જોગીદાસ ખુમાણ : લોકપ્રિય ગુજરાતી ચલચિત્ર. તેની કથા એક શૂરવીર અને સંતની કથા છે. લોકપ્રસિદ્ધ કથાનક પર આધારિત ત્રણ ગુજરાતી ચિત્રપટો આ એક જ શીર્ષકથી અનુક્રમે 1948, 1962 અને 1975માં જુદી જુદી નિર્માણસંસ્થાઓ દ્વારા રજૂઆત પામ્યાં.
1948માં રૂપ-છાયા નિર્માણસંસ્થા દ્વારા નિર્મિત ચિત્રના નિર્માતા મનહર રસકપૂર અને મધુસૂદન, વાર્તા-સંવાદ કવિ ‘જામન’, ગીતો અવિનાશ વ્યાસ, વેણીભાઈ પુરોહિત, પ્રહલાદ પારેખ અને કૈલાસ પંડ્યા; ગાયક કલાકારો રતિકુમાર વ્યાસ, અમીરબાઈ કર્ણાટકી, ઇન્દુકુમાર, ગાંધારી, રમેશ દેસાઈ, પ્રમીલાબાઈ, અરવિંદ પંડ્યા વગેરે; સંગીતકાર રમેશ દેસાઈ અને ઇન્દુકુમાર પારેખ; દિગ્દર્શન મનહર રસકપૂર અને મુખ્ય કલાકારોમાં અરવિંદ, દલપત, વિમલ, ચાંપશીભાઈ નાગડા, રતિકુમાર વ્યાસ, ચિમનલાલ, સંજય, નર્મદાશંકર, બળવંત લોબાન, કુસુમ ઠક્કર, પ્રમીલા, ફૂલરાણી, કુમુદ વગેરે હતાં. હાલના જાણીતા સંગીતકાર લક્ષ્મીકાંતે બાળ-કલાકાર તરીકે આ ચિત્રપટમાં અભિનય કર્યો હતો.
1962માં મંગલમ્ ચિત્રસંસ્થાએ આ ચિત્રનું ફરી નિર્માણ કર્યું. પટકથા-દિગ્દર્શન મનહર રસકપૂર, કથા ગુણવંતરાય આચાર્ય, ગીત-સંગીત અવિનાશ વ્યાસ, કલા કનુ દેસાઈ, મુખ્ય અભિનય પી. જયરાજ, અન્ય કલાકારોમાં અરવિંદ, ઊર્મિલા ભટ્ટ, અરુણા, બાબુ રાજે, યશોધરા કાત્જુ, રતિકુમાર વ્યાસ અને બાળ કલાકાર વિજય કોટક, નૂતન, નીતિન શાહ અને કમલ હતાં. ગીતોમાં સ્વર આશા, મન્ના ડે, વીણા મહેતા, પિનાકિન શાહ, રતિકુમાર અને બદરીપ્રસાદનો હતો.
1975માં મદન ચિત્રસંસ્થા દ્વારા નિર્મિત રંગીન ‘જોગીદાસ ખુમાણ’ માટે નિર્માતા રામકુમાર બોહરા, પટકથા-સંવાદલેખન-દિગ્દર્શન મનહર રસકપૂર, ગીત-સંગીત અવિનાશ વ્યાસ, સ્વર મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર, સુલોચના વ્યાસ, વેલજીભાઈ અને દિલરાજ કૌર તથા મુખ્ય કલાકારોમાં અરવિંદ ત્રિવેદી, અરવિંદ પંડ્યા, ઊર્મિલા ભટ્ટ, પદ્મારાણી, મંજરી દેસાઈ, રમેશ મહેતા, રામકુમાર, આરતી, રજનીબાળા, પી. ખરસાણી, જયાબહેન ભટ્ટ, ચંદ્રકાંત પંડ્યા, રમેશકાંત, સુરેશ રાવલ, કમલેશ ઠાકર, વેલજીભાઈ ગજ્જર વગેરે હતાં.
‘જોગીદાસ ખુમાણ’ અન્યાય સામે બહારવટે ચડેલા એક નરવીરની શૌર્ય અને સમર્પણની કથા છે. સત્ય ઘટનાઓ પર આધારિત આ બહારવટિયાની જીવનકથા સાથે ભાવનગર રાજ્યના રાજવી વજેસિંહની દાની દુશ્મનાવટની કથા પણ સંકળાયેલી છે. જોગીદાસના વડવા સામત ખુમાણે જીવસટોસટના ખેલ ખેલીને કુંડલાની ગરાસદારી મેળવી હતી. પાછળથી ભાવનગર રાજ્યે સામતના 9 દીકરામાંથી 8ને સામ-દામ-દંડ-ભેદ નીતિથી પરાસ્ત કરી ગરાસ પરત મેળવી ભાવનગર રાજ્યમાં ભેળવી દીધો. નવમો દીકરો હાદલ ખુમાણ અડગ અને ટેકીલો હતો. પોતાના ઝૂંટવાયેલા ગરાસ માટે તે પોતાના 3 દૂધમલિયા પુત્રો જોગીદાસ, ભાણ અને ગેલા સાથે ભાવનગર રાજ્ય સામે બહારવટે ચડ્યો. હાદલની વૃદ્ધાવસ્થાને કારણે બહારવટાની જવાબદારી જોગીદાસે પોતાના શિરે લીધી. ગોહિલવાડ પંથકમાં જોગીદાસના નામનો ડંકો વાગી ગયો. કુંડલા પાછું ન મળે ત્યાં સુધી તેનું પાણી ન પીવું તેવી આકરી પ્રતિજ્ઞા લીધી.
ભાવનગરના મહારાજા વજેસિંહજી હતા. જોગીદાસને જીવતો પકડવા આણંદજી દીવાને બીડું ઝડપ્યું. જોગીદાસે તેનો શિરચ્છેદ કર્યો. મહારાજાએ જોગીદાસને પકડવા ઢંઢેરો પિટાવ્યો. દૈવવશાત્ વજેસિંહજીના કુંવર દાદભાનું અવસાન થયું. જોગીદાસ માનવતાને નાતે ખરખરે આવ્યો. જાણ થતાં જોગીદાસને પકડવા ભરી સભામાં તલવારો ચમકી, પણ વજેસિંહજીની ખાનદાનીએ જોગીદાસને અભય-વચન આપી વળાવ્યો. નવા આવેલા દીવાન જીભાઈએ લાગ જોઈને જોગીદાસના વયોવૃદ્ધ પિતા હાદલ ખુમાણનો શિરચ્છેદ કર્યો. તેનું કલંક ધોવા વજેસિંહજીએ પોતાના દાના દુશ્મન હાદલની શ્રાદ્ધક્રિયા પોતાને માથે લીધી. જોગીદાસ ભાવનગરના તાબાના વરતેજ ગામ પર ત્રાટક્યો. મહારાજાએ સ્વયં સેનાની આગેવાની લીધી. મોટી સેના સામે જોગીદાસ ટકી શકે તેમ નહોતો તેથી પીછેહઠ કરી. રસ્તામાં ભંડારિયા ગામને સીમાડે જોગીદાસને શિરામણ માટે ભીમ પાંચાળિયાએ રોક્યા. મહારાજ અતિથિને અવધ્ય ગણી જોગીદાસને પકડ્યા વિના પાછા ફર્યા. કહેવાય છે કે જોગીદાસ છેલ્લે બહારવટું ત્યજીને હિમાળો ગાળવા ચાલ્યો ગયો.
1948માં ઊતરેલા ‘જોગીદાસ ખુમાણ’નું અવિનાશ વ્યાસનું હાલરડું ‘‘હ-લુ-લુ-લુ હાલ રે ખમ્મા’’ (અમીરબાઈના સ્વરમાં) અને ‘‘જોગી હાલ્યો જાય’’ ગીત લોકપ્રિય થયાં હતાં. આ ચિત્રના દુહાઓ તથા 1962માં ઊતરેલા ચિત્રના સવૈયા-છંદના દુહાઓ સોરઠી દુહાસાહિત્યની અણમોલ ભેટ છે. 1975માં ઊતરેલા ચિત્રમાં આપા હમીરની કલમે લખાયેલો રાસડો ‘જોગી તારા જુદ્ધ જોવા આભે અપ્સરા થંભતી…’ (વેલજીભાઈ, સાથીઓના સ્વરમાં) પણ નોંધપાત્ર છે.
હરીશ રઘુવંશી