જ્યૉર્જિયન સ્થાપત્ય (અઢારમી સદી ઉત્તરાર્ધ) : ઇનિગો જૉન્સની હયાતીનાં લગભગ 100 વર્ષ પછી તેમની શૈલી દ્વારા પ્રચલિત પલ્લાડિયોની નવપ્રશિષ્ટતાના ફરીથી ઉદભવેલ સ્વરૂપે જ્યૉર્જિયન સ્થાપત્યશૈલીની શરૂઆત થઈ ગણાય છે. રાજા જ્યૉર્જ 1, 2 અને 3ના સમય(1714–1820)માં પ્રચલિત થવાથી તે જ્યૉર્જિયન શૈલી કહેવાઈ. અંગ્રેજી સ્થાપત્યમાં બારોક શૈલીનો અસ્વીકાર થયો. જ્યૉર્જિયન સ્થાપત્ય વિશાળ ઇમારતમાં બાહ્ય સ્વરૂપે પ્રશિષ્ટતા દર્શાવે છે અને નાનાં આયોજનોમાં – ખાસ કરીને નિવાસઆયોજનમાં રાણી એનની શૈલીને વળગી રહે છે. આંતરિક આયોજન હંમેશ બાહ્ય સ્વરૂપ કરતાં અત્યંત વિસ્તૃત હોય છે અને પલ્લાડિયોની શૈલીની છાપ આમાં સ્પષ્ટ જણાય છે. જોકે તેમાં સૈદ્ધાંતિક છૂટછાટ ઘણી રહેલી. પલ્લાડિયોની આ અસર લગભગ 1820 સુધી જણાય છે, જેનું ઉદાહરણ નાશના આયોજિત રિજન્ટ માર્ક ટેરેસીઝ દ્વારા આપણને મળે છે.
રવીન્દ્ર વસાવડા