જ્યોફ્રી એવરેસ્ટ હિન્ટન

August, 2023

જ્યોફ્રી એવરેસ્ટ હિન્ટન (જ.6 ડિસેમ્બર 1947, વિમ્બલ્ડન, ઇંગ્લૅન્ડ) : “ડીપ લર્નિંગના ગોડફાધર”, બ્રિટિશ-કેનેડિયન જ્ઞાનાત્મક મનોવિજ્ઞાની અને કમ્પ્યુટર વૈજ્ઞાનિક.

હિન્ટનનું શિક્ષણ કેમ્બ્રિજની કિંગ્સ કૉલેજમાં થયું હતું. પ્રાકૃતિક વિજ્ઞાન, કલાનો ઇતિહાસ અને ફિલસૂફી જેવા વિવિધ વિષયો બદલ્યા પછી આખરે તેમણે યુનિવર્સિટી ઑફ એડનબર્ગમાંથી મનોવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમણે એડનબર્ગ યુનિવર્સિટીમાં તેમનો અભ્યાસ ચાલુ રાખ્યો. તેમણે 1978માં યુનિવર્સિટી ઑફ સસેક્સમાંથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. પછી યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, સાન ડિએગો અને કાર્નેગી મેલોન યુનિવર્સિટીમાં કામ કર્યું. તેઓ યુનિવર્સિટી કૉલેજ લંડન ખાતે ગેટ્સબી ચેરીટેબલ ફાઉન્ડેશન કોમ્પ્યુટેશનલ ન્યુરોસાયન્સ યુનિટના સ્થાપક ડિરેક્ટર હતા. પછી યુનિવર્સિટી ઑફ ટોરોન્ટોમાં કમ્પ્યુટર સાયન્સ વિભાગમાં પ્રોફેસર બન્યા. તેઓ મશીન લર્નિંગમાં કેનેડા રિસર્ચ ચેર ધરાવે છે. તેઓ કેનેડિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર એડવાન્સ્ડ રિસર્ચમાં લર્નિંગ ઇન મશીન્સ એન્ડ બ્રેન્સ પ્રોગ્રામ માટે સલાહકાર છે. જ્યારે હિન્ટન કાર્નેગી મેલોન યુનિવર્સિટી (1982-1987)માં પ્રોફેસર હતા, ત્યારે તેમણે ડેવિડ ઇ. રુમેલહાર્ટ અને રોનાલ્ડ જે. વિલિયમ્સ સાથે મલ્ટિ-લેયર ન્યુરલ નેટવર્ક્સ પર બેકપ્રોપેશન અલ્ગોરિધમ લાગુ કરવા માટે કામ કર્યું હતું.

ન્યુરલ ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ સિસ્ટમ્સ (NeurIPS) પરની કોન્ફરન્સમાં તેમણે ન્યુરલ નેટવર્ક્સ માટે એક નવું લર્નિંગ અલ્ગોરિધમ રજૂ કર્યું જેને “ફોરવર્ડ-ફોરવર્ડ” અલ્ગોરિધમ કહે છે. તેમણે ડેવિડ એકલી અને ટેરી સેજનોવસ્કી સાથે બોલ્ટ્ઝમેન મશીનની સહ-શોધ કરી હતી. જેણે કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. તેઓ કૃત્રિમ ન્યુરલ નેટવર્ક પરના તેમના કામ માટે સૌથી વધુ જાણીતા છે.કૃત્રિમ ન્યુરલ નેટવર્ક્સ અને ડીપ લર્નિંગ ઉપરાંત તેમણે જ્ઞાનાત્મક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે ધારણા, ધ્યાન અને યાદશક્તિ સહિતના વિષયોની વિશાળ શ્રેણી પર સંશોધન કર્યું છે. તેમના કાર્યથી માનવ મગજ કેવી રીતે માહિતીની પ્રક્રિયા કરી તેનો સંગ્રહ કરે છે તેની જાણકારી પ્રાપ્ત થઈ છે. તેઓ મશીન લર્નિંગ અલ્ગોરિધમ્સ ડિઝાઇન કરે છે. વર્ડ એમ્બેડિંગ્સ શીખવા માટે બેકપ્રોપેશનનો ઉપયોગ કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા. તેઓ માર્ચ 2013માં ગુગલ(Google)માં જોડાયા અને મે 2023માં તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) ટૅક્નૉલૉજીના જોખમો અંગેની ચિંતા વ્યક્ત કરતાં મે 2023માં ગુગલ(Google) છોડવાની જાહેરાત કરી.

તેઓ 1998માં રોયલ સોસાયટી (FRS), રોયલ સોસાયટી ઑફ કેનેડા અને એસોસિએશન ફોર ધ એડવાન્સમેન્ટ ઑફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ફેલો છે. તેઓ અમેરિકન એકેડેમી ઑફ આર્ટ્સ એન્ડ સાયન્સ અને 2016માં નેશનલ એકેડેમી ઑફ એન્જીનીયરીંગના માનદ વિદેશી સભ્ય અને કોગ્નિટિવ સાયન્સ સોસાયટીના ભૂતપૂર્વ પ્રમુખ છે. તેમને 2001માં યુનિવર્સિટી ઑફ એડિનબર્ગ, યુનિવર્સિટી ઑફ સસેક્સ અને 2013માં ડી શેરબ્રુક યુનિવર્સિટીમાંથી માનદ ડૉક્ટરેટની પદવી આપવામાં આવી છે. હિન્ટનને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને જ્ઞાનાત્મક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના કાર્ય માટે અસંખ્ય પુરસ્કારો પણ મળ્યા છે. તેમને 2001માં રુમેલહાર્ટ પ્રાઇઝ અને 2005માં IJCAI ઍવૉર્ડ ફોર રિસર્ચ એક્સેલન્સ લાઇફ ટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ મળ્યો હતો. તેમને 2011માં હર્ઝબર્ગ કેનેડા ગોલ્ડ મેડલ, 2012માં ક્વીન એલિઝાબેથ II ડાયમંડ જ્યુબિલી મેડલ, 2016માં IEEE/RSE વુલ્ફસન જેમ્સ ક્લાર્ક મેક્સવેલ ઍવૉર્ડ અને BBVA ફાઉન્ડેશન ફ્રન્ટિયર્સ ઑફ નોલેજ ઍવૉર્ડ મળ્યો હતો. 2018માં “કમ્પ્યુટિંગના નોબેલ પુરસ્કાર” તરીકે ઓળખવામાં આવતો ટ્યુરિંગ પુરસ્કાર મળ્યો હતો. 2021માં તેમણે કાર્નેગી મેલોન યુનિવર્સિટી તરફથી વિજ્ઞાનમાં ડિક્સન પુરસ્કાર મેળવ્યો અને 2022માં સાયન્ટિફિક રિસર્ચ કેટેગરીમાં પ્રિન્સેસ ઑફ અસ્તુરિયસ ઍવૉર્ડ મળ્યો. 2010માં વિજ્ઞાન અને એન્જિનિયરિંગમાં કેનેડાનો ટોચનો પુરસ્કાર NSERC હર્ઝબર્ગ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. તેમને “એઆઈના ગોડફાધર” અને “ડીપ લર્નિંગના ગોડફાધર” તરીકે ઓળખવામાં આવે છે.

અનિલ રાવલ