જ્યૉર્જટાઉન : દક્ષિણ અમેરિકાના ઈશાન કાંઠા પર આવેલા ગુયાના પ્રજાસત્તાકનું પાટનગર, મોટામાં મોટું શહેર તથા પ્રમુખ બંદર. ભૌગોલિક સ્થાન 6° 48´ ઉ. અ. અને 58° 10´ પ. રે.. ઉદ્યોગ વ્યાપારના મથક તરીકે પણ તે જાણીતું છે. આટલાંટિક મહાસાગરમાં ઠલવાતી ડેમેરારા નદીના મુખ પર તે વસેલું છે. તેની વસ્તી અંદાજે 2,50,000  (2012) છે જેમાં યુરોપિયનો, આફ્રિકનો તથા મૂળ ઈસ્ટ ઇન્ડીઝના રહેવાસીઓનો સમાવેશ થાય છે. તેની આજુબાજુનો પ્રદેશ ઉષ્ણકટિબંધીય આબોહવા ધરાવતો, ગીચ જંગલોથી ઘેરાયેલો છે. એપ્રિલથી ઑગસ્ટ તથા નવેમ્બરથી ફ્રેબ્રુઆરીમાં ત્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 2,340 મિમી. જેટલો હોય છે. ત્યાંનું સરેરાશ તાપમાન 29° સે. છે.

શહેરમાં ખાંડ શુદ્ધીકરણનાં કારખાનાં, ફાઉન્ડરી, યંત્રસમારકામનાં કારખાનાં, દારૂ બનાવવાના એકમો, લાટી અને ઊર્જાઉત્પાદકો વગેરેના એકમો આવેલા છે. ત્યાંની મુખ્ય પેદાશોમાં નારિયેળ, શેરડી, ડાંગર, તમાકુ તથા ઘણી જાતનાં ફળફળાદિનો સમાવેશ થાય છે. ત્યાંથી નોંધપાત્ર પ્રમાણમાં બૉક્સાઇટ, સોનું, હીરા, નારિયેળ, ખાંડ, ઇમારતી લાકડું, ચોખા તથા દારૂની નિકાસ થાય છે.

પર્યટકો માટે નગરમાં ગિરજાઘરો, વસ્તુસંગ્રહાલયો, વનસ્પતિ તથા પ્રાણીવિષયક ઉદ્યાનો, કૃષિ પ્રયોગકેન્દ્ર, બ્રિટિશ સામ્રાજ્ય દરમિયાન વિકસેલા સ્થાપત્યના ઉમદા નમૂના ધરાવતી ઇમારતો તથા લાકડાનાં મકાનોનો સમાવેશ થાય છે. ટેસ્ટ-ક્રિકેટના મથક તરીકે પણ આ નગર જાણીતું છે.

તે યુનિવર્સિટી ઑવ્ ગુયાનાનું મથક છે. ત્યાં જુદી જુદી વિદ્યાશાખાઓના અભ્યાસક્રમોવાળી શિક્ષણસંસ્થાઓ આવેલી છે. જલમાર્ગે તથા હવાઈ માર્ગે અન્ય ઘણાં નગરો સાથે તે સંકળાયેલું છે.

ડચ વેસ્ટ ઇન્ડીઝ કંપની દ્વારા 1625માં ત્યાં સર્વપ્રથમ વસાહત ઊભી કરવામાં આવી હતી. પણ તેના વિકાસની શરૂઆત 1782થી થઈ હતી. 1781માં ત્યાં સર્વપ્રથમ બ્રિટિશ વસાહત સ્થપાઈ. 1784માં ફ્રેંચોએ તેનું પુનર્નિર્માણ કર્યું ત્યાં સુધી આ નગર સ્ટૅબ્રોક નામથી ઓળખાતું. 1814ની પૅરિસ સંધિ દ્વારા તેને બ્રિટિશ હકૂમત હેઠળ મૂકવામાં આવ્યું અને ત્યારથી ઇંગ્લૅન્ડના રાજા જ્યૉર્જ ત્રીજાના નામ પરથી આ નગર ‘જ્યૉર્જટાઉન’ નામે ઓળખાતું થયું. 1945 તથા 1951માં ભયંકર આગથી આ નગરમાં આવેલાં લાકડાનાં ઘણાં પ્રાચીન મકાનો નષ્ટ થયાં હતાં.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે