જોગીડો : ફૂગથી બાજરામાં થતો રોગ. તે પીલિયો, કુતુલ, બાવા, ખોડિયા, ડાકણની સાવરણી વગેરે નામે ઓળખાય છે. તેના માટે જવાબદાર ફૂગનું નામ Sclerospora graminicola છે. આ રોગનો ઉપદ્રવ બીજની સાથે અથવા જમીનમાં રહેલી રોગપ્રેરક ફૂગના બીજાણુ મારફત થાય છે. ગરમ તથા ભેજવાળું વાતાવરણ રોગને વધારે અનુકૂળ આવે છે. ધરુની અવસ્થાથી માંડી ડૂંડાની અવસ્થા સુધીમાં ગમે ત્યારે રોગ લાગે છે. પાનની નીચે દેખાતી ફૂગની સફેદ છારી ફૂગના બીજકણો ધરાવે છે અને પવન, વરસાદ, કીટકો વગેરે મારફત ફેલાતા રોગનો પણ ઉપદ્રવ થાય છે. આ રોગપ્રેરક ફૂગ બાજરાના પ્રકારના અન્ય ધાન્ય પાકોમાં પણ રોગ કરે છે.

રોગનાં લક્ષણોને 2 તબક્કાઓમાં વહેંચી શકાય : (1) ધરુ-અવસ્થાએ દેખાતાં લક્ષણો; જેમાં પાનની નીચેની બાજુએ સફેદ છારી બાઝી જાય છે. રોગગ્રસ્ત છોડ વામણા રહે છે અને પીળા પડી જાય છે. સમય જતાં સફેદ છારી કથ્થાઈ રંગની થઈ પાન સુકાઈ જાય છે અને નસની બાજુએથી તૂટી જઈ તાંતણાપ્રતાંતણા જેવા થઈ જાય છે. (2) ડૂંડા-અવસ્થાએ દેખાતાં લક્ષણોને ગ્રીન ઇઅર સ્ટેજ કહે છે. ડૂંડાં સંપૂર્ણપણે નાનાં નાનાં વાંકિયાં લીલાં પાન જેવી ફૂટથી છવાઈ જાય છે અને દાણા બેસતા નથી. આવી ફૂટના લીધે ડૂંડાં સાવરણી જેવાં દેખાય છે. ઘણી વાર ડૂંડાંના અડધા ભાગમાં દાણા બેસે છે અને અડધો ભાગ લીલી ફૂટથી છવાઈ જાય છે અથવા ડૂંડાંની જગ્યાએ લીલી ફૂટ થતાં ડૂંડાં સદંતર બેસતાં નથી.

નિયંત્રણના ઉપાયો : બાજરાના પાકમાં કુતુલ રોગના સંપૂર્ણ નિયંત્રણ માટે સંશોધનનાં પરિણામોને આધારે પૂર્ણ સફળતા મળેલ છે. આ રોગના નિયંત્રણનો ઓછો ખર્ચાળ અને અસરકારક ઉપાય કુતુલરોગપ્રતિકારક અને ઉત્પાદનલક્ષી જાતો વાવવાનો છે. આવી જાતોમાં સી.જે. 104, બી.જે. 104, બી.કે. 560 (230), જી.એચ.બી. 27, જી.એચ.બી. 32ની ગણતરી હજુ સુધી કરવામાં આવતી હતી; પરંતુ સી.જે. 104 સંકર જાતમાં છેલ્લાં 2 વર્ષથી કુતુલનું પ્રમાણ ખૂબ જ વધી જવા પામેલ છે તેથી તે જાતને હવે કુતુલપ્રતિકારકમાં ગણી શકાય તેમ નથી. બી.જે. 104 અને બી.કે. 560 (230)માં કુતુલ 5 %થી 10 % જેટલો જોવા મળે છે. જી.એચ.બી. 27 જાત હજુ સુધી કુતુલ રોગ સામે સંપૂર્ણ પ્રતિકારશક્તિ ધરાવે છે.

હિમંતસિંહ લાલસિંહ ચૌહાણ