1934. 1930ની સ્વાતંત્ર્ય-લડતમાં ગાંધીજીએ ભારતીય નારીને સામેલ કરી. અમદાવાદના ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈનાં મોટાં દીકરી મૃદુલા લડતમાં જોડાયાં. 1933માં લડત સમેટાઈ ત્યાં સુધી બહેનોમાં ઉત્સાહનો જુવાળ ચાલુ રહ્યો. તત્કાલીન સમાજ રૂઢિચુસ્ત, અજ્ઞાન અને વહેમથી પીડાતો હતો. સ્ત્રીઓની સ્થિતિ દયનીય હતી. લડત સમેટાતાં બહાર આવેલી બહેનો ફરી ઘરમાં ન પુરાય તે માટે શું કરવું તેનું જેલમાં જ મૃદુલાએ મનોમંથન કર્યું. સંબંધિત શિક્ષિત સ્ત્રીપુરુષો સાથે પત્રવ્યવહાર કર્યો. પરિણામ રૂપે 1934ની 24મી એપ્રિલે સંસ્થા સાકાર બની; પરંતુ શહેરમાં મૅનિંજાઇટિસનો રોગચાળો ફાટી નીકળતાં કામ ઠપ થયું. 1934માં, 29 જૂનના દિવસે ગાંધીજીના પ્રમુખપદે અમદાવાદના મિરઝાપુરમાં આવેલા અંબાલાલ સારાભાઈના ‘શાન્તિ સદન’ મકાનના કમ્પાઉન્ડમાં સંસ્થાની વિધિસર સ્થાપના થઈ. બહેનોને ગરીબોના ઘરમાં દીવો બની જવાના બાપુના સંદેશથી સંસ્થાનું નામકરણ જ્યોતિસંઘ થયું. તેના ઉદ્દેશ આ મુજબ રખાયા : (1) બહેનોનું વ્યક્તિત્વ ખીલે, તેઓ નીડર બને અને શારીરિક, બૌદ્ધિક, માનસિક ક્ષમતા પ્રાપ્ત કરી નાગરિક તરીકે સમાનતા મેળવે; સ્વાવલંબી બની સમાજના – રાષ્ટ્રના પ્રવાહમાં ભળે; (2) જુનવાણી રૂઢિઓ સામે માથું ઊંચકી અજ્ઞાન અને વહેમ દૂર કરે; (3) આર્થિક સ્વાતંત્ર્ય મેળવી કુટુંબમાં સહાયક બને.
આ ઉદ્દેશો પાર પાડવા અનૌપચારિક શિક્ષણ, સરળ હિસાબ, વાચન, સમયાનુસાર વિવિધ ઉદ્યોગોની તાલીમ, ઉત્પાદન તેમજ કૌટુંબિક પ્રશ્નો હલ કરવા વગેરેની વ્યવસ્થા કરવામાં આવી. સમયાનુસાર પરિવર્તન છતાં આજ સુધી મૂળ ઢાંચો ચાલુ રહ્યો છે. સાઇકલ ચલાવવી, કાંતણ, વણાટ, ઘોડિયાઘર સંચાલન, નર્સિંગ, સાબુ બનાવવા, ખોખાં-ફાઈલો બનાવવાં વગેરેની તાલીમ સાથે ચિત્ર, સીવણ, ભરતગૂંથણ તથા સંગીતની તાલીમ માટે પણ વ્યવસ્થા કરાઈ. સ્ત્રીઓ માટે પ્રાથમિક શાળાંત તથા કન્ડેન્સ્ડ મૅટ્રિક જેવા અભ્યાસક્રમો શરૂ કરાયા. ઓછી ક્ષમતાવાળી બહેનો પાસે ઘરવપરાશની વસ્તુઓ તૈયાર કરાવી કમલા જ્યોતિ હાટ સહકારી વસ્તુભંડાર દ્વારા વેચાણ કરવાની વ્યવસ્થા કરાઈ.
1937માં રાયપુરની મગનભાઈ કરમચંદની હવેલી ભાડે રાખી એક જ સ્થળે સંસ્થા સ્થાયી બની. બહેનોનો અવાજ સમાજમાં પહોંચાડવા સંસ્થા દ્વારા ‘ગુજરાત સમાચાર’ દૈનિકમાં અઠવાડિક કટાર ચલાવાઈ, પછી સ્વતંત્ર માસિક પત્રિકાનું પ્રકાશન કરાયું. હવે ત્રૈમાસિક પત્રિકા દ્વારા આ કાર્ય ચાલુ રખાયું છે. સંસ્થાનાં પ્રકાશનોમાં કાયદાની સરળ પુસ્તિકા, જ્યોતિવિકાસની યાત્રાના 2 ભાગમાં ગુજરાતના સમાજસુધારાનો ઇતિહાસ, અગ્રણી ગુજરાતી મહિલાઓનાં રેખાચિત્રો, સસ્તી પોષક વાનગી, મૃદુલા સારાભાઈનું ચરિત્ર આદિ મહત્ત્વનાં છે. કાયદાકીય સુધારામાં નેતૃત્વ જાળવ્યું; જેમ કે, શાહબાનુ ઘટનામાં કેન્દ્રસરકારમાં બહેનોની લાગણીનો પડઘો પાડ્યો. આઝાદી પછી સંસ્થાએ બિનપક્ષીય વલણ લીધું. અમદાવાદ મહાનગરપાલિકા, સ્કૂલબોર્ડ, વિધાનસભા તથા લોકસભા અને રાજ્યસભા સુધી સંસ્થાની બહેનોએ સ્થાન મેળવ્યું.
કૌટુંબિક પ્રશ્નોમાં સંસ્થાને આધારે બહેનો બંડખોર બનતી તો કુટુંબમાંથી તેમને જાકારો મળતો. આવી બહેનો માટે 1937માં વિકાસગૃહ આવાસી સંસ્થા સ્થાપવામાં આવી. 1947માં જ્યોતિસંઘ વિકાસગૃહ સ્વાયત્ત બનતાં પુષ્પાવતી જનાર્દન મહેતા તેનાં સંચાલક બન્યાં. તેમણે વિકાસગૃહને વિકસાવ્યું. સૌરાષ્ટ્રભરમાં તેનું સંવર્ધન કર્યું. સંસ્થાના અગ્રણી કાર્યકરોમાં મૃદુલાબહેન સારાભાઈ, પુષ્પાવતી મહેતા અને ચારુમતી યોદ્ધા ગણાય. ચારુમતીએ નીડરતાથી ગુંડાતત્વોનો સામનો કરી, ગુજરાતભરમાં સંસ્થાના રાહતકાર્યને ગૌરવ અપાવ્યું.
બીજી હરોળની બહેનોમાં પ્રમોદા ગોસલિયા, નિર્મળા દેસાઈ, હેમલતા હેગિષ્ટે, ઉદયપ્રભા મહેતા વગેરેની સેવા પ્રશંસાપાત્ર રહી.
1938માં સંસ્થાની નોંધણી કરાઈ. શહેરના બૌદ્ધિક નાગરિકોનું સલાહકાર મંડળ સ્થપાયું. 1950ના ધર્માદા ટ્રસ્ટ ધારા પ્રમાણે સંસ્થાનું પ્રથમ ટ્રસ્ટી મંડળ 7 સભ્યોનું બન્યું. વિજયાલક્ષી પંડિત તેનાં પ્રથમ પ્રમુખ હતાં. 1959માં અમદાવાદમાં ટિળકમાર્ગ ઉપર ગુજરાતના નાગરિકોની સખાવતના સહકારથી પોતાનું મકાન કરી સંસ્થા સધ્ધર બની. સ્વતંત્રતા પછી સંસ્થાને સરકારી ફૉર્ડ ફાઉન્ડેશન તથા જર્મન સંસ્થા ટી.ડી.એસ.ના અનુદાનથી આર્થિક સધ્ધરતા પ્રાપ્ત થઈ. ફૉર્ડ ફાઉન્ડેશનના અનુદાનથી સાણંદ તાલુકામાં તથા મહેસાણાના ગોઝારિયા ગામમાં પણ બહેનોનું કામ શરૂ કરવામાં આવ્યું. રાયપુરમાં ઉત્પાદન-તાલીમની યોજના દાખલ કરવામાં આવી. સુવર્ણજયંતી નિમિત્તે મળેલા દાનમાંથી વાડજમાં મળેલી જમીન પર અદ્યતન મહિલા ઉદ્યોગાલયે આકાર લીધો.
આમ સંસ્થાના કદના વિસ્તાર સાથે પ્રવૃત્તિઓનો વ્યાપ પણ વિસ્તર્યો. જૂના ઉદ્યોગો ઉપરાંત ચર્મકામ, હૉબીવર્ગ, ટી.ટી.એન.સી. સેક્રેટરિયલ કોર્સ, ગુજરાતી-અંગ્રેજી ટાઇપ, ગૃહવિજ્ઞાન, શાળાઓમાં નાસ્તો પહોંચાડવો, પ્રસંગોપાત્ત બહેનોને પીરસવા મોકલવાં કે રસોડાં ચલાવવાં, સરકારી કાર્યાલયોમાં શિશુસંભાળકેન્દ્ર ચલાવવાં, ગ્રાહક-સુરક્ષા, કુટુંબ પરિવાર-કેન્દ્ર, વેચાણ-કેન્દ્ર વગેરે ચલાવવા જેવાં કાર્યો ઉમેરાયાં. આ ઉપરાંત શિક્ષણ અને તાલીમના ક્ષેત્રે વ્યવસાયી તાલીમ કેન્દ્રોની રચના કરવામાં આવી છે. જેથી મહિલાઓને સહેલાઈથી કામ મળે અને તેઓ આર્થિક રીતે સ્વાવલંબી બની શકે. આ માટે કળા, ઉદ્યોગો, સંગીત, સિલાઈ, ભરતકામ અને ફૅન્સી કામ, કમ્પ્યૂટર, મશીન દ્વારા ઊનનું ગૂંથણકામ, પુષ્પરચનાની કળા જેવાં ક્ષેત્રોમાં સંસ્થા આગળ વધી છે અને તે માટેની તાલીમ બહેનોને પૂરી પાડે છે. વધુમાં સાંસ્કૃતિક કાર્યક્રમો વિદ્યાર્થીઓ માટે પર્યટન અને વિવિધ સ્પર્ધાઓ યોજી બહેનોની પ્રતિભાને નવો ઓપ આપવાના કાર્યમાં સંસ્થા સક્રિય છે.
આ કાર્યો વ્યવસ્થિત રીતે અને નિયમિત ધોરણે કરવા માટે તેનું ‘ઉત્પાદક ઘટક’ સક્રિય છે. ઓછી શિક્ષિત, ગરીબ અને જરૂરિયાતમંદ બહેનોને રોજગારી પૂરી પાડવાનો મુખ્ય આશય આ ઘટક ધરાવે છે. આ માટે વિવિધ નાસ્તા, ખાખરા, પાપડ જેવી ખાદ્યસામગ્રીનું ઉત્પાદન-વેચાણ કરવામાં આવે છે. આ ક્ષેત્રે સંસ્થાની બહેનોની કામગીરી સમાજ દ્વારા પ્રશંસાપાત્ર ઠરી છે. સરકાર અને વિવિધ ખાનગી સંસ્થાઓ તેના ખાદ્યસામગ્રી ઉત્પાદન એકમનો વ્યાપક લાભ ઉઠાવે છે.
સંસ્થાના અન્ય બે ઘટકો સવિશેષ ઉલ્લેખનીય છે.
એક છે માનસિક ક્ષતિ ધરાવતી કિશોરીઓ માટેના તાલીમવર્ગો. જેમાં માનસિક વિકલાંગ કિશોરીઓને સમાજમાં સુવ્યવસ્થિત રીતે જીવન જીવવાની પદ્ધતિસરની તાલીમ આપવા સાથે એકાદ-બે હુન્નર-ઉદ્યોગ શીખવી, સ્વાવલંબી બનાવી તેમને જીવનમાં સક્રિયતા સાથે પ્રગતિમાં મદદરૂપ બનાવવાનું કાર્ય સિદ્ધ થાય છે. આવી બહેનોએ તેમની સર્જનાત્મક કળા દ્વારા રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રકક્ષાએ માન-ચાંદ મેળવી સંસ્થાને પણ યશસ્વી બનાવી છે.
બીજું ઘટક છે ચારુમતિ યોદ્ધા રાહત વિભાગ. કૌટુંબિક માર્ગદર્શન પૂરું પાડતું આ ઘટક સંસ્થાના સ્થાપનાકાળથી છેક 1934થી સક્રિય છે. દહેજ, માનસિક-શારીરિક ત્રાસ, રૂઢિચુસ્ત જીવનશૈલી, બાળકીજન્મનિષેધ, વૃદ્ધાવસ્થા — આ બધાંમાં બહેનોએ ખૂબ સહન કરવું પડે છે. આવા તમામ કિસ્સાઓમાં સંસ્થાના સલાહકારો બહેનોને સામાજિક અને કાનૂની ઢબે માર્ગદર્શન પૂરું પાડે છે. આ અંગે ત્વરિત પગલાં લઈ તબીબ કે પોલીસતંત્રની સહાય દ્વારા બહેનોને રક્ષણ આપવામાં આવે છે.
સંસ્થા પ્રકાશનના ક્ષેત્રે પણ કામ કરે છે. જેમાં ‘સસ્તી પોષક વાનગીઓ’ પુસ્તક વિશેષ ઉલ્લેખનીય છે. તેમાં ઓછી કૅલરી સાથે ઊંચું પોષણમૂલ્ય ધરાવતી વાનગીઓનો સમાવેશ કરાયો છે. સંસ્થાના સ્થાપક સભ્ય મૃદુલાબહેન સારાભાઈના જીવનની રૂપરેખા પૂરું પાડતું ‘વૈતાલિક’ તેમના જીવનનાં અનન્ય પાસાંઓને ઉજાગર કરે છે. વધુમાં મહિલાઓ અંગેના અધિકારો અને કાનૂનોની સમજ આપતી પુસ્તિકા પણ જ્યોતિસંઘે પ્રકાશિત કરીને બહેનોને વિશેષ માર્ગદર્શન સુલભ કરાવ્યું છે. 1934–2009 દરમિયાન જ્યોતિસંઘના પંચોતેર વર્ષની ઉજવણીના એક કાર્યક્રમ તરીકે ‘અમદાવાદની ક્રાંતિયાત્રા’ યોજી 2009માં તેની ઉજવણી કરવામાં આવી હતી. આ યાત્રા દ્વારા ભારતના સ્વાતંત્ર્યસંગ્રામનાં સંસ્મરણો તાજાં કરાયાં હતાં. આમ ‘જ્યોતિસંઘ’ બહેનોના સંદર્ભે ગુજરાતની એક સક્રિય, અગ્રણી અને અનન્ય સંસ્થા બની રહી છે.
સુસ્મિતા મ્હેડ
રક્ષા મ. વ્યાસ